આપણા બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં જતા બંધ થઇ રહ્યા છે અને અો.સી.આર. પરીક્ષા બોર્ડ ગુજરાતીની જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો લેવાનું વર્ષ ૨૦૧૬ બાદ બંધ કરવા માટે વિચાર કરી રહ્યું છે ત્યારે અો.સી.આર. તેમજ સરકાર પર દબાણ લાવવા અને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે સંગત સેન્ટર ખાતે ગત તા. ૪ જુલાઇના રોજ યોજાયેલી બેઠકને જોરદાર સફળતા સાંપડી હતી. એમપી બોબ બ્લેકમેને પાર્લમાેન્ટમાં અર્લી ડે મોશન લાવવાની તેમજ અોસીઆર સાથે બેઠક ગોઠવવામાં મધ્યસ્થી થવાની બાંહેધરી આપી હતી. તો લંડન એસેમ્બલી મેમ્બર શ્રી નવિનભાઇ શાહે આ મુદ્દો લંડનની એસેમ્બલીમાં લઇ જવાની અને મેયરને રજૂઆત કરવાની જાહેરાત કરી હતી.
લંડન એસેમ્બલીના મેમ્બર અને જાણીતા ગુજરાતી અગ્રણી શ્રી નવિનભાઇ શાહે જણાવ્યું હતું કે "પરીક્ષાઅો બંધ કરવાનો અોસીઆરનો પ્રસ્તાવ છે. ભાષા અને સંસ્કૃતિની આ દેશને ખૂબજ જરૂર છે. સરકાર પરીક્ષકો નથી તેવી રજૂઆત કરે છે. પરંતુ આ અંગે જો માંગ કરાય તો આપણી પાસે વિપુલ સંખ્યામાં પરીક્ષક થવાની યોગ્યતા ધરાવતા લોકો છે. ભાષા અને સંસ્કૃતિ ખૂબજ અગત્યના છે. આ પ્રશ્ને SKLPC દ્વારા પીટીશન કરાઇ હતી. આપણે બધાએ સાથે રહીને લડત લડવાની છે. જો આપણે ભાષા જવા દઇશું તો શાળાઅો પણ આંચકી લેવાશે. આપણે બધાએ સાથે રહીને સત્યાગ્રહના જેવી લડત આપવાની છે. હું શ્રી સીબી, કમલ રાવ અને કોકિલાબેનનો આભાર વ્યક્ત કરૂ છું જેઅો આ ઝુંબેશને આગળ ધપાવી રહ્યા છે.”
શ્રી નવિનભાઇએ જણાવ્યું હતું કે "એડ્યુકેશન મિનિસ્ટર નિકી મોર્ગન અને અમારા શેડો એડ્યુકેશન સેક્રેટરીએ પણ ખાતરી આપી છે તેથી ચિંતાનો વિષય નથી. હું પણ લંડન એસેમ્બલી મેમ્બર તરીકે લંડનના મેયર બોરીસ જ્હોન્સનને અને લંડન એસેમ્બલીમાં આ બાબતે રજૂઆત કરીશ. હું પ્રસ્તાવ કરૂં છું કે આપણે મુક્તમને મજબૂત પગલા લેવા જોઇએ અને નાણાંકીય તકલીફ માટે પણ વાત કરીએ. બધા સંગઠનોએ ભેગા મળીને નેશનલ પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે.”
હેરો ઇસ્ટના એમપી બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે "આજે આપણે બધા સાથે એક જુથ થઇને અહિં આપણી ભાષાની જાળવણી માટે આવ્યા છીએ અને આપણે સાથે રહીને લડત આપવાની છે. ભારત અને સમગ્ર વિશ્વ સાથે વેપાર અને સહયોગ વધે તે માટે ખરેખર ભાષો ખૂબજ જરૂરી છે. આપણે ગુજરાતી ભાષાની સાથે જે અન્ય ભાષાઅોની પરીક્ષાઅો પણ બંધ કરવાની વિચારણા ચાલી છે તે લોકોને પણ આપણા અંદોલનમાં જોડવાની જરૂર છે. જેથી આપણી લડતને ચારેય બાજુથી સહયોગ મળશે.”
શ્રી બ્લેકમેને જણાવ્યું હતું કે "હું અોછુ ગુજરાતી બોલી શકતો હોઇશ પણ ગુજરાતી ઘણું સમજી ઘણું શકું છું. આપણે આ યુધ્ધ જીતવું ખૂબજ જરૂરી છે. ચૂંટણી પહેલા જ આપણે ગુજરાતી સહિત અન્ય ભાષાની જાળવણી માટે અોસીઆરને લખ્યું હતું અને એડ્યુકેશન મિનિસ્ટર નીકી મોર્ગને તો અોસીઆરને નિર્ણય બદલવા લખ્યું પણ છે. ગુજરાતી જીવંત ભાષા છે અને કરોડો લોકો વિશ્વભરમાં ગુજરાતી બોલે છે. આપણે જ નક્કી કરવાનું છે કે વધુને વધુ લોકો ગુજરાતી બોલે અને તેની પરીક્ષાઅો આપે. આપણે દબાણ લાવશું તો જરૂરથી આપણને સફળતા સાંપડશે. પાર્લામેન્ટમાં અોલ પાર્ટી એગ્રીમેન્ટ કરીને ક્રોસ બેન્ચરનો સહકાર લઇને પણ અમે આ માટે રજૂઆત કરીશું. આવા ગાંડપણભર્યો નિર્ણય ન લેવો જોઇએ જેથી લોકો હતાશ થઇ જાય. હું આ મુદ્દા પર પાર્લામેન્ટમાં ચર્ચા કરવનાર છું અને આવતા અોટમ સત્રમાં આ પ્રશ્નને સરકારના રેકોર્ડ પર લાવનાર છું. હું અોસીઆર સાથે પણ આ મુદ્દે મીટીંગ ગોઠવવા તૈયાર છું આપ સૌ પ્રતિનિધિ નક્કી કરીને મળી શકો છો.”
એમપી બોબ બ્લેકમેને BAPSના શ્રી અલ્પેશભાઇ પટેલના પાર્લામેન્ટમાં 'અર્લી ડે મોશન' લાવવાના પ્રસ્તાવને વધાવી લેતાં જણાવ્યું હતું કે 'તમે જો ડ્રાફ્ટ કરી મને સોંપશો તો હું 'અર્લી ડે મોશન' માટે પણ મારા સાથી એમપીઅોની મદદ લઇને મહેનત કરીશ. આ મુદ્દા પર પાર્ટી પોલિટીક્સ લાવવાની કોઇ જ જરૂર નથી. જો અોસીઆરને પૈસાની તકલીફ હોય તો અમે તે આપીશું”
શ્રી નવિનભાઇ શાહ અને શ્રી બ્લેકમેને જણાવ્યું હતું કે 'સૌએ પોતાના વિસ્તારના એમપીને આ બાબતે પત્ર લખી ગુજરાતી ભાષાની જાળવણી અને પરિક્ષાઅો માટેની ઝુંબેશમાં મદદ માંગવી જોઇએ. ઘણાં એમપીઅોને આ મુદ્દાની ખબર પણ નહિં હોય. તમારી મુશ્કેલી તેમને જણાવવી ખૂબજ જરૂરી છે.”
શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'ગુજરાતી ભાષા ખાસ જરૂરી છે. હું તમને સૌને સૂચન કરીશ કે તમારા સગાવ્હાલા, મિત્રો, સંબંધીઅોને આ પ્રશ્ન માટે જોડો અને તેમના ઘરોમાં ગુજરાતી જ બોલાય તેવો આગ્રાહ રાખો. આપણા લોકો પાસે મંદિરના ગુરૂઅો માટે પૈસા છે પણ ભાષા માટે પૈસા નથી. ઘરથી જ સખાવતની શરૂઆત કરવી જોઇએ. મને આનંદ છે કે ગુજરાતી ભાષા માટે આજે આપણે અહિં છીએ. ભાષાની જાળવણી માટે વાલીઅો પણ એટલા જ જવાબદાર છે. આપણે સૌ જો રોજ અડધો કલાક ગુજરાતી માટે પ્રયત્ન કરીશું તો કોઇ જ તકલીફ પડવાની નથી.”
કાર્યક્રમના પ્રારંભે 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ એડિટર અને કાર્યયક્રમના કો-અોર્ડીનેટર શ્રી કમલ રાવે જણાવ્યું હતું કે 'આપણી ગુજરાતી ભાષા માટે આપણે જ લડત લડવાની છે. કદાચ અોસીઆર કે સરકાર આપણને ભેટ કે ભીખ તરીકે ગુજરાતી ભાષાની પરીક્ષાઅો આપી દેશે પણ જો આપણે જ ઘરે ગુજરાતી નહિં બોલીશું નહિં અને બાળકોને ગુજરાતી શાળામાં મોકલીશું નહિં તો ભાક્ષા કઇ રીતે જળવાશે? ગુજરાતી મરી જશે તેવો ડર રાખવા કરતા ગુજરાતીની મોજ માણવી જોઇએ. 'ગુજરાત સમાચાર' તમારું છે અને સદાય તમને મદદ કરશે. પણ સાથે સાથે ગુજરાતી શિખવા માટે 'ગુજરાત સમાચાર' વાંચવાથી બીજો આસાન રસ્તો પણ કોઇ નથી"
કાર્યક્રમનું સમાપન કરતા 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે જણાવ્યું હતું કે "આજે બહુ જ સારી ચર્ચા થઇ છે. મેં પણ ગુજરાતી ભાષાના પરીક્ષક તરીકે સેવાઅો આપી છે. ગુજરાતી શિખવાની શરૂઆત ઘરથી જ થાય તે જરૂરી છે. ઘરમાં ગુજરાતી બોલો તો બાળક ગુજરાતી શિખશે. હું મારી પંજાબી વહુ સાથે ગુજરાતીમાં જ બોલું છું અને હવે તે પણ મારી સાથે ગુજરાતી જ બોલે છે. પહેલા 'ગુજરાત સમાચાર' દરેક શાળામાં જતું હતું આજે તેમ થતું નથી. અમે 'ગુજરાત સમાચાર'માં લર્ન ગુજરાતી વિભાગ પણ શરૂ કર્યો હતો અને જગદીશભાઇ દવે લિખીત પુસ્તક પણ છાપ્યું હતું.
(સ્થળ સંકોચના કારણે ચર્ચા સભામાં ભાગ લેનાર વિવિધ શહેર અને વિસ્તારના ગુજરાતી શિક્ષકોના પ્રતિભાવ અત્રે લઇ શકતા નથી જે આગામી સપ્તાહોમાં રજૂ થશે.)