ભારત ભલે ગમેતેટલો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે, પાકિસ્તાનના શાસકોનું કૂતરાની પૂંછડી જેવું વલણ ક્યારેય બદલાશે નહીં તેવું લાગે છે. ભારતે અનેક પ્રસંગે - ભૂતકાળની કડવાશ ભૂલીને - મિત્રતાનો હાથ લંબાવ્યો છે, પણ દર વખતે પાકિસ્તાનની નેતાગીરીનો એવો પ્રયાસ રહ્યો છે કે જાણે તેમને ભારત કે ભારતના મિત્રતાપૂર્ણ વર્તન સાથે કોઇ નિસ્બત જ ન હોય. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના સુરક્ષા સલાહકાર સરતાઝ અઝીઝનું નિવેદન આ વાતનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ છે. અઝીઝે કહ્યું છે કે મુંબઇના ૨૬/૧૧ આતંકવાદી હુમલા પાછળનું મુખ્ય ભેજું મનાતા ઝકી ઉર રહેમાન લખવી વિરુદ્ધ ભારતે અમને વધુ પુરાવા આપવા જોઇએ. મતલબ કે ભારતે મુંબઇ હુમલામાં લખવીની સંડોવણીના અત્યાર સુધી જે કોઇ પુરાવાઓ પાકિસ્તાનને આપ્યા છે તે પૂરતા નથી! આ પછી અઝીઝે કહ્યું કે જ્યાં સુધી ભારત-પાકિસ્તાન મંત્રણાના એજન્ડામાં કાશ્મીર મુદ્દો સામેલ નહીં થાય ત્યાં સુધી ભારત સાથે કોઇ દ્વિપક્ષીય વાતચીત નહીં થાય.
બેશરમીની હદ તો જૂઓ... હજુ ચાર દિવસ પહેલાં તો રશિયાના ઉફામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષી મંત્રણા બાદ સંયુક્ત નિવેદન જાહેર થયું હતું. જેમાં બન્ને દેશોએ કાશ્મીર મુદ્દાને હાલ પૂરતો બાજુ પર મૂકીને દ્વિપક્ષીય મંત્રણા આગળ ધપાવવા સંમતિ દર્શાવી હતી. પાકિસ્તાને ભારતને ઝકી ઉર રહેમાન લખવીનું વોઇસ સેમ્પલ આપવા પણ ખાતરી આપી હતી. પણ ગણતરીના દિવસોમાં તો ચિત્ર જ બદલાઇ ગયું.
પાકિસ્તાન સાથે - વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી - ફરી એક વખત શરૂ થયેલી વાતચીત આ અંજામ સુધી પહોંચશે એવું તો ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ નહીં વિચાર્યું હોય. પાકિસ્તાને જે ઝડપે પલ્ટી મારી છે તે જોતાં હવે કદાચ તેમને પણ લાગતું હશે કે પાકિસ્તાન સાથે મંત્રણાની પહેલ કરીને તેમણે ભૂલ કરી છે. દાના દુશ્મનની સામે પણ મિત્રતાનો હાથ લંબાવવામાં કશું જ ખોટું નથી, પરંતુ આવું કરતાં પહેલાં તે અવશ્ય વિચારવું રહ્યું કે દુશ્મન આને લાયક છે કે કેમ. મોહમ્મદ અલી ઝીણાથી માંડીને જનરલ મુશર્રફ અને નવાઝ શરીફ સુધીના સહુ કોઇ ખુરશીના ચાકર રહ્યા છે. ઇતિહાસના પૃષ્ઠ પર નજર ફેરવશો તો જણાશે કે દરેક પાકિસ્તાની શાસકે સત્તાની ખુરશી મેળવવા અને મેળવ્યા પછી તેને ટકાવવા માટે ભારત સાથેના સંબંધોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. તેઓ હંમેશા પ્રજાની ભારતવિરોધી લાગણીને ઉશ્કેરતા રહ્યા છે. આમ છતાં, ભારત ભૂતકાળમાંથી બોધપાઠ શીખ્યું જણાતું નથી.
વડા પ્રધાન મોદીએ તેમના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નવાઝ શરીફને આમંત્ર્યા તે આવકાર્ય પગલું હતું. આ પછી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઇ કમિશને કાશ્મીરી અલગતાવાદીઓને ચર્ચા કરી તેની સામે વાંધો ઉઠાવીને ભારત સરકારે પાકિસ્તાન સાથેની વિદેશ સચિવ સ્તરની મંત્રણા રદ કરી નાખી હતી તે પણ આવકાર્ય પગલું હતું. આમ ભારતીયને પણ લાગતું હતું પાકિસ્તાન સાથે તો આવું આકરું વલણ જ અપનાવવું જોઇએ. પરંતુ આ સવા વર્ષમાં એવો તે શું માહોલ બદલાઇ ગયો કે ભારત ફરી મિત્રતાનો હાથ લંબાવવા તૈયાર થઇ ગયું? આ સવા વર્ષમાં પાકિસ્તાને ન કરવા જેવા બધા જ ભારતવિરોધી કામ કર્યા છેઃ સરહદે સીઝફાયરનો ભંગ, તેના સરહદી ક્ષેત્રોમાંથી કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ, મુંબઇ બોમ્બ વિસ્ફોટ કેસમાં ધીમી કાનૂની કાર્યવાહી વગેરે... યાદી બહુ લાંબી થાય તેમ છે. પાકિસ્તાન ભલે તેનું વલણ ન બદલે, પણ આપણે તો વલણ બદલી શકીએને? ભારત સરકારે તેના પાકિસ્તાન પ્રત્યેના વલણ અંગે પુનર્વિચાર કરવો જ રહ્યો. કોઇ આપણી નરમાશને નબળાઇ માની લે તેવું તો ન જ થવું જોઇએ.