ભારતના રાજકીય પક્ષોની અપારદર્શિતા

Wednesday 15th July 2015 06:14 EDT
 

રાજકીય પક્ષ બ્રિટનનો હોય કે ભારતનો, અમેરિકાનો હોય કે અલ્જિરિયાનો, સહુ કોઇ પોતાના દેશના વહીવટી તંત્રમાં પારદર્શિતાનો આગ્રહ રાખતો હોય છે. વિશાળ જનસમૂહનું પ્રતિનિધિત્વ કરતા રાજકીય પક્ષોનો આગ્રહ લગારેય અસ્થાને નથી. પરંતુ આ રાજકીય પક્ષો ખુદ પોતાના વહીવટમાં પારદર્શિતા જાળવે છે ખરા? સવાલનો જવાબ મેળવવો અઘરો છે. ભારતની જ વાત કરોને... નાના-મોટા બધા પક્ષના નેતાઓ દેશના વહીવટમાં પારદર્શિતાની વાત ગાઇવગાડીને કરે છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિપક્ષ ભાજપ આવી માગ કરતો હતો, ને આજે ભાજપની સરકાર છે તો વિપક્ષ કોંગ્રેસ આવી માગણી કરે છે. પરંતુ આજ સુધી કોઇ માઇના લાલે એવી વાત નથી કરી કે રાજકીય પક્ષોએ પારદર્શિતા અપનાવવી જોઇએ, રાજકીય સંગઠનોને પણ રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ)ના કાર્યક્ષેત્રમાં સમાવી લેવા જોઇએ.
આ બૈલ મૂઝે માર એવું તો કોઇ ન જ કહે! કદાચ આ જ કારણ છે કે એસોસિએશન ઓફ ડેમોકેટ્રિક રિફોર્મ્સે (એડીઆર) ભારતની સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરીને દેશના તમામ રાજકીય પક્ષોને માહિતી અધિકારના કાયદા તળે આવરી લેવાની માગણી કરી છે. આ અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે તમામ રાજકીય પક્ષો માટે તેમને મળતા ફંડફાળાની રકમ જાહેર કરવાનું ફરજિયાત બનાવવું જોઇએ. રાજકીય પક્ષોની કામગીરીને, તેમના આર્થિક વ્યવહારોને પારદર્શી બનાવવાના ઉદ્દેશથી થયેલી આ અરજીના પગલે સુપ્રીમ કોર્ટે દેશના છ મુખ્ય રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ભારત સરકારને નોટિસ પાઠવીને તેમનો જવાબ માગ્યો છે. આમ જૂઓ તો રાજકીય પક્ષો પર ઘણા વખતથી દબાણ તો છે જ કે તેમણે તેમની સામાન્ય કામગીરી અને તેમને મળતાં ફંડફાળાની જાણકારી - તેઓ જેમનું પ્રતિનિધિ કરવાનો દાવો કરે છે તેવી - જનતા સમક્ષ રજૂ કરવા જોઇએ, પરંતુ નેતાઓએ આ લાગણીને ક્યારેય ગણકારી નથી.
સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (સીઆઇસી) તો અગાઉ જ અભિપ્રાય આપી ચૂક્યું છે કે રાજકીય પક્ષોને પણ આરટીઆઇનાં પરિઘમાં લાવવા જોઇએ. કમિશનનું માનવું છે કે તમામ રાજકીય પક્ષોએ પોતાનો એક માહિતી અધિકારી નીમવો જોઇએ, અને કોઇ નાગરિક જ્યારે પણ પક્ષ સંબંધિત કોઇ માહિતી માગે ત્યારે તેને આપવી જોઇએ. રાજકીય પક્ષોએ તેમની વાત કાને ધરી જ નહીં.
આ પક્ષોને ફંડફાળા પર આવકવેરામાં છૂટ મળે છે, કાર્યાલયો માટે સરકાર પાસેથી જમીન પણ મફતમાં મેળવે છે, ચૂંટણી વેળા સરકારી ટીવી ચેનલ અને રેડિયો પર વિનામૂલ્યે પ્રચારની સગવડ પણ મેળવે... આ અને આવી અનેક સરકારી રાહતો તેઓ લોક-પ્રતિનિધિ હોવાના નાતે મેળવે છે તો પછી આરટીઆઇને સ્વીકૃતિ કેમ નહીં?
રાજકીય પક્ષો આ વિગતો જાહેર કરે તો આમ આદમીને પણ ખબર તો પડે કે તેઓ જે પક્ષને સમર્થન આપે છે તેની નીતિરીતિ શું છે, તેને ક્યા ઉદ્યોગસમૂહનું સમર્થન છે કે પછી ક્યા ઉદ્યોગપતિ પાસેથી કેટલો ફંડફાળો મેળવે છે કે મેળવ્યો છે. આનાથી લોકોને એ પણ જાણવા મળશે કે સત્તાના સિંહાસને બેસનાર પક્ષ તેના શાસનકાળ દરમિયાન સમર્થક ઉદ્યોગગૃહો સાથે કેવા પ્રકારે ‘સંબંધ’ નિભાવે છે.
આરટીઆઇના કાર્યક્ષેત્રમાં રાજકીય પક્ષોને આવરી લેવાથી ઘણા બધી બાબતોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે. જો રાજકીય પક્ષો કાયદાનુસાર કામ કરતા હોય તો તેમણે જાતે જ આરટીઆઇમાં જોડાવાની તૈયારી દર્શાવવી જોઇએ. જો તેઓ આવી તૈયારી નહીં દર્શાવે
તો લોકો એવું જ માનવા પ્રેરાશ કે દાળમાં કંઇક કાળું છે.


comments powered by Disqus