મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી બે સિઝન માટે બે નવી ફ્રેન્ચાઈઝી રાજકોટ અને પૂણેને ફાળવાઇ છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને સસ્પેન્ડ કરાતાં તેમના ખાલી સ્થાન પર આ બંને ટીમને સ્થાન મળ્યું છે. આ બન્ને નવી ટીમો માટે મંગળવારે પાંચ-પાંચ ખેલાડીની હરાજી થઇ હતી.
પૂણે ફ્રેન્ચાઈઝીએ પ્રથમ ખેલાડી તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને ખરીદ્યો હતો. જ્યારે રાજકોટની ટીમે પ્રથમ ખેલાડીના રૂપમાં સુરેશ રૈનાની પસંદગી કરી હતી. મજાની વાત તો એ છે કે જામનગરના વતની રવીન્દ્ર જાડેજાને રાજકોટની ટીમે ખરીદ્યો છે. બાકીના પ્લેયરો માટે ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ હરાજી કરાશે.
સંજીવ ગોયેન્કાના ન્યૂ રાઇઝિંગ ગ્રૂપે પૂણે અને મોબાઇલ ઉત્પાદક ઇન્ટેક્સ મોબાઇલે રાજકોટની ફ્રેન્ચાઈઝી ખરીદી છે. પૂણેએ ધોની, રહાણે, અશ્વિન, સ્ટિવન સ્મિથ અને ડુ પ્લેસીસને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે રાજકોટની ટીમે સુરેશ રૈના, જાડેજા, ઉપરાંત મેક્કુલન, જેમ્સ ફોકનર અને ડ્વેન બ્રેવોને મેળવ્યા છે.
પૂણેએ નવા ખેલાડીઓમાં સૌથી વધુ બોલી ધોની પર લગાવી હતી. જેને રૂ. ૧૨.૫ કરોડમાં ખરીદ્યો હતો. આ પછી અનુક્રમે રહાણેને રૂ. ૯.૫ કરોડ, આર. અશ્વિનને રૂ. ૭.૫ કરોડ, સ્મિથને રૂ. ૫.૫ કરોડ અને ડુ પ્લેસિસને રૂ. ૪ કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે રાજકોટની ટીમે સૌથી વધુ બોલી રૈના પર લગાવી હતી. જેને રૂ. ૧૨.૫ કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ અનુક્રમે જાડેજાને રૂ. ૯.૫ કરોડ, મેક્કુલમને રૂ. ૭.૫ કરોડ, જેમ્સ ફોકનરને રૂ. ૫.૫ કરોડ અને ડ્વેન બ્રેવોને રૂ. ૪ કરોડમાં ખરીદ્યો હતો.
પૂણેની ફ્રેન્ચાઇઝી માટે ગોયેન્કાની ન્યૂ રાઇઝિંગ કંપની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને દસ કરોડ રૂપિયા જ્યારે રાજકોટ માટે ઇન્ટેક્સ મોબાઇલ ૧૬ કરોડ રૂપિયા ચૂકવશે. બીસીસીઆઈના સેક્રેટરી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે બંને ફ્રેન્ચાઇઝીના માલિકો બીસીસીઆઈ પાસેથી રૂપિયો લેશે નહીં, પરંતુ સામેથી બીસીસીઆઈને મોટી રકમ આપશે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની ગયા સપ્તાહે યોજાયેલી બેઠક દરમિયાન બિડ થઈ હતી. બંને ફ્રેન્ચાઇઝી માટે બેઝ પ્રાઇસ ૪૦ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી અને જે સૌથી ઓછી બોલી બોલે તેને ફાળવણી કરવામાં આવવાની હતી.

