જયપુરમાં આઇએસ એજન્ટઃ ખતરાની ઘંટડી

Thursday 17th December 2015 05:57 EST
 

વિશ્વમાં આતંકના સૌથી ભયાનક ચહેરા તરીકે ઓળખ ધરાવતા સંગઠન આઇએસઆઇએસના એજન્ટની રાજસ્થાનના જયપુરમાંથી ધરપકડ માત્ર ભારત સરકાર માટે જ નહીં, દુનિયાના તમામ દેશોની સરકારો અને સુરક્ષા એજન્સીઓ માટે ખતરાની ઘંટડી સમાન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી ઇંડિયન ઓઇલ કોર્પોરેશન જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં માર્કેટિંગ મેનેજર જેવો ઉચ્ચ હોદ્દો સંભાળનાર મોહમ્મદ સિરાજુદ્દીન આઇએસઆઇએસ માટે કામ કરતો હતો તે ઘટના સામાન્ય નથી. સિરાજુદ્દીન છેક એપ્રિલ ૨૦૧૪થી જયપુરમાં રહીને યુવાનોને પોતાની જાળમાં ફસાવતો હતો. આ ઉપરાંત તે અનેક આતંકવાદીઓના સંપર્કમાં પણ હતો. બીજા શબ્દોમાં કહીએ તો ૨૧ મહિનાથી તે પોતાના બદઇરાદાને પાર પાડી રહ્યો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓને ગંધ પણ આવી નહીં. સિરાજુદ્દીનની ધરપકડને સાવચેતીના સંકેતરૂપ ગણીને સુરક્ષા એજન્સીઓએ વધુ સતર્ક થવાની જરૂર છે. એક સમય હતો જ્યારે લોકો આતંકવાદના ફેલાવા માટે નિરક્ષરતા, બેરોજગારી, આર્થિક અભાવ જેવા કારણોને જવાબદાર માનતા હતા, પરંતુ સિરાજુદ્દીનના કિસ્સામાં આ ત્રણેય કારણોનો ધરમૂળથી છેદ ઉડી જાય છે. ઉચ્ચ શિક્ષિત સિરાજુદ્દીન ઊંચો હોદ્દો સંભાળતો હતો અને ખાધીપીધે સુખી હતો. ઉચ્ચ શિક્ષિત વ્યક્તિની ધર્માંધતા કોઇ પણ દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
વિશ્વના કોઇ પણ દેશની સરકાર હોય કે સુરક્ષા એજન્સી, સહુએ સમજવું રહ્યું કે પંજો ફેલાવી રહેલા આતંકવાદને ન તો નિવેદનબાજી દ્વારા નાથી શકાશે અને ન તો સેમિનારો કે વિરોધ પ્રદર્શનો દ્વારા તેના પર અંકુશ શક્ય છે. આતંકવાદને જડમૂળથી ઉખાડી ફેંકવો હશે તો તેનો સફાયો કરવાના તમામ વિકલ્પો પર એકસાથે કામ કરવું પડશે. વિશ્વભરના પર્યટકોની અવરજવરથી સતત ધમધમતા જયપુરમાં આતંકવાદી સંગઠનનો એક એજન્ટ મહિનાઓથી પોતાના બદઇરાદાઓને અંજામ આપી રહ્યો હોય તો તેને કોની ચૂક માનવી? સિરાજુદ્દીનની ધરપકડ કરનાર એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ યશની અધિકારી છે તેની ના નહીં, પણ આ જ સિરાજુદ્દીન ૨૧ મહિના સુરક્ષા એજન્સીઓની નજરથી બચવામાં સફળ રહ્યો છે તે બાબત સુરક્ષા એજન્સીઓની કામગીરી સામે સવાલ તો ઉઠાવે જ છે.
સુરક્ષા એજન્સીઓએ સમજવું રહ્યું કે ઇન્ટરનેટના આ યુગમાં કોઇ પણ વિચારધારાનો ફેલાવો ન તો ચોપાનિયાં કે પોસ્ટરો દ્વારા થાય છે અને ન તો પત્રોના માધ્યમથી. આજના યુગમાં સોશ્યલ મીડિયા વિચારોના આદાનપ્રદાનનું સૌથી સબળ માધ્યમ બનીને ઉભર્યું છે. આ સંજોગોમાં આતંકવાદના અજગર પર ગાળિયો કસવો હશે તો તેને નાથવાના સાધનો પણ સમયને અનુરૂપ હોવા જરૂરી છે. આ માટે આધુનિક ઢબે સજ્જ થવું પડશે અને તેના માટે જરૂરી આર્થિક ભંડોળ સરકારે ઉપલબ્ધ કરાવવું પડશે. એટલું જ નહીં, આજનો યુવાન આતંકવાદ તરફ શા માટે ઢળી રહ્યો છે તેનો અભ્યાસ કરીને આ કારણોના નિવારણ માટે પણ આવશ્યક પગલાં લેવા જરૂરી છે. આતંકવાદીને મારવાના બદલે આ પ્રકારની વિચારધારાના મૂળમાં રહેલાં કારણને ડામવાનું લાંબા ગાળે વધુ હિતકારી સાબિત થશે.
ભારત હોય, બ્રિટન હોય કે અમેરિકા આતંકવાદને પછાડવાની જવાબદારી માત્ર સરકારોની નથી, દરેક નાગરિકની છે. આમ આદમીએ પણ પોતપોતાની રીતે સુરક્ષા એજન્સીઓને સહયોગ આપવો રહ્યો. આ માટે તેણે પોતાની આસપાસ થઇ રહેલી ગતિવિધિઓ પર ચાંપતી નજર જ નથી રાખવાની, પણ શંકાસ્પદ હિલચાલની માહિતી પોલીસ તંત્ર સુધી પહોંચાડવી પણ પડશે. વિશ્વના દરેક દેશના નાગરિકે યાદ રાખવું રહ્યું કે આતંકવાદથી સૌથી વધુ કોઇ પ્રભાવિત કે પીડાગ્રસ્ત આમ જનતા જ થતી હોય છે.


comments powered by Disqus