ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર દામોદરદાસ મોદી જે ના કરી શક્યા, એ હવે એમનાં અનુગામી આનંદીબહેન મફતલાલ પટેલ કરી બતાવશેઃ હવેના વડા પ્રધાન મોદી એનો હરખ પણ કરશે એવા શુભ સંકેત મળી રહ્યા છે. ગુજરાતના શિક્ષણના સ્તરને ખાડે લઈ જવામાં અંગ્રેજીના ભણતરથી પેઢીઓની પેઢીઓને વંચિત રાખનારાઓને જવાબદાર લેખાવા જોઈએ. મહાત્મા ગાંધીએ માતૃભાષામાં શિક્ષણ આપવાનો આગ્રહ સેવ્યો અને એ માટે ચળવળ પણ ચલાવી હતી.
જોકે ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપીને બ્રિટિશ શાસકો દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓને બદલે મહાત્માએ રાષ્ટ્રીય કેળવણીનો યજ્ઞ આરંભ્યો તો ખરો, પરંતુ એમણે ભાષા તરીકે અંગ્રેજીના ભણતરને અવગણવાનો બોધ આપ્યો નહોતો. જોકે તેમના અનુગામીઓએ અંગ્રેજીના ભણતરને આઝાદી પછી અવગણવાનું પસંદ કર્યું અને મગનભાઈ દેસાઈના ગુજરાતી માધ્યમના એટલે કે મગન માધ્યમના દુરાગ્રહના પ્રતાપે આજે ગુજરાતની પ્રજામાં અંગ્રેજી માટેનો રીતસરનો ફોબિયા ઊભો થયો છે. ગાંધીવાદીઓમાં પણ ઠાકોરભાઈ દેસાઈ આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવાના આગ્રહી હતા અને ઠાકોરભાઈ ઠાકોર પાંચમા ધોરણથી અંગ્રેજી વિષયનું શિક્ષણ આપવાના પક્ષધર હતા. ઠાકોર આઠમા અને ઠાકોર પાંચમાના જંગમાં ગુજરાતની પ્રજા ભીંસાતી રહી અને આજે રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ ગુજરાતના પાંચમા ધોરણના માંડ ૯.૮ ટકા વિદ્યાર્થી અંગ્રેજી વાક્ય વાંચી શકે છે, જ્યારે કેરળ રાજ્યના પાંચમા ધોરણના ૬૮.૫ ટકા વિદ્યાર્થી અંગ્રેજી વાક્ય વાંચી શકે છે.
મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્રભાઈને અનુભવાયું હતું કે જોડો ક્યાં ડંખે છે અને એમણે પોતાના શાસન દરમિયાન ગુજરાતમાં પહેલા ધોરણથી જ અંગ્રેજી દાખલ કરવાની યોજના અમલમાં મૂકવાનું વિચાર્યું ત્યારે સંઘ પરિવાર અને એના સંગઠન વિદ્યાભારતીના ગુજરાત પ્રાંતના તત્કાલીન પ્રમુખ હર્ષદ શાહ સહિતનાએ મોદીની દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, સંઘના તત્કાલીન સરસંઘચાલક કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શનજીને વચ્ચે નાંખીને નરેન્દ્રભાઈની યોજના પર પાણી ફેરવી દીધું હતું. સંયોગ તો જુઓ કે જે હર્ષદભાઈએ મોદીની અંગ્રેજી ભણાવવાની દરખાસ્તના વિરોધમાં ઝુંબેશ ચલાવી એ મોદી સરકાર સંસ્થાપિત ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ થયા અને નિવૃત્ત પણ થઈ ગયા. બારડોલીના આ વેપારી મહાશયનો અભ્યાસ માત્ર બી.એસસી. (ગણિતશાસ્ત્ર) પૂરતો સીમિત હોવા છતાં એક યુનિવર્સિટીના કુલપતિપદે નિયુક્ત થયા એ પણ મહાઅપવાદ હતો.
જોકે નરેન્દ્રભાઈનું અધૂરું રહેલું સ્વપ્ન વર્તમાન મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન થકી સાકાર થવાના ઊજળા સંજોગોના સંકેત આપનાર શિક્ષણ રાજ્યપ્રધાન નાનુભાઈ વાનાણી ભણતર કરતાં વધુ ગણતર વધુ ધરાવનારા પ્રધાન છે. માત્ર પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ ધરાવનાર નાનુભાઈ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યપ્રધાન તરીકે સુપેરે કામ કરી રહ્યા છે. મૂળ સૌરાષ્ટ્રના વતની હોવા છતાં સુરતથી ધારાસભ્ય ચૂંટાયેલા નાનુભાઈને અંગ્રેજીનું મહત્ત્વ અને મહાત્મ્ય એકવીસમી સદીમાં કેટલું છે એ સમજાય છે. એ તો પહેલું ધોરણ જ નહીં, આંગણવાડીથી બાળકોને અંગ્રેજીના સંપર્કમાં લાવવા ઉત્સુક છે.
જે વિદ્યાભારતીની શાળાઓમાં માતૃભાષામાં જ શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય એવો ક્યારેક હર્ષદ શાહ જેવા મહાશયો આગ્રહ સેવતા હતા ત્યાં પણ હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. વિદ્યાભારતીની શાળાઓમાં પણ અંગ્રેજી શિક્ષણ આત્મસાત્ થવા માંડ્યું એને એક દૃષ્ટિએ આવકારદાયક લેખવું રહ્યું. અન્યથા થતું એવું હતું કે અંગ્રેજી શિક્ષણનો જાહેરમાં વિરોધ કરનારા મહાનુભાવોનાં સંતાનો કોન્વેન્ટ સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવાતા હોય એવું વધુ પ્રમાણમાં જોવા મળતું હતું.
બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવાના ફાયદા મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથામાં પણ વર્ણવ્યા છે, પરંતુ એને જડતાથી વળગી રહેવાનું તો સ્વયં ગાંધીજીએ યોગ્ય લેખ્યું નહોતું. જ્ઞાન માટે ઘરની તમામ બારીઓને વિશ્વના પવન માટે ખુલ્લી રાખવાના આગ્રહી મહાત્માની ચિંતા અને ખેવના એટલી જ હતી કે મૂળ સોતા ઉખડી ના જવાય એટલી કાળજી રાખવાની જરૂર છે. ભારતીયતા કે ભારતીય સંસ્કૃતિને બદલે અંગ્રેજ સંસ્કૃતિને આત્મસાત્ કરવા આંધળૂકિયાં સામે ગાંધીજીનો વિરોધ હતો. એ અંગ્રેજો કે અંગ્રેજી ભાષાના વિરોધી નહોતા, પરંતુ અંગ્રેજોની ગુલામી અને અંગ્રેજિયતના જ વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા ચળવળના મોટા ભાગના અગ્રણીઓ લંડન જઈને અંગ્રેજીમાં ભણી, બેરિસ્ટર થઈને આવેલા હતા.
અંગ્રેજીના શિક્ષણ વિના ભારતીય પ્રજા અંધારિયા યુગમાં અટવાઈ ગઈ હોત એ કહેવું આજના તબક્કે અનિવાર્ય છે કારણ હજુ પણ લોર્ડ મેકોલે અને મેકોલે પુત્રો ભણીની ભાંડણલીલા સત્તારૂઢ ભાજપની માતૃસંસ્થા આરએસએસ અને સંઘ પરિવારના બીજાં સંગઠનોના અગ્રણીઓ થકી ચલાવાય છે. વૈશ્વિક સંબંધોના યુગમાં અંગ્રેજી ભણીની અવગણના-દૃષ્ટિથી તો ભારત અને ભારતીયોને એકંદરે નુકસાન જ થવાનું એ સંઘ પરિવારના અગ્રણી એવા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવેળા સમજ્યા હતા. ગુણોત્સવ સહિતના શિક્ષણના પ્રકલ્પો ચલાવતા ગુજરાતની શાળાઓનાં આઠમા-નવમા ધોરણનાં ઘણાં વિદ્યાર્થીઓને ગુજરાતી લખતાં-વાંચતાં પણ નહીં આવડતું હોવાની સ્થિતિ છે.
આજના તબક્કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરનાર લોર્ડ મેકોલેના યોગદાનને નફરતથી જોવાને બદલે સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાની અનિવાર્યતા પેદા થઈ છે. વોટબેંકની રાજનીતિને કેન્દ્રમાં રાખીને પણ ભાજપ અને મિત્રપક્ષોએ આજકાલ ડો. બાબાસાહેબ આંબેડકરને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે. હકીકતમાં જાણીતા દલિત વિચારક ચંદ્રભાણ પ્રસાદ તો ડો. બાબાસાહેબને ‘સૌથી મોટા મેકોલેપુત્ર’ લેખાવે છે. ઉત્તર પ્રદેશમાં અંગ્રેજી દેવીનું મંદિર સ્થાપવાના પ્રેરણાપુરુષ એવા ચંદ્રભાણ પ્રસાદ તો ‘દલિત દેવી ઈંગ્લિશ મંદિર’નો શિલાન્યાસ કરવા ૩૦ એપ્રિલ, ૨૦૧૦ના રોજ બનકાગાંવ ગયા ત્યારે ત્યાં ડો. આંબેડકરનું કથન ફલક પર લખાયેલું સૌનું ધ્યાન ખેંચતું હતુંઃ ‘અંગ્રેજી શેરની કા દૂધ હૈ, જો પિયેગા સો દહાડેગા.’
અંગ્રેજી શિક્ષણથી ભારતમાં જાતિવાદનું નિર્મૂલન શક્ય હોવાની રીતસરની ઝુંબેશ ચલાવાઈ રહી છે અને એમાં વડા પ્રધાન મોદીના વડપણવાળી ડો. બાબાસાહેબ આંબેડકર ૧૨૫મી જન્મજયંતી ઊજવણી સમિતિના મહત્વના સભ્ય અને આયોજન પંચના સભ્ય તથા સોનિયા ગાંધીના વડપણવાળી રાષ્ટ્રીય સમિતિના સભ્ય રહેલા ડો. નરેન્દ્ર જાધવ પણ સૂર પુરાવે છે.
લોર્ડ મેકોલેની ફેબ્રુઆરી ૧૮૩૫ની ‘મિનિટ્સ’ને સંદર્ભ વિના પ્રચલિત કરાવીને ભારતમાં અંગ્રેજી શિક્ષણની વિરુદ્ધનો માહોલ ઊભો કરાયાનું દલિત વિચારક ચંદ્રભાણ પ્રસાદ કહે છે. દલિતોને અંગ્રેજી ભણવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. મેકોલેનો જન્મ ૨૫ ઓક્ટોબર, ૧૮૦૦ના રોજ થયો હતો. એ ભારતના પ્રથમ કાયદા પંચના વડા હતા. ચંદ્રભાણ દર વર્ષે મેકોલેના જન્મદિવસની ઊજવણી કરે છે અને જાધવ જેવા મહાનુભાવોને નિમંત્રે છે. દિલ્હીના ભાજપતરફી અંગ્રેજી દૈનિક ‘ધ પાયોનિયર’ના કટાર લેખક ચંદ્રભાણ પ્રસાદની વિચારકણિકા કાંઈક આવી છેઃ ‘હું બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ ભણી આક્રોશ ઠાલવું છું કે એ ભારતમાં મોડા આવ્યા અને વહેલા ચાલ્યા ગયા.’ તેઓ મેકોલેને આવકાર્ય સમાજસુધારક તરીકે વધાવે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)

