કોંગ્રેસે છેલ્લા કેટલાક સમયથી સંસદના બન્ને ગૃહોમાં અનેક મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ઘણા મુદ્દે તે સરકારને ભીડવવામાં સફળ પણ રહી છે. લાંબા સમયથી ખોરંભે પડેલા જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ) બિલને સંસદના બન્ને ગૃહમાં પસાર કરાવવા જરૂરી સમર્થન માટે સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને ચાય પે ચર્ચા કરવા બોલાવ્યા પડ્યા તે જ દર્શાવે છે કે કોંગ્રેસની રણનીતિ અમુક અંશે અસરકારક સાબિત થઇ છે. જોકે નેશનલ હેરલ્ડ કેસ મુદ્દે સંસદમાં હંગામો મચાવનાર કોંગ્રેસ આ વખતે ખુદ ભેખડે ભેરવાય જાય તો નવાઇ નહીં. તેણે નેશનલ હેરલ્ડ કેસ મુદ્દે આક્રમક વલણ અપનાવીને સંસદના બન્ને ગૃહની કામગીરી ઠપ્પ કરી નાખી છે. સંભવતઃ લોકોની સહાનુભૂતિ જીતવાનો આ પ્રયાસ છે, પરંતુ તે ભૂલી જાય છે કે આમ કરીને તે કોર્ટના મામલાને રાજકીય સ્વરૂપ આપી રહી છે અને જનસાધારણમાં ખુલ્લી પડી રહી છે.
સહુ કોઇ જાણે છે કે આ મામલો લાંબા સમયથી અદાલતમાં ચાલી રહ્યો છે. નેશનલ હેરલ્ડ અખબારની પ્રોપર્ટી ટ્રાન્સફર કરવામાં ગેરરીતિ થઇ હોવાની અરજીનો કોર્ટે પ્રાથમિક સ્વીકાર કર્યો છે. અને આ કેસના મુખ્ય લાભાર્થીઓમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નામ મોખરે છે. અદાલતે સમગ્ર પ્રકરણને સુનાવણી માટે યોગ્ય ગણીને પ્રોપર્ટી ટ્રાન્સફરના આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત તમામને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવા આદેશ કર્યો છે. કોંગ્રેસના આ બન્ને નેતાઓએ સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા હાઇ કોર્ટમાં અરજી તો કરી હતી, પણ તે ફગાવી દેવાઇ છે. હવે તમામને ૧૯ ડિસેમ્બરે નીચલી કોર્ટમાં હાજર થવાનું છે. હાઇ કોર્ટે રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ આપવાનો ઇન્કાર કરતાં હવે કોંગ્રેસને સમગ્ર પ્રકરણમાં રાજકીય રંગ દેખાઇ રહ્યો છે.
કોંગ્રેસનો દાવો છે કે સમગ્ર પ્રકરણ રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે. આ કેસમાં અરજકર્તા સુબ્રહ્મણ્યમ્ સ્વામી ભાજપના નેતા હોવાની વાતને આગળ ધરીને કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ તેના નેતાઓને ફસાવવાના કાવતરાં કરી રહી છે. હાઇ કોર્ટના આદેશ બાદ રાજકીય મોરચે આક્રમક વલણ અપનાવનાર નેતાઓમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ છે. સોનિયાએ તો એવો હુંકાર પણ કર્યો છે કે પોતે ઇન્દિરા ગાંધીના પુત્રવધૂ હોવાથી કોઇનાથી ડરતા નથી. જ્યારે રાહુલે આ મુદ્દાને રાજકીય બદલાનો મામલો ગણાવ્યો છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસી નેતાગીરીએ માતા-પુત્રના પગલે ચાલતાં સંસદની કાર્યવાહી ખોરવી નાખી છે.
કોંગ્રેસના આ વલણે આ વખતે ભાજપને તેને ભીડવવાનો મોકો આપ્યો છે. ભાજપના નેતાઓએ સંસદમાં કોંગ્રેસી નેતાઓને સીધો સવાલ કર્યો છે કે તેમનો વિરોધ સરકારની સામે છે કે અદાલતની સામે? કોંગ્રેસના નેતાઓ પાસે આ સવાલનો કોઇ જવાબ નથી. આમ જોઇએ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે આ મામલામાં સરકારનો કોઇ હાથ નથી. સુબ્રહ્મણ્યમ્ સ્વામી ભલે ભાજપ સાથે જોડાયેલા હોય પણ તેઓ આવા કેસ વ્યક્તિગત રીતે જ કરતા હોય છે. ધારો કે આ સમગ્ર પ્રકરણમાં પડદા પાછળ ભાજપનો હાથ હોય તો પણ હવે જ્યારે કોર્ટે સીધો આદેશ કર્યો જ છે ત્યારે કોર્ટ બહાર તેનો વિરોધ કરવો અનુચિત છે. કોર્ટને તેની સમક્ષ રજૂ કરાયેલા પ્રાથમિક પુરાવાઓમાં તથ્ય જણાયું છે ત્યારે જ તો તેણે જવાબદારોને હાજર થવા સમન્સ આપ્યા છે. સુનાવણી દરમિયાન કેસ કે પુરાવા ન ટકે તો પણ તે કોર્ટનો નિર્ણય હશે અને જો પુરાવા સાચા ઠરશે અને આરોપીઓને કાયદા મુજબ સજા થશે તો તે પણ કોર્ટનો જ નિર્ણય હશે. રાજકીય સ્વાર્થ ખાટવા માટે કોર્ટ કાર્યવાહીને પણ વિવાદમાં ઘસડવી એ તો ભારતીય ન્યાયપ્રણાલીની તટસ્થતાનું અપમાન છે. કોંગ્રેસે ખરેખર તો આ મામલાને રાજકીય રંગ આપવાને બદલે તેનો કાનૂની મોરચે સામનો કરવાની તૈયારી કરવી જોઇએ. કાયદાકીય દૃષ્ટિએ જો તે સાચી હોય તો પછી તેણે ડરવાની કે રાજકીય આક્ષેપબાજી કરવાની કોઇ જરૂર જ નથી. સુનાવણી પૂરી થયે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જ જશે. ભારતનો આમ આદમી પણ અદાલતની નિષ્પક્ષતા પર પૂરો વિશ્વાસ ધરાવે છે તેવા સમયે કોંગ્રેસ જેવા દેશના સૌથી જૂના પક્ષની સંસદ ગૃહમાં હંગામો મચાવતા રહેવાની નીતિરીતિ આખરે તો તેની પ્રતિષ્ઠાને જ બટ્ટો લગાડશે.
