તેમણે બનાવેલાં રિસ્પોન્સિવ જામર અને કન્ટ્રોલર સોફ્ટવેરને ભારતીય લશ્કરની ત્રણેય પાંખમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ માટે તેમને ૨૦૧૧માં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)માં સાયન્ટિસ્ટ ઓફ યર સન્માન પણ મળ્યું છે. આ સન્નારીનું નામ છે જે. મંજુલા. તેમનો જન્મ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના એક ગામમાં થયો હતો. પિતા એક હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. તે સમયે લોકો દીકરીઓને ભણાવવાનું જરૂરી નહોતા માનતા, પણ તેમના પિતા પણ શિક્ષણ સાથે જોડાયેલા હોવાથી તેઓ મંજુલાને ભણવા માટે સતત પ્રોત્સાહન આપતા હતા. મંજુલા ગણિત ભણવા માગતાં હતાં, પણ માતા-પિતા તેમને તે ભણાવી શકે તેમ નહોતાં તેથી તેઓ જાતે જ તૈયારી કરતાં હતાં. ડીઆરડીઓમાં ૧૯૮૭માં આવ્યા તે પહેલાં તેઓ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પણ કામ કરી ચૂક્યાં હતાં. ડીઆરડીઓ સાથે જોડાયા ત્યારે તેમણે ઇન્ટીગ્રેટેડ ઇલેક્ટ્રોનિક વોરફેર માટે કામ કર્યું અને ૨૬ વર્ષ તેઓ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ રિસર્ચ લેબ્સ હૈદરાબાદમાં જ કામ કરતાં રહ્યાં હતાં. જામર ઉપરાંત તેમણે તૈયાર કરેલાં બીજાં ઘણાં સાધનો આર્મી, નેવી, એરફોર્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
• જન્મઃ ૧૯૬૨
• પિતાઃ જે. શ્રીરામુલુ (શિક્ષક હતા)
• શિક્ષણઃ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન્સમાં ગ્રેજ્યુએશન
• શા માટે ચર્ચામાં?ઃ તેઓ ભારત સરકારના ડિફેન્સ રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં પહેલા મહિલા ડિરેક્ટર જનરલ બન્યાં છે.

