રાજકીય પક્ષો અને આરટીઆઇ એક્ટ

Tuesday 15th September 2015 15:26 EDT
 

ભારતના રાજકીય પક્ષોની એક ખાસિયત છેઃ શાસક પક્ષ અને વિરોધ પક્ષ - કાયમ એકબીજાની આમનેસામને જ હોય. મુદ્દો નાનો હોય કે મોટો તેઓ સંઘર્ષનો એક પણ મોકો ચૂકતા નથી. પછી ભલેને રાષ્ટ્રહિતની વાત પણ કેમ ન હોય? દરેક સમયે તેઓ સામા પક્ષકારને બે વેંત નીચા દેખાડીને પોતાને એક વેંત ઊંચા સાબિત કરવા મથતા હોય છે, પરંતુ તાજેતરમાં એક અનેરું કૌતુક જોવા મળ્યું. તમામ રાજકીય પક્ષો એક મુદ્દે સંમત થયા છે! બધા પક્ષો એ વાતે એકમત છે કે તેમને રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) એક્ટમાંથી બાકાત રાખવા જોઇએ. માહિતી અધિકાર તળે પોતાની ગુપ્ત બાબતો જાહેર થતી ટાળવા આ બધા પ્રતિસ્પર્ધીઓ એક થયા છે. માહિતી અધિકારનો કાયદો એટલે કે આરટીઆઇ એક્ટ જંગી બહુમતીથી પસાર કરીને સરકારી તંત્ર અને સંસ્થાનોની કામગીરી પારદર્શક બનાવવાનું ઐતિહાસિક પગલું ભરનાર રાજકીય પક્ષો પોતાને આ કાયદાની લક્ષ્મણરેખાથી બહાર રાખવા કામે લાગ્યા છે. અગાઉની યુપીએ સરકારે રાજકીય પક્ષોને આરટીઆઇમાંથી બાકાત રાખવાનું વલણ અપનાવ્યું હતું. હાલની એનડીએ સરકારે પણ તેના વલણમાં સૂર પુરાવ્યો છે. આ કાયદાનું અર્થઘટન કરતાં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (સીઆઇસી) તો અગાઉ જ નિર્ણય જાહેર કરી ચૂક્યું છે કે રાજકીય પક્ષો પણ આરટીઆઇના દાયરામાં આવી જાય છે, પણ પક્ષોએ આ નિર્ણયને ગણકાર્યો ન હતો. હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે ભારત સરકાર પાસે જવાબ માંગતા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને આરટીઆઇ એક્ટની કલમ બે (એચ)નું વધુ પડતું ઉદાર અર્થઘટન કર્યું હોવાથી ખોટી ધારણા બંધાઇ છે.
ભારત સરકારે એવો પણ મુદ્દો રજૂ કર્યો કે આ કાયદો ઘડતી વખતે એવું તો વિચારાયું જ નહોતું કે તેના કાર્યક્ષેત્રમાં રાજકીય પક્ષોને આવરી લેવામાં આવશે. ભારત સરકારનું કહેવાનું તાત્પર્ય એ છે કે કાયદો બનાવતી વેળાએ સંસદે જેનો વિચાર કર્યો ન હોય તેના સંદર્ભમાં કોઇ ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થા પાછળથી કોઇ નિર્ણય લઇ શકે નહીં. સરકારનું આ વલણ કાયદાકીય કે સૈદ્ધાંતિક દૃષ્ટિએ ભલે તર્કસંગત હોય, પણ નૈતિક રીતે અયોગ્ય જણાય છે. જે કાયદાને લાગુ કરીને લોકોને ભરોસો અપાય છે કે આના અમલથી સરકારી કે અર્ધસરકારી તંત્રની કામગીરી પારદર્શક બનશે તે જ કાયદો અપનાવવા તેના ઘડવૈયાઓ - રાજકીય પક્ષો ખુદ સંમત નથી તેને ભારતીય પ્રજાની કમનસીબી જ ગણવી રહી.
આરટીઆઇના દાયરાથી બચવા માટે સરકારની સાથોસાથ રાજકીય પક્ષોએ દેશની સર્વોચ્ચ અદાલતમાં જે સોગંદનામા રજૂ કર્યા છે તે પણ રસપ્રદ છે. તેમાં મુખ્ય દલીલ એવી છે કે આરટીઆઇ હેઠળ સમાવેશથી રાજકીય પક્ષો માટે કામ કરવાનું મુશ્કેલ થઇ જાય તેમ છે. આરટીઆઇ એક્ટના અમલથી વિપક્ષ સામે પોતાની વ્યૂહરચના છતી થઇ જવાની આશંકા રાજકીય પક્ષોએ વ્યક્ત કરી છે. તો સાથોસાથ તેમને એવો પણ ડર છે કે આ એક્ટના અમલથી તો પક્ષના કાર્યાલયમાં ગમે તે માહિતી માંગતી અરજીઓનો ઢગલો ખડકાશે. રાજકીય પક્ષોની દલીલ, વાંધાવચકામાં કંઇક અંશે તથ્ય અવશ્ય છે, પરંતુ એનો મતલબ એવો તો હરગીઝ નથી જ પક્ષોને આરટીઆઇમાંથી સમૂળગા બાકાત જ રાખવા.
છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષોને મળતા જંગી દાન અને વિવિધ રાજકીય મેળાવડાઓ પાછળ થતાં લખલૂંટ ખર્ચાનો મુદ્દો દેશભરમાં ચર્ચાતો રહ્યો છે. ચૂંટણી ટાણે તો નાના-મોટા તમામ પક્ષો પાણીની જેમ રૂપિયા વહાવતા જોવા મળે છે. આ બધું જોતાં લોકોની નજરમાં હંમેશા એ પ્રશ્ન ડોકાતા રહ્યા છે કે ‘આમ આદમીની સેવાને સમર્પિત’ પક્ષોને ભવ્ય રાજકીય સમારંભો, રેલીઓ, સભાઓ પરવડ છે કઇ રીતે? તેમને આ બધા તાયફા માટે જરૂરી ભંડોળ આપે છે કોણ?! રાજકીય પક્ષોએ લોકોના આ પ્રશ્નોના સમાધાન કરવું રહ્યું. હંમેશા પોતાને લોકોના હિતેચ્છુ ગણાવતા રાજકીય પક્ષોએ આરટીઆઇને સંપૂર્ણ જાકારો આપવાના બદલે કમસે કમ રાજકીય દાન અને ખર્ચ જેવી માહિતી જાહેર કરવા સંમતિ દર્શાવવી જોઇએ. જો રાજકીય પક્ષો આર્થિક વ્યવહારોમાં પારદર્શકતા જાળવશે તો અંશે લોકોના મનનો કચવાટ અને સંશય દૂર થઇ જશે. અન્યથા લોકો એવું જ માનવા પ્રેરશે કે રાજકીય પક્ષોના પેટમાં પાપ હોવાથી જ તેઓ આરટીઆઇ એક્ટને નકારી રહ્યા છે.


comments powered by Disqus