વિશ્વને રાહ ચીંધતા ભારતના મુસ્લિમ ધર્મગુરુઓ

Tuesday 15th September 2015 15:24 EDT
 

થોડાક સમય પૂર્વે અખબારોમાં અહેવાલો ચમક્યા હતા કે બર્બરતા માટે બદનામ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ હવે ભારત પર ડોળો માંડ્યો છે. અધૂરામાં પૂરું, છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારે કાશ્મીર ખીણમાં અલગતાવાદે માથું ઊંચક્યું છે અને દર બે-ચાર દિવસે આઇએસના ઝંડાઓ ફરકાવીને ભારતવિરોધી નારેબાજીની જે ઘટનાઓ બની રહી છે તે જોઇને શાસકોથી માંડીને આમ આદમીના મનમાં ચિંતા પેઠી હતી કે આઇએસના ભારતમાં પગરણની આશંકા સાચી તો નહીં પડેને? જોકે ચિંતાના આ માહોલ વચ્ચે ભારતમાં ખારા રણમાં મીઠી વીરડી સમાન ઘટના બની છે.
ભારતના મુસ્લિમોએ જાહેરમાં અને ખુલ્લેઆમ આઇએસની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે. દેશના એક હજારથી વધુ ઉલેમાઓ અને મુફ્તીઓએ એક ફતવા પર હસ્તાક્ષર કરીને આઇએસને ગેરઇસ્લામી અને અમાનવીય સંગઠન જાહેર કર્યું છે. આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ વિદ્વાનો અને મુફ્તીઓએ એક સાથે આઇએસની વિરુદ્ધ ફતવો બહાર પાડયો તેવી વિશ્વની આ પહેલી ઘટના છે. ફતવો બહાર પાડનારાઓમાં જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારી ઉપરાંત અજમેર શરીફ અને હઝરત નિઝામુદ્દીનના વડાઓનો સમાવેશ થાય છે. ભારતીય ઉલેમાઓ અને મુફ્તીઓએ માત્ર ફતવો બહાર પાડીને સંતોષ નથી માન્યો. તેમણે ફતવાની નકલ યુનાઇટેડ નેશન્સ (યુએન)ના સેક્રેટરી જનરલને પણ મોકલી છે અને તેમને અનુરોધ કર્યો છે કે વિશ્વના અન્ય દેશના ઉલેમાઓ અને મુફ્તીઓને પણ આવા ફતવા બહાર પાડવાની તેઓ અપીલ કરે.
ઇસ્લામના નામે બિનમુસ્લિમો પર જ નહીં, ઇસ્લામના અન્ય પંથના અનુયાયીઓ પર પણ બેરહેમ સિતમ ગુજારી રહેલું આતંકવાદી સંગઠન આઇએસ વિશ્વભરના દેશો માટે માથાના દુખાવારૂપ બની રહ્યું છે. આ સંગઠનને પંજો ફેલાવતું અટકાવવા સંખ્યાબંધ દેશો સીધો કે આડકતરો જંગ ખેલી રહ્યા છે. મધ્ય પૂર્વના આરબ દેશોમાં ઝડપભેર પોતાની હકૂમત વિસ્તારી રહેલા આ સંગઠનની બર્બરતા ભલભલાને થથરાવી મૂકે તેવી છે.
વધુ ચિંતાજનક બાબત તો છે કે આઇએસ જેહાદના નામે વિશ્વભરના યુવાનોને ભોળવીને, ગેરમાર્ગે દોરીને ભરતી કરતું રહ્યું છે. ભારતના ઘણા મુસ્લિમ યુવાનો પણ આઇએસના પ્રચારથી પ્રભાવિત બન્યાના અહેવાલ છે. આ સંજોગોમાં ભારતના મુસ્લિમ ધર્મગુરુઓએ જાહેરમાં અને ખુલ્લેઆમ આઇએસની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે તેનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય ઉલેમાઓ અને મૌલવીઓનો ફતવો આઇએસના ભારતમાં પગપેસારો કરવાના મનસૂબાને નાથવામાં બહુ ઉપયોગી સાબિત થાય તેવી આશા છે.
આઇએસના કૃત્યો સંદર્ભે મુંબઇસ્થિત અબ્દુલ રહમાન અન્સારીએ દેશના મુસ્લિમ વિદ્વાનો અને મુફ્તીઓની પાસેથી તેમના અભિપ્રાયો માંગ્યા હતા. જવાબમાં તમામે એક અવાજે આઇએસને ગેરઇસ્લામિક જાહેર કરતો ફતવો બહાર પાડી દીધો હતો. ફતવામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઇસ્લામમાં સ્ત્રીઓ અને વૃદ્ધોને મારવાની સખત મનાઇ છે. આથી આઇએસના કૃત્યો ઇસ્લામની વિરુદ્ધના છે. માત્ર ભારત જ નહીં, પણ સમસ્ત વિશ્વ માટે એક ઉદાહરણ રૂપ આ પગલાં બદલ આ ૧૦૫૦ ઉલેમાઓ અને મુફ્તીઓ અભિનંદનના અધિકારી છે. હવે યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન આ પહેલને દુનિયાભરમાં પહોંચાડીને મુસ્લિમ સમુદાયને આઇએસની સામે એક તાંતણે બાંધે તે અનિવાર્ય છે.


comments powered by Disqus