વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’એ એશિયા પેસિફિક દેશોની સૌથી શક્તિશાળી મહિલાની યાદી તૈયાર કરી છે. જેમાં ટોચના બન્ને સ્થાન પર ભારતીય બેન્કર્સ છે. આઈસીઆઈસીઆઈ બેન્કના ચંદા કોચર આ યાદીમાં પ્રથમ ક્રમે છે. જ્યારે બીજા ક્રમે એસબીઆઈના અરુંધતી ભટ્ટાચાર્ય છે. ૫૩ વર્ષીય ચંદા ગયા વર્ષે આ યાદીમાં બીજા ક્રમે હતા, જ્યારે અરુંધતી ચોથા ક્રમે હતા.
મેગેઝિને ચંદા કોચરને ભારતમાં બેન્કિંગ ક્ષેત્રને નવો દૃષ્ટિકોણ આપવાનું શ્રેય આપ્યું હતું અને આઈસીઆઈસીઆઈ બેન્કને દેશની સૌથી મોટી અને સૌથી નફાકારક ખાનગી બેન્ક બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું.
એચપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિશી વાસુદેવને પણ યાદીમાં પાંચમા ક્રમે સ્થાન અપાયું છે. ગયા વર્ષે પણ તેઓ આ જ ક્રમે હતા. ખાનગી ક્ષેત્રની ત્રીજા ક્રમની સૌથી મોટી બેન્ક એક્સિસ બેન્કના એમડી અને સીઈઓ શિખા શર્મા નવમા ક્રમે છે. આ ઉપરાંત સિંગાપોર સ્થિત ગોલ્ડમેન સાક્સ એસેટ મેનેજમેન્ટના સીઈઓ શીલા પટેલ આ યાદીમાં ૨૩મા ક્રમે છે. ‘ફોર્ચ્યુન’ની આ યાદીમાં સમગ્ર એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં છ દેશોમાંથી મહત્ત્વની મહિલાઓનો સમાવેશ કરાયો છે. જેમાં ચીનની ૧૧ મહિલાઓ છે.