માતમના નામે સ્વાર્થનું રાજકારણ

Wednesday 29th April 2015 08:25 EDT
 

ભારતમાં ખેડૂતોની ચોમેરથી માઠી બેઠી છે. એક બાજુ મોસમનો માર, બીજી બાજુ કરજનો બોજ, ત્રીજી તરફ જમીન સંપાદન કાયદાની લટકતી તલવાર ને છોગામાં આ સૂચિત કાયદા સામે રાજકીય પક્ષોનો બખેડો. શાસક પક્ષ પોતાને ખેડૂતોનો હિતચિંતક ગણાવે છે, ને વિરોધ પક્ષની નજરે સરકાર કોર્પોરેટ હાઉસોની હમદર્દ છે. સરકારના સમર્થકો જમીન સંપાદન કાયદાના ગુણગાન ગાતા થાકતા નથી ને વિરોધીઓ સૂચિત કાયદાને ખેડૂતોનું શોષણ કરાવનારો ગણાવે છે. રાજકીય લાભ ખાટવાની આ ખેંચતાણમાં નેતાઓ એવા તો રમમાણ બન્યા છે કે જેમના હિતની તેઓ ‘ચિંતા’ કરી રહ્યા છે તે કિસાનને જ જાણે વિસરી ગયા છે. જગતના તાતને ખુદને સમજાતું નથી કે જો આ બધા રાજકીય પક્ષોને ખરેખર અમારા હિતની ચિંતા છે તો પછી તેઓ એકબીજા સામે આક્ષેપબાજી કરવાના બદલે અમારા પ્રશ્નો ઉકેલવા પર કેમ ધ્યાન કેન્દ્રીત કરતા નથી.
જો આવું થયું હોત તો ગજેન્દ્ર સિંહનો જ નહીં, અત્યાર સુધીમાં દેશના હજારો કિસાનોનો જીવ બચાવી શકાયો હોત. રાજસ્થાનના દૌસા જિલ્લાના ગજેન્દ્ર સિંહે દિલ્હીમાં યોજાયેલી આમ આદમી પાર્ટી (‘આપ’)ની જાહેર સભામાં ગળાફાંસો ખાઇ લીધો. ગજેન્દ્રે ફાંસો ખાધો ને હીરો થઇ ગયો. જે ગજેન્દ્રને તેની આસપાસના લોકો પણ બરાબર ઓળખતા નહીં હોય તે ગજેન્દ્રને આજે પૂરો દેશ ઓળખે છે. ભારત દેશનું દુર્ભાગ્ય એ છે કે અહીં જીવતેજીવ ભલે વ્યક્તિની કદર ન થાય, પણ મૃત્યુ બાદ આવી વ્યકિતને ક્યારેક ઇશ્વરનો, તો ક્યારેક શહીદનો દરજ્જો મળી જાય છે - બશર્તે આનાથી રાજકીય લાભ લણી શકાય તેમ હોય તો. ‘આપ’ની કિસાન રેલીમાં સહુની નજર સામે જીવન ટૂંકાવનારા દૌસાના કિસાન ગજેન્દ્ર સિંહના કિસ્સામાં આ જ તો થઇ રહ્યું છે. ગજેન્દ્ર જ્યારે ફાંસો લગાવતો હતો ત્યારે ન તો ‘આપ’ના નેતાઓએ ચિંતા કરી, ન તો પોલીસે કે મીડિયાએ. અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ભાષણબાજીમાં મસ્ત હતા, મીડિયા રિપોર્ટિંગમાં વ્યસ્ત હતું અને પોલીસ નેતાઓની સુરક્ષામાં લાગી હતી. આમાં ગજેન્દ્રની ચિંતા કરનારું કોણ હતું?!
હવે ભારત સરકારથી માંડીને દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકાર સહાયની સરવાણી વહાવી રહી છે. દિલ્હીની કેજરીવાલ સરકાર કિસાનોને અપાનારા વળતરની યોજનાનું નામ જ ગજેન્દ્રના નામ પરથી રાખવાનું વિચારે છે. ગજેન્દ્રના પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો પ્રસ્તાવ વિચારણામાં છે. આ બધા દેખાડાનો અર્થ શું કરવો? નેતાઓને જીવતા માણસની તકલીફ નજરે પડતી નથી, પરંતુ તે મરી જાય તો તેના મોતને વટાવવા સ્પર્ધા શરૂ થઇ જાય છે તેનું આ વરવું ઉદાહરણ છે. ગજેન્દ્રનો કિસ્સો દેશના પાટનગરમાં બન્યો હતો અને મીડિયાનો જમાવડો હતો એટલે ભારતભરમાં જંગલના દવની જેમ સમાચાર ફરી વળ્યા. નહીં તો દેશમાં ગજેન્દ્ર જેવા કેટલાય કિસાનો આત્મહત્યા કરતા રહે છે, પરંતુ તેના તરફ ધ્યાન આપવાની ફુરસદ કોને છે? ગજેન્દ્રની આત્મહત્યાના એક જ સપ્તાહમાં ઓછામાં ઓછા ચાર કિસાનોની આત્મહત્યાની ઘટના બની છે, પણ ભાગ્યે જ આટલો હોબાળો મચ્યો છે. છેલ્લા એક દસકામાં તો દેશમાં હજારો કિસાનો જીવન ટૂંકાવી ચૂક્યા છે, પરંતુ તેમની સમસ્યા આજે પણ જૈસે થે છે. કિસાનોના હમદર્દ બનનારા રાજનેતાઓનો સાચો ચહેરો સંસદમાં જોવા મળે છે. ક્યારેક તો કિસાન સંબંધિત પ્રશ્નોની ચર્ચા વેળા ગૃહમાં કોરમ પણ પૂરું થતું નથી. મતલબ કે ૫૪૫ સભ્યોની લોકસભામાં ૫૫ સાંસદ પણ સભાગૃહમાં હાજર હોતા નથી. આ ભારતના નેતાઓ છે. કિસાનોની બદતર આર્થિક હાલત માટે એકબીજા પર આક્ષેપબાજી કરવામાંથી ઊંચા ન આવતા નેતાઓ પાસે કિસાનોની સમસ્યાઓ પર બોલવા કે સાંભળવા માટે કલાકનો પણ સમય નથી. આ બધું મતબેન્ક માટેનું રાજકારણ નથી તો શું છે? દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હવે ગજેન્દ્રને શહીદનો દરજ્જો આપવા, તેના પરિવારના સભ્યને નોકરી આપવા તૈયાર છે, પરંતુ આ જ કેજરીવાલે ગજેન્દ્રે ગળાફાંસો ખાઇ લીધા પછી પણ પોતાનું ભાષણ અટકાવ્યું નહોતું. બીજા દિવસે તેમણે માફી માગીને મગરના આંસુ વહાવ્યા. આમ આદમીની વાત કરનારા દેશના રાજકીય નેતાઓનો અસલી ચહેરો એક સમાન છે. આ લોકોના હૈયે ખરેખર ખેડૂતોની હિત વસ્યું હોય તો તેમણે એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાના બદલે, સંસદમાં હો-ગોકીરો કરવાના બદલે સાથે મળીને કંઇક એવો રસ્તો શોધવો જોઇએ જેથી જગતના તાતની મુશ્કેલી કાયમી ધોરણે દૂર થાય. જય જવાન, જય કિસાનનો નારો લગાવવાથી થોડી વાર જુસ્સો અવશ્ય ચઢી જાય, પણ તેનાથી પરિવારનો નિભાવ ન થઇ શકે.


comments powered by Disqus