ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસે દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ કર્યો છે. દ્વિપક્ષીય સંબંધો પર શ્રીલંકામાં ૧૯૮૩થી ચાલતા સિંહાલી સમુદાય અને તામિલ લઘુમતીઓ વચ્ચેના વંશીય સંઘર્ષના ઓળા છવાયેલા રહ્યા છે, પરંતુ બે માસમાં બન્ને દેશો વચ્ચેની આ ચોથી ઉચ્ચ સ્તરીય મુલાકાત સંબંધોમાં ઉષ્મા વધી રહ્યાનો સંકેત આપે છે. ભારતના વડા પ્રધાનનો ૨૭ વર્ષના લાંબા અરસા પછીનો આ પહેલો સત્તાવાર શ્રીલંકા પ્રવાસ હતો તે જ દર્શાવે છે કે આ દેશો ભૌગોલિક દૃષ્ટિએ ભલે એકદમ નજીક હોય, રાજદ્વારી અંતર ઘણું બધું હતું.
મોદીનો આ પ્રવાસ એક કરતાં વધુ કારણસર મહત્ત્વનો હતો. આનાથી હિંદ મહાસાગરમાં ચીનનું વર્ચસ અટકાવવામાં તો મદદ મળશે જ સાથોસાથ પડોશી દેશો સાથેના ભારતના સંબંધો પણ મજબૂત બનશે. ભારત સરકારે વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન મજબૂત બનાવવા પહેલો સગો પડોશીની નીતિ અપનાવી છે. મોદીના સેશેલ્સ, મોરીશસ અને પછી શ્રીલંકાના પ્રવાસને આ દૃષ્ટિકોણથી નિહાળવો રહ્યો.
ભારત-શ્રીલંકાએ જે ચાર સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે તેમાં અધિકારીઓ માટે વિઝા નિયમોમાં છૂટછાટ, કસ્ટમ સંબંધિત બાબતોમાં સહયોગ, બન્ને દેશની યુવા પેઢી વચ્ચે વધુ સારો સંવાદ અને શિક્ષણ ક્ષેત્રે સહયોગના મુદ્દા સામેલ છે. આ ઉપરાંત ભારતે શ્રીલંકન્ પ્રવાસીઓ માટે ઇ-વિઝા સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. તો શ્રીલંકામાં રેલવે નેટવર્ક વિસ્તારવા માટે ૩૧.૮ કરોડ ડોલરની મદદ પણ જાહેર કરી છે.
અલબત્ત એક સંવેદનશીલ મુદ્દો એવો પણ છે કે જે લોકોની લાગણી સાથે જોડાયેલો છે. જેમ કે, શ્રીલંકા સરકાર લઘુમતીઓના પ્રભાવ વાળા વિસ્તારોમાં સત્તાનું હસ્તાંતરણ કઇ રીતે કરે છે તેના પર સહુની નજર છે. એક તરફ, લઘુમતી તામિલ સમુદાય છે તો બીજી તરફ બહુમતી સિંહાલી છે. પુરોગામી રાજપક્ષે સરકાર તામિલ લઘુમતીઓ સાથે સંવાદ સાધવામાં નિષ્ફળ રહી, જેનું પ્રતિબિંબ ચૂંટણી પરિણામમાં જોવા મળ્યું. તામિલ અને મુસ્લિમ લઘુમતી સમુદાયે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સિંહાલી સમુદાયનું વર્ચસ ધરાવતી રાજપક્ષે સરકારને હરાવી સિરિસેનાને સુકાન સોંપ્યું. દેશના સંઘર્ષ પ્રભાવિત ઉત્તરીય અને પૂર્વીય વિસ્તારોમાં સિરિસેનાને મળેલી બહુમતી દર્શાવે છે કે લોકો તેમના ભણી આશાભરી મીટ માંડીને બેઠા છે.
જોકે સિરિસેના માટે લોકોની આશા-અપેક્ષા સંતોષવી આસાન નથી. આ માટે તેમણે શ્રીલંકાના બંધારણમાં ૧૩મા સુધારાને લાગુ કરવો પડે તેમ છે. રાજીવ-જયવર્ધનેની સમજૂતી આધારિત આ સુધારામાં પ્રાંતોને વધુ અધિકારો આપવાની જોગવાઇ છે. ભારત સરકાર પણ કહેતી રહી છે કે શ્રીલંકાએ આ બંધારણીય સુધારાને લાગુ કરવો જોઇએ. પણ પુરોગામી સરકારની જેમ સિરિસેનાને પણ બહુમતી સિંહાલીઓના વિરોધની ચિંતા સતાવે છે. સિંહાલી સમુદાયના મતે આ સુધારો (તામિલ સમર્થક) ભારતે થોપી બેસાડ્યો છે. સિરિસેના માટે બહુમતી અને લઘુમતી સમુદાય વચ્ચે સંતુલન જાળવવું કપરું થશે. વડા પ્રધાન મોદીએ કદાચ આથી જ સંઘર્ષ પ્રભાવિત જાફનાની મુલાકાત દરમિયાન લઘુમતી તામિલ સમુદાયને કોલંબોની નવી સરકારને થોડોક સમય આપવા અનુરોધ કર્યો છે, જેથી તે સર્વસ્વીકૃત રાજકીય વિકલ્પ શોધી શકે.
આ જ રીતે હિંદ મહાસાગરમાં સુરક્ષાનો મુદ્દો હંમેશા ભારત માટે ચિંતાનું કારણ રહ્યો છે. અલબત્ત, આ તકલીફનું તો કંઇક અંશે નિવારણ થતું જણાય છે. ભારતની ચિંતાને ધ્યાને લેતાં સિરિસેનાએ ભારત પ્રવાસ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે શ્રીલંકાની નીતિ ભારતવિરોધી નહીં હોય. બીજી તરફ, મોદીએ પણ શ્રીલંકાની લાગણીનો પ્રોત્સાહક પ્રતિસાદ આપતાં અન્યોન્યના હિતમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવે તેવા પગલાં લીધા છે. વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ સિરિસેનાએ ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત બનાવવા કમર કસી છે, પરંતુ સંબંધોની મજબૂતાઇનો આધાર પરસ્પર વિશ્વાસ પર રહેલો હોય છે. દસકાઓ પછી સંબંધનો નવો સેતુ રચાયો છે ત્યારે બન્ને દેશની નેતાગીરીએ કાળજી લેવી રહી કે કોઇ વગરવિચાર્યું પગલું વિશ્વાસનો આ પાયો ડગમગાવી ન દે.