ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. કોલ (કોયલા) બ્લોક્સની ફાળવણીમાં કથિત ગેરરીતિના મામલે દિલ્હીની સીબીઆઇ કોર્ટે તેમને આરોપી ઠરાવી આઠમી એપ્રિલે કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યો છે. એક દેશના વડા તરીકે તેમણે ભ્રષ્ટાચાર, ગેરરીતિ જેવી બદીઓ સામે આંખ આડા કાન ન કરવા જોઇએ, પણ તેમણે કર્યા. એટલું જ નહીં, આમ કર્યા પછી કાનને પણ દાટા મારી દીધા તેનું આ પરિણામ છે. કોલ બ્લોક્સની ફાળવણીમાં આચરાયેલી ગેરરીતિ વિશે દેશઆખામાં દેકારો મચ્યો હતો. અરે, દેશના હિસાબકિતાબનું ઓડિટ કરતા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’)એ આ ગેરરીતિ સામે આંગળી ચીંધી ત્યારે તેમની સરકારે આ તારણને ફગાવી દીધું હતું. હવે ભૂતપૂર્વ વડા પ્રધાનની સાથે ઉદ્યોગપતિ કુમાર મંગલમ્ બિરલા, હિન્દાલ્કો કંપની, ભૂતપૂર્વ કોલ સેક્રેટરી પી. સી. પરખ વગેરેને ગુનાહિત ષડયંત્ર, વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારવિરોધી કાયદાની કલમો હેઠળ આરોપી બનાવાયા છે. કેસ એવો છે કે ઓડિશાની બે કોલસા ખાણો જાહેર ક્ષેત્રની કંપનીઓ - મહાનદી કોલફિલ્ડ અને નૈવેલી લિગ્નાઇટ કોર્પોરેશનને આપવાનો નિર્ણય તત્કાલીન કોલ સેક્રેટરી પી. સી. પરખ કમિટીએ કર્યો હતો. આ પછી તેમાંથી કોલસાનો મોટા ભાગનો જથ્થો હિન્દાલ્કોને મળે તે માટે પુરવઠાની ફાળવણી પદ્ધતિ બદલાઇ. તે વેળા વડા પ્રધાન પદની સાથોસાથ કોલસા અને ખાણ-ખનીજ મંત્રાલયનો હવાલો સંભાળતા મનમોહન સિંહે નિર્ણયને મંજૂરીની મ્હોર મારી હતી.
મનમોહન સિંહનું કહેવું છે કે આ (કાનૂની કાર્યવાહી) અફસોસજનક છે, પણ જે કંઇ સત્ય હશે તે બહાર આવશે. મનમોહન સિંહ અર્થશાસ્ત્રી તરીકે જેટલા જાણીતા છે એટલા જ તેમની પ્રામાણિક્તા માટે જાણીતા છે. તેમની પ્રામાણિક્તા સામે વિપક્ષ પણ આંગળી ઉઠાવી શકે તેમ નથી, પણ તેમના કપાળે ટીલી લાગી ગઇ તેનું શું?
કેસમાં ઘણી લાંબી સુનાવણીઓ થઇ ચૂકી છે અને સુપ્રીમ કોર્ટે ૧૯૯૩થી ૨૦૧૦ વચ્ચે થયેલી ૨૧૪ કોલ બ્લોક્સની ફાળવણી રદ કરી નાખી છે. તે વેળા મનમોહન સરકારને આડે હાથ લેતાં કોર્ટે નોંધ્યું હતું કે બધી જ વહેંચણી ગેરકાયદે રીતે કરાઇ હતી. કોલ બ્લોક્સની વહેંચણીમાં ન કોઇ પારદર્શિતા હતી કે ન તો તેમાં કોઇ દિશાનિર્દેશનું પાલન થયું હતું. આમ મામલો અદાલતના આંગણે પહોંચ્યો ત્યારે દેશને સત્ય જાણવા મળ્યું હતું. નેતાઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચેની સાંઠગાંઠ દેશની તિજોરીને કેટલું નુકસાન કરે છે તે આ કિસ્સા પરથી જાણવા મળે છે.
સીબીઆઇએ ગયા મહિને મનમોહન સિંહનું નિવેદન નોંધ્યું હતું અને હવે આરોપીઓની યાદીમાં તેમનું નામ ઉમેરાયું છે. આ જ મનમોહન સિંહ વડા પ્રધાન પદે હતા ત્યારે તેમને આરોપી બનાવવાનું તો દૂર રહ્યું, તેમની પૂછપરછ કરવાની પણ કોઇને જરૂરત લાગી નહોતી. સીબીઆઇ પણ એ જ છે ને અદાલત પણ એ જ છે, છતાં દૃશ્ય બદલાઇ ગયું છે. આખો કેસ એવા રસપ્રદ વળાંકે પહોંચ્યો છે કે હવે આમ ભારતીય દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એટલું જ ઇચ્છે છે. તે માત્ર સત્ય જાણવા ઇચ્છુક છે અને એટલે જ સમગ્ર કેસમાં જરા પણ રાજકારણ ઘુસવું જોઇએ નહીં. લોકોમાં લેશમાત્ર સંદેશ ન જવો જોઇએ કે સરકાર બદલાઇ છે તો હવે સીબીઆઇ અને અદાલતનાં વલણ પણ બદલાયાં છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનમોહન સિંહના સમર્થનમાં રેલી યોજીને આ કેસને રાજકીય રંગ આપવા પ્રયાસ કર્યો છે તે સમજાય તેવું છે, પણ તેમણે એ ન ભૂલવું જોઇએ કે કેસનું સુકાન અદાલતના હાથમાં છે. કોલ બ્લોક્સની ફાળવણીનો વિવાદ ચગ્યો ત્યારે જ જો તેમણે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મનમોહન સરકારને ઘટતું કરવા આદેશ આપ્યો હોત તો ન મનમોહન સિંહને સમન્સ સ્વીકારવો પડ્યો હોત, અને ન તો પ્રજાએ ચૂંટણીમાં તેમના પક્ષનો સફાયો કરી નાખ્યો હોત.