SBIનાં અરુંધતી ભટ્ટાચાર્યઃ નંબર વન ભારતીય બિઝનેસવિમેન

Wednesday 18th November 2015 05:39 EST
 
 

મુંબઇઃ જાણીતાં મેગેઝિન ‘ફોર્ચ્યુન ઇન્ડિયા’ દ્વારા તૈયાર થયેલી વર્ષ ૨૦૧૫ની ૫૦ શક્તિશાળી ભારતીય બિઝનેસવિમેનની યાદીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)નાં ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્ય ફરી એક વાર નંબર વન જાહેર થયાં છે. ICICI બેન્કનાં ચંદા કોચર અને એક્સિસ બેન્કનાં શિખા શર્માએ આ યાદીમાં બીજા અને ત્રીજા ક્રમને જાળવી રાખ્યો છે.
યાદીમાં ચોથા ક્રમે હિન્દુસ્તાન પેટ્રોલિયમનાં ચેરપર્સન અને મેને. ડિરેક્ટર નિશી વાસુદેવાનું નામ જાહેર થયું છે. AZB એન્ડ પાર્ટનર્સનાં કો-ફાઉન્ડર ઝિયા મોદી અને કેપજેમિની ઇન્ડિયાનાં ચીફ એક્ઝિક્યુટિવ અરુણા જયંતીએ સંયુક્ત રીતે પાંચમું સ્થાન મેળવ્યું છે. આ પાંચેય નામો ગયા વર્ષે પણ આ યાદીમાં આ ટોચના સ્થાને હતાં. આમાંથી માત્ર અરુણા જયંતી ગયા વર્ષે સાતમા સ્થાને હતાં તે આ વખતે પાંચમા સ્થાને આવ્યાં છે.
આ ૫૦ શક્તિશાળી મહિલાઓની યાદીમાં આ વખતે ફક્ત બે નવાં નામ આવ્યાં છે, જેમાં પોર્ટીનાં મેનેજિંગ ડિરેક્ટર તથા સીઇઓ મીના ગણેશ અને ઇરોઝ ઇન્ટરનેશનલનાં ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર તથા સીઇઓ જ્યોતિ દેશપાંડેનો સમાવેશ થાય છે. આ બન્ને મહિલાઓએ આ યાદીમાં અનુક્રમે ૪૩મું અને પચાસમું સ્થાન મેળવ્યું છે. આ તમામ મહિલાઓની ઉંમર ૪૦થી ૭૧ની વચ્ચે છે.
આ યાદીમાં સ્થાન પામનાર અન્ય મહિલાઓમાં અપોલો હોસ્પિટલ, એન્ટરપ્રાઇઝિસનાં મેનેજિંગ ડિરેક્ટર પ્રિથા રેડ્ડી (સાતમું સ્થાન), ટાફેનાં સીઇઓ મલ્લિકા શ્રીનિવાસન (આઠમું સ્થાન), શેલ ઇન્ડિયાના ચેરપર્સન યાસ્મિન હિલ્ટન (નવમું) અને નેશનલ સ્ટોક એક્સચેન્જનાં મેનેજિંગ ડિરેક્ટર તથા સીઇઓ ચિત્રા રામક્રિષ્નન્ (દસમું સ્થાન)નો સમાવેશ થાય છે.
આ પાવરફુલ બિઝનેસ વિમેનની યાદીમાં બાયોકોનનાં ચેરપર્સન કિરણ મઝુમદાર શો, HDFCનાં મેનેજિંગ ડિરેક્ટર રેણુ સૂદ કરાડ, HT મીડિયાના ચેરપર્સન શોભના ભારતિયા, હાઉસ ઓફ અનીતા ડોંગરેનાં ફાઉન્ડર અનીતા ડોંગરે, બાલાજી ટેલિફિલ્મસનાં જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર એકતા કપૂર અને રિતુકુમાર ડિઝાઇનરનાં રિતુકુમારનો સમાવેશ થાય છે.


comments powered by Disqus