આતંકવાદનો દૈત્ય - ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સ્વરૂપે - ફરી એક વખત તેનો બદઇરાદો પાર પાડવામાં સફળ રહ્યો છે. એક દેશની ધરતી ફરી વખત નિર્દોષ નાગરિકોના લોહીથી લથપથ થઇ છે. અને વિશ્વસમસ્તે - હંમેશની જેમ - ફરી એક વખત આ હિચકારા કૃત્યને આકરા શબ્દોમાં વખોડી કાઢતાં આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો મનસૂબો વ્યક્ત કર્યો છે. અત્યાર સુધીમાં એક નહીં, અનેક વખત આ ઘટનાક્રમનું પુનરાવર્તન થઇ ચૂક્યું છે. વિશ્વના મોટા ભાગના દેશ ઇસ્લામિક આતંકવાદનો ભોગ બની ચૂક્યા છે. પરંતુ અફસોસ, આતંકવાદને વિસ્તરતો અટકાવવા ભાગ્યે જ કોઇ નક્કર પગલાં લેવાયાનું જણાય છે. જો ખરેખર નક્કર કાર્યવાહી થઇ હોત તો ફ્રાન્સના માર્ગોને રક્તરંજિત કરવાનું આતંકી ષડયંત્ર પાર ન પડ્યું હોત. દુનિયાભરના પર્યટકોના માનીતા પેરિસમાં સવાસોથી વધુ માનવજિંદગીનો ભોગ લેનાર શ્રેણીબદ્ધ હુમલા દર્શાવે છે કે હવે આતંકવાદને લોખંડી હાથે કચડી નાખવામાં જ દુનિયાનું ભલું છે. વિશ્વ સમુદાય એકસંપ થઇને તેના ખાત્મા માટે પહેલ નહીં કરે તો અસંખ્ય માસુમો - એક નહીં તો બીજા દેશમાં - રહેંસાતા રહેશે. ત્રણ દસકામાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન, તુર્કી, જર્મની, ઇટલી.. ન જાણે કેટકેટલા દેશ આતંકવાદનો ભોગ બની ચૂક્યા છે, અને આજે પણ આ સિલસિલો વણથંભ્યો ચાલુ છે. હજારો-લાખો નિર્દોષોના જીવ આ કટ્ટરવાદીઓ લઇ ચૂક્યા છે. આઇએસના નેજામાં તો કટ્ટરવાદે માઝા મૂકી છે.
જોકે પેરિસ પર ગયા શુક્રવારે થયેલા હુમલા બાદ ફ્રાન્સની પ્રજા, સરકાર અને સુરક્ષા દળોએ જે જોમ-જુસ્સો અને સતર્કતા દેખાડ્યા છે તેને સલામ કરવી રહી. પેરિસ પરનો હુમલો મુંબઇ પરના ૨૬/૧૧ના હુમલાની અદ્દલ પ્રતિકૃતિ હતો. આધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓએ સ્ટેડિયમ, થિયેટર અને રેસ્ટોરાં સહિત આઠ સ્થળોને નિશાન બનાવ્યા. સીરિયામાં તેમની સામે થઇ રહેલી લશ્કરી કાર્યવાહીના વિરોધમાં સૂત્રો પણ પોકાર્યા. તેમનો એક જ ઉદ્દેશ હતો - આતંકનો ઓથાર સર્જવો. આઠેય આત્મઘાતી આતંકીઓ ધર્મનો અંચળો ઓઢીને આવ્યા હતા, પણ હકીકત તો એ છે કે આવા રાક્ષસી તત્વોનો ન કોઇ ધર્મ હોય છે, ન જાતિ અને ન કોઇ દેશ. તેમનો બદઇરાદો સ્પષ્ટ હતો - જેટલા વધુ માસૂમોને મારશો તેટલો જ વધુ ભય ફેલાશે, પરંતુ ફ્રાન્સ ડર્યું પણ નહીં, અને ડગ્યું પણ નહીં. ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો વચ્ચે ફૂટબોલ મેચ ચાલ્યો. દર્શકોએ જુસ્સાભેર રાષ્ટ્રગીત ગાયું. ક્યાંય કોઇ જાતની અફડાતફડી નહીં. પાંચ-છ કલાકમાં તો જનજીવન સામાન્ય બની ગયું હતું. રાષ્ટ્રપતિ ફ્રાન્કવા ઓલાંદે પણ આતંકી તત્વોને કોઇ પણ જાતની દયા દાખવ્યા વગર કચડી નાખવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને કલાકોમાં તેનો અમલ કરી દેખાડ્યો. ફ્રાન્સના ફાઇટર જેટ વિમાનોએ બે દિવસમાં બે વખત આઇએસના અડ્ડાઓને નિશાન બનાવીને બોમ્બ ઝીંક્યા હોવાના અહેવાલ છે.
ફ્રાન્સ સરકાર અને પ્રજાના લડાયક અભિગમથી કટ્ટરવાદીઓ હતોત્સાહ અવશ્ય થયા હશે, પણ તેનો સમૂળગો સફાયો કરવો બાકી છે. આ માટે તો માનવતામાં આસ્થા ધરાવતા તમામ શાંતિપ્રિય દેશોએ એક થવું પડશે. આતંકવાદીઓની મદદગાર ચાહે કોઇ વ્યક્તિ હોય, જૂથ હોય કે દેશ હોય, તેના વિરુદ્ધ મોરચો માંડવો પડશે. ભારત, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન હંમેશા આતંકવાદીઓના નિશાનમાં રહ્યા છે. તેમણે વિશ્વના અન્ય દેશો સાથે મળીને ગુપ્તચર તંત્ર સુધારવા, સુરક્ષા દળોને આધુનિક બનાવવા અને આતંકવાદીઓના અડ્ડા પર સંયુક્ત કાર્યવાહીની યોજના બનાવવી પડશે. અલબત્ત, આતંકવાદ સામેની લડાઇમાં સૌથી મહત્ત્વની ભૂમિકા પ્રજાની રહેતી હોય છે. જો બધા સતર્ક-નીડર બનશે તો આવા લોહીતરસ્યા તત્વોના બદઇરાદાને ઊગતાં જ ડામી શકાશે.