વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવાસની બહુ લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે સાચું, પરંતુ ગયા સપ્તાહે તેમના આગમન સમયે જે ભપકો અને ઝાકઝમાળ જોવા મળ્યાં તે જોતાં લાગ્યું કે રાહ ભલે જોવી પડી, પણ વિલંબ વસૂલ છે. ભારતીય વડા પ્રધાને વિશ્વના ૨૭ દેશોના પ્રવાસમાં ભાગ્યે જ ક્યાંય માણ્યા હશે તેવા ઉષ્માપૂર્ણ આતિથ્ય-સન્માનથી સમોવડિયા ડેવિડ કેમરને સત્કાર્યા. વડા પ્રધાન મોદીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું, નામદાર મહારાણી સાથે ભોજન કર્યું, બ્રિટનના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના દિગ્ગજોને મળ્યા, અને આ તમામ કાર્યક્રમોમાં શિરમોરસમાન પ્રસંગ હતો વેમ્બલી સમારોહ. વિશ્વના બે વિરાટ લોકતંત્રના નેતાઓએ ભારત-બ્રિટિશ ઐતિહાસિક સંબંધોની ભરપૂર ઉત્સાહ અને આશાવાદથી છલકતા અવાજે વિગતવાર વાતો કરી ત્યારે તેમના શબ્દો હૃદયસ્પર્શી હતા. બન્ને નેતાઓએ ભારત-બ્રિટનને ૨૧મી સદીના માહોલનો મહત્તમ લાભ મળી રહે તે માટે વણખેડાયેલા ક્ષેત્રે ઉપલબ્ધ તકોનો પણ ભારપૂર્વક ઉલ્લેખ કર્યો. યજમાન અને મહેમાન - બન્ને વડા પ્રધાનોએ બન્ને દેશોના ઇતિહાસમાં રહેલી સમાનતા, સંસ્થાનો, રાજકીય શાસનપ્રણાલી, કાયદાનું અનુશાસન અને વ્યક્તિગત સંબંધોનો સંદર્ભ પણ ટાંક્યો. મોદીએ ગ્રેટ બ્રિટનની યુનિવર્સિટીઓનો સવિશેષ ઉલ્લેખ કર્યો, જ્યાં ભારતીયોની એક પેઢીએ અભ્યાસ કર્યો છે. આમાં પણ તેમના બે પૂરોગામી મહાનુભાવોનો ઉલ્લેખ વિશેષ હતો - જવાહરલાલ નેહરુ અને ડો. મનમોહન સિંહ. તેમણે મહાત્મા ગાંધીને બન્ને દેશોને જોડતાં પુલસમાન ગણાવ્યા. તેમણે યુકેમાં ભારતીય આર્થિક યોગદાનની વાત કરી તો ભારતમાં બ્રિટિશ ઉદ્યોગોની હાજરીનો પણ ભારપૂર્વક ઉલ્લેખ કર્યો. વડા પ્રધાન મોદી બ્રિટનની સૌથી મોટી ઉત્પાદક એવી ભારતીય કંપની ટાટાનો ઉલ્લેખ કરવાનું ચૂક્યા નહોતા.
એક સમય હતો જ્યારે ભારતની હાજરીને ભાગ્યે જ કોઇ ગણકારતું હતું, પરંતુ હવે સમય બદલાયો છે. નવી તકોના ઉભરવા સાથે વિશ્વનો ભારત - અને ભારતીયો - પ્રત્યેનો અભિગમ બદલાયો છે. યુકે (અને યુએસમાં) ભારતીય સમુદાયે અનેકવિધ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતવંશીઓએ પારકી ધરતીને પોતાની બનાવી અને અનેક અવરોધો ઓળંગી સફળતાના મુકામો સર કર્યા છે. આજે આ દેશમાં સ્થાયી થયેલા વસાહતી સમુદાયોમાં ભારતીયો સૌથી સમૃદ્ધ અને સૌથી શિક્ષિત ગણાય છે - અમેરિકાની જેમ જ. અને દાયકાઓના વહેવા સાથે લોકોના ભારતીય પ્રત્યેના અભિગમમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભારત આજે વિશ્વના સૌથી ઝડપભેર વિકસતા અર્થતંત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને તેના ઉદ્યોગસમૂહો અને ઉદ્યોગસાહસિક્તા વિશ્વના દરેક ખંડમાં વિજયપતાકા લહેરાવી રહ્યા છે. બ્રિટનમાં ભારત આજે ત્રીજો સૌથી મોટો રોકાણકાર દેશ છે, જ્યારે ભારતમાં યુરોપિયન યુનિયનમાંથી સૌથી વધુ મૂડીરોકાણ બ્રિટનનું છે. આ ઉપરાંત યુવા ભારતીય ઉદ્યોગસાહસિકો બ્રિટનને મુકામ બનાવીને કંપનીઓ સ્થાપી વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યા છે. આ તમામ પરિબળો દર્શાવે છે કે અન્યોન્યના વિકાસ માટે, બન્ને દેશોના ઉજળા ભવિષ્ય માટે હજુ પણ વેપારવણજ, મૂડીરોકાણ, શિક્ષણ, વૈજ્ઞાનિક આદાનપ્રદાન સહિત અનેક ક્ષેત્રે સહયોગની વિપુલ તકો રહેલી છે.
લંડનમાં ૭/૭ અને મુંબઇમાં ૨૬/૧૧ (તેમ જ પેરિસમાં) જેવી આતંકવાદી હુમલાની ઘટનાઓએ ભારત-બ્રિટનને આતંકવાદીવિરોધી મોરચે દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે. બ્રિટને ભારતને સાયબરસ્પેસ ક્ષેત્રે કૌશલ્ય વિકસાવવા માટે જરૂરી સહયોગની તેમ જ નાગરિક પરમાણુ ટેક્નોલોજી પૂરી પાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત બન્ને દેશો સંરક્ષણ ક્ષેત્રે સહકાર અને સંયુક્ત લશ્કરી અભ્યાસ જારી રાખશે. ભારત લંડન સ્ટોક એક્સચેન્જમાં રેલવે બોન્ડ બહાર પાડશે અને આમ ભારતને લંડનની આગવી આર્થિક સેવાનો લાભ મળી રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત-બ્રિટને ૧૫ બિલિયન પાઉન્ડના સોદાઓ પર હસ્તાક્ષર કર્યા છે. આપણે સહુ આગામી દિવસોમાં ભારત-બ્રિટનના દિલોદિમાગથી સહયોગના સાક્ષી બનશું તેવી આશા અસ્થાને નથી.