લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટ ૧૫ ડિસેમ્બરથી ફરી શરૂ થશે ફ્લાઇટના પુનઃ પ્રારંભનો યશ ‘મિત્ર’ સી. બી. પટેલને આપતા વડા પ્રધાન

સંકલનઃ કમલ રાવ ન્યુઝ એડિટર Wednesday 18th November 2015 05:48 EST
 
મનોજ લાડવા -  ભુપત પારેખ
 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુ.કે.ની ત્રણ દિવસની મુલાકાતના બીજા દિવસે તા. ૧૩-૧૧-૨૦૧૫ને શુક્રવારના રોજ વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦,૦૦૦ની સંખ્યામાં યોજાયેલા મૂળ ભારતીયોના કાર્યક્રમમાં એ જાહેરાત કરી હતી કે, છેલ્લાં સાત વર્ષથી બંધ કરવામાં આવેલી લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫થી શરૂ કરવામાં આવશે.
તેમની આ જાહેરાતથી હજારો લોકોએ આનંદની ચિચિયારીઓ વ્યક્ત કરીને આવકાર આપ્યો હતો. આ ફ્લાઈટ ફરીને શરૂ કરવાનો યશ તેમણે લંડનના સી. બી. પટેલ (આપના તંત્રીશ્રી)ને આપ્યો હતો.
નરેન્દ્ર મોદીએ એક કલાકને વીસ મિનિટ સુધી તેમનું વેમ્બલી સ્ટેડિયમમાં પ્રવચન કર્યું હતું. આ પ્રવચન પહેલાં બે કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલ્યો હતો. મોદી વેમ્બલી સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન અને તેમના
પત્ની ભારતીય લાલ સાડીમાં સજ્જ શ્રીમતી કેમરને કર્યું હતું. ત્યારબાદ મૂળ ભારતીય નાગરિકોએ વ્યક્તિગત નરેન્દ્ર મોદીને મળીને અભિવાદન કર્યું હતું.
મોદીએ લંડનના સમય મુજબ સાંજે ૫-૩૫ કલાકે તેમનું પ્રવચન શરૂ કર્યું હતું. અને ૬-૫૫ મિનિટે પૂરું કર્યું હતું. તેમના પ્રવચનમાં તેમણે યુ.કે.માં વસતા મૂળ ભારતીયો તથા ખાસ કરીને ગુજરાતીઓ તેમજ વિશ્વની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો.
અહીં જે ખાસ ઉલ્લેખ કરવો છે તે એ છે કે છેલ્લા સાત વર્ષથી બંધ થયેલી લંડન-અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ ચાલુ કરવાની જે જાહેરાત કરી હતી તેને તેમના પ્રવચનમાં સૌથી વધુ આવકાર મળ્યો હતો. નરેન્દ્ર મોદીએ આ ફ્લાઈટની વાતચીત કરતા પહેલાં ઓસીઆઈ - પીઆઈઓ - વિઝા વગેરેની સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અહીંની મારી મુલાકાત દરમિયાન મારી પાસે આ સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી. મેં આ સમસ્યા હલ કરવા માટે જે તે વિભાગને જણાવી દીધું છે. (આ અંગે આપણે મેનોરેન્ડમમાં રજૂઆત કરી હતી)
ત્યારબાદ તેમણે લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ વિશે વિસ્તૃત માહિતી આપતાં પ્રવચન કર્યું હતું કે, હું વર્ષ ૨૦૦૩માં લંડન આવ્યો હતો ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. મારી પાસે અહીંના આગેવાનોએ લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટ ચાલુ કરવાની રજૂઆત કરી હતી. હું ભારત પાછો ગયો હતો ત્યારે કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીની ભાજપ સહિતની એનડીએની સરકાર હતી. મેં અટલજીની સરકાર સમક્ષ આવી ફ્લાઈટ ચાલુ કરવાની રજૂઆત કરી હતી અને મને આનંદ થયો હતો કે વર્ષ ૨૦૦૩માં સૌ પ્રથમવાર આવી લંડન-અમદાવાદ-લંડનની એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અચાનક આ ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી. આ તબક્કે તેમણે કહ્યું હતું કે, કોણે બંધ કરી હતી, શા માટે બંધ કરી હતી, શું કારણ હતું બંધ કરવાનું, તેમાં હું પડવા માંગતો નથી. પરંતુ હવે આજે હું અહીંથી જાહેરાત કરું છું કે, તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫થી આવી સીધી ફ્લાઈટ ફરીને શરૂ કરવામાં આવશે. તેમની આ જાહેરાતને હજારો લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
આ પહેલાં તેમણે ફરીને આ ફ્લાઈટ કેવી રીતે શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો તેની પણ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, એકવાર મારા પ્રયત્નોને કારણે શરૂ કરવામાં આવેલી આ ફ્લાઈટ બંધ થઈ ગયા બાદ કેટલાક ગુજરાતીઓ હું ગુજરાતમાં હતો ત્યારે આવતા હતા અને મારું ગળું પકડતા હતા. પરંતુ મારા મિત્ર સી. બી. પટેલ જ્યારે જ્યારે પણ ગુજરાત આવતા હતા હું દિલ્હી હતો ત્યારે પણ મારું ગળું પકડતા હતા અને તેમની રજૂઆતને કારણે આજે હું જાહેરાત કરું છું કે, તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫થી અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.
આ પહેલાં તેમણે થોડી ક્ષણો માટે ત્યાં હાજર રહેલા લોકોને વિચારતા કરી મૂક્યા હતા. તેમણે સી.બી. પટેલના નામ સાથે કહ્યું હતું કે આવી સીધી ફ્લાઈટ શરૂ કરવા માટે મારા મિત્ર સી. બી. પટેલ મારું ગળું પકડતા હતાં. આથી હું તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫થી આટલું કહી થોડી ક્ષણો માટે અટકી ગયા હતા. હાજર રહેલા હજારો લોકો વિચારમાં પડી ગયા હતા કે હવે શેની જાહેરાત કરશે? ત્યારે નરેન્દ્ર મોદીએ એવું કહયું હતું કે હું એમ કહી શકું તેમ છું કે તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ .... આટલું કહીને તેઓ અટકી ગયા હતા. પરંતુ તરત જ તેમણે કહ્યું હતું કે, તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બંધ થયેલી સીધી ફ્લાઈટ ફરીને શરૂ કરવામાં આવશે.
આ ફ્લાઈટ બંધ થઈ ગયા બાદ વર્ષ ૨૦૦૯થી ૨૦૧૫ સુધી લગભગ છેલ્લાં ૬ વર્ષ સુધી ફરીને આવી ફ્લાઈટ ચાલુ કરાવવા માટે ગુજરાત સમાચારના તંત્રી શ્રી સી. બી. પટેલે જે અનેક પ્રયત્નો કર્યા હતા તેના નરેન્દ્ર મોદી સાક્ષી હતા. આથી જ તેમણે તેમના એક કલાક અને વીસ મિનિટના પ્રવચનમાં કોઈપણ એક જીવીત ભારતીય વ્યક્તિનું નામ લીધું હોય તો તે સી. બી. પટેલનું હતું.
સી. બી. પટેલ ગુજરાત જતા હતા ત્યારે તેમણે વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૦૯માં ભારતના સંસદસભ્યો, તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના મંત્રીમંડળના સભ્યો જેવા કે શ્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓ, વિધાનસભાના અધ્યક્ષ, અશોક ભટ્ટ, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો તથા નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન જેવી સંસ્થાના ગૌતમ ઠાકર સહિત આગેવાનો વગેરે સમક્ષ સતત રજૂઆતો કરતા હતા. તેઓ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો થતી રહેતી હતી. આ રજૂઆતો કરાવવાનું કાર્ય વરિષ્ઠ પત્રકાર ભુપત પારેખ દ્વારા થતું હતું.
આ રજૂઆતના પરિણામે તા. ૪ જુલાઈ ૨૦૧૦ના રોજ કેન્દ્રના તે વખતના નાગરિક ઊડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ દ્વારા અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકના ટર્મિનલ-૨ના ઉદઘાટન માટે આવ્યા હતા. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ અમદાવાદના ભાજપના સંસદસભ્ય હરિન પાઠક અને ત્યારબાદ વિધાનસભાના કોંગ્રેસપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી તે વખતના કેન્દ્રના મંત્રી દિનશા પટેલ વગેરેએ બંધ થયેલી અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ ચાલુ કરવાની રજૂઆતો કરી હતી. આવી રજૂઆતો કરવાનું ભુપત પારેખે આ આગેવાનોને જણાવ્યું હતું. ત્યારબાદ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ રજૂઆતોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના નડિયાદના વતની એવા પ્રફુલ્લ પટેલ આ રજૂઆતો બાદ તેઓ આજે આવી ફ્લાઈટ ફરીને શરૂ કરવાની જાહેરાત કરે એવી સૌની ઈચ્છા છે.
આ બધી રજૂઆતોના પરિણામે પ્રફુલ્લ પટેલે આ જાહેર સમારંભમાં એવી જાહેરાત કરી હતી કે, આવતા શિયાળુ સમયપત્રકમાં આવી સીધી ફ્લાઈટ ફરીને શરૂ કરવામાં આવશે. આ સમારંભ બાદ નરેન્દ્ર મોદીએ પ્રફુલ્લ પટેલને કહ્યું હતું કે, આ ફ્લાઈટની અહીં ગુજરાતમાં ભુપત પારેખ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પરંતુ સૌ જાણે છે કે વર્ષ ૨૦૧૦માં તો આવી સીધી ફ્લાઈટ શરૂ થઈ નહોતી, એટલું જ નહીં પરંતુ કેન્દ્રની કોંગ્રેસની યુપીએની સરકાર ૨૦૧૪ સુધી હતી છતાં આવી સીધી ફ્લાઈટ શરૂ થઈ શકી નહોતી. ત્યારે પણ સી. બી. પટેલ દ્વારા અવિરત આવી સીધી ફ્લાઈટ શરૂ કરવાની ઝુંબેશ ચાલુ હતી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર સી. બી. પટેલ ગુજરાત જતા હતા અને નરેન્દ્ર મોદીને મળીને આવી ફ્લાઈટ શરૂ કરવા માટેની રજૂઆતો કરતા રહેતા હતા.
આ બાબતની માહિતી નરેન્દ્ર મોદી પાસે હતી. વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા હતા. ત્યારે ફરીને સી. બી. પટેલે નવેસરથી ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે લંડન ખાતે અને ભારત ખાતે બે કમિટી બનાવી હતી. આ કમિટીનું નામ હતુંઃ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટ. તેના સંચાલનમાં શ્રી મનોજ લાડવાનો સિંહફાળો રહ્યાો છે. આ સમિતિમાં લંડન ખાતે સંસદસભ્યો, હાઉસ ઓફ લોર્ડઝના સભ્યો વગેરે હતા. તેનાં યુ.કે. ખાતેના કો-ઓર્ડિનેટર શ્રી સી. બી. પટેલ હતા. આવી એક સમિતિ ભારતમાં ભાજપના રાજ્યસભાના મુખ્ય દંડક મનસુખભાઈ માંડવિયાની આગેવાની હેઠળ બનાવવામાં આવી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો હતા. કેન્દ્રના મંત્રીઓ મોહનભાઈ કુંડારિયા, મનસુખભાઈ વસાવા, ભાજપના સંસદસભ્ય રાજેશ ચુડાસમા, ગુજરાતના મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ, તારાચંદભાઈ છેડા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વિદેશી બાબતોના વિભાગના વડા કે. એચ. પટેલ, ઉદ્યોગપતિ વાઘબકરી છાપ ચ્હા વાળા શ્રી પિયુષભાઈ દેસાઈ તેમજ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વગેરે આ સમિતિના સભ્યો હતા. ભારત ખાતેના કો-ઓર્ડિનેટર વરિષ્ઠ પત્રકાર  શ્રી ભુપત પારેખ હતા.
આ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભ પટેલ સહિત ગુજરાત સરકારના જુદા જુદા મંત્રીઓ વગેરે દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ આવી સીધી ફ્લાઈટ શરૂ કરવાની રજૂઆતો કરવામાં આવી હતી.

ભારતમાં સંસદની છેલ્લી બેઠકમાં લોકસભા અને રાજ્યસભામાં ધાંધલ ધમાલના કારણે કામકાજ ચાલતું નહતું. પરંતુ લોકસભામાં છેલ્લા બે દિવસ બાકી હતા ત્યારે લોકસભાના અધ્યક્ષા શ્રીમતી સુમિત્રા મહાજન દ્વારા સભ્યોને તાકિદના મહત્ત્વના પ્રશ્નોની રજૂઆતો કરવાની તક આપવામાં આવી હતી ત્યારે અમદાવાદના ભાજપના સંસદસભ્ય ડો. કિરીટભાઈ સોલંકીએ અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટનો પ્રશ્ન રજૂ કર્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું છે પરંતુ દિવસ દરમિયાન એકપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઊપડતી નથી.
 માત્ર આ વિમાનીમથક રાત્રે જ કામ કરે છે. આ ઉપરાંત અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ માટે મંત્રીશ્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે તો આવી ફ્લાઈટ ક્યારે શરૂ કરવામાં આવશે? ત્યારબાદ તેમણે અમદાવાદની ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના સભ્યો તરફથી રજૂઆત મળતા કેન્દ્રના મંત્રીને પત્ર પણ લખ્યો હતો. ત્યારે મુસાફરો નહીં મળવાની કેન્દ્રના મંત્રીએ જવાબ આપ્યો હતો.
કેન્દ્રની એનડીએની સરકારના નાગરિક ઊડ્ડયન મંત્રી તેલુગુદેશમના અશોક ગજપતિ રાજુ છે. તેઓએ છેલ્લા એક વર્ષમાં બે વાર અમદાવાદની મુલાકાત લીધી હતી. જુદી જુદી કોન્ફરન્સ માટે તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમને ભારતની સમિતિના કો-ઓર્ડિનેટર શ્રી ભુપત પારેખ દ્વારા આવી સીધી ફ્લાઈટ ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેઓ એક જ જવાબ આપતા હતા સીધી ફ્લાઈટ માટે પેસેન્જરો મળતા નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લંડનની મુલાકાત પહેલાં આ પરિસ્થિતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બરાબર જાણતા હતા. આથી જ તેમણે વેમ્બલી સ્ટેડિયમના જાહેર કાર્યક્રમમાં આવી સીધી ફ્લાઈટ ચાલુ કરવાની જાહેરાત તો કરી હતી પરંતુ તેનો યશ શ્રી સી. બી. પટેલને આપતાં કહ્યું હતું કે, મારા મિત્ર શ્રી સી. બી. પટેલ જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે મારું ગળુ પકડતા હતાં. આ બેકગ્રાઉન્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી.

•••

અમદાવાદ - લંડન ડાયરેક્ટ ફ્લાઇટ
અમદાવાદ - લંડનની આ ડાયરેક્ટ ફ્લાઇટ વાયા મુંબઇ થઇને જશે, પરંતુ મુસાફરોએ પ્લેન બદલવું પડશે નહિં. આ ફ્લાઇટ મુંબઇમાં ૯૦ મિનીટનું રોકાણ કરશે. AI130 ફ્લાઇટ લંડનથી અમદાવાદની રહેશે અને AI 131 અમદાવાદથી લંડનની રહેશે. આ વિમાની સેવાના ભાડાના દર બજારની સ્થિતી મુજબ અથવા તો સીઝન મુજબ રહેશે તેમ એર ઇન્ડિયાના સત્તાવાર સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

•••


comments powered by Disqus