વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શનિવારના રોજ સવારે સાઉથ લંડનના વોક્ષોલ ખાતે નદી તટે આલ્બર્ટ એમ્બેંકમેન્ટ નજીક આવેલા વોક્ષોલ પ્લેઝર ગાર્ડન્સ ખાતે કર્ણાટકના મહાન રાજકીય વિચારક, કવિ અને સામાજીક સુધારક શ્રી બસવેશ્વરાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે બ્રિટીશ પાર્લામેન્ટના સ્પીકર શ્રી જ્હોન બાર્કો, લેસ્ટર ઇસ્ટના એમપી કિથ વાઝ, ક્રોયડન નોર્થના એમપી શ્રી સ્ટીવ રીડ તેમજ અન્ય અગ્રણીઅો અને મોટી સંખ્યામાં ભારતીય વસાહતીઅો ઉપસ્થિત રહ્યા હતા.
વરસાદ તેમજ ઠંડીના પ્રતિકુળ વાતાવરણ વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું પરંપરાગત સ્વાગત કરાયું હતું. 'બસવેશ્વરજી અમર રહો' અને 'બસવેશ્વરજી ઝીંદાબાદ'ના નારા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બસવેશ્વરજીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇએ આ પ્રસંગે ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે 'લંડનની ધરતી પર બસવેશ્વરજીની પ્રતિમાનું લોકાર્પણ થાય અને તે પવિત્ર કાર્ય કરવાનું મને સૌભાગ્ય મળે તે મારા જીવનની એક ખૂબજ મહત્વપૂર્ણ ઘટના માનુ છું. વિશ્વમાં જ્યારે લોકતંત્ર, જનપ્રતિનિધિત્વ, સંવાદ અને સમસ્યાના સમાધાન માટે સંવાદના માર્ગની વાત આવે છે ત્યારે મોટોભાગે આપણે ભારતના દ્રષ્ટીકોણથી પશ્ચિમના દેશોનો ઉલ્લેખ કરીએ છીએ. પરંતુ ઘણા અોછા લોકોને ખ્યાલ હશે કે બસવેશ્વરજીએ ૧૨મી સદીમાં લોકતાંત્રિક મુલ્યોની વકીલાત કરી લોકશાહી મુલ્યોને માટે યોજના બનાવી હતી અને તેને સાકાર પણ કરી હતી.'
'બસવેશ્વરજીએ આજે જેને આપણે પાર્લામેન્ટ કહીએ છીએ તેવા પ્લેટફોર્મની તેમણે રચના કરી હતી. તેમણે જાતીય સમાનતા માટે કામ મહિલાઅોને પણ નિર્ણયમાં સામેલ કરવા છેક ૧૨મી સદીમાં કાર્ય કર્યું હતું. આપણે મેગ્ના કાર્ટાનું ગૌરવ કરીએ છીએ. હું જ્યારે વડાપ્રધાન શ્રી ડેવિડ કેમરન સાથે હતો ત્યારે તેમણે મને 'મેગ્ના કાર્ટા' બતાવી તેના વિષે વાત કરી હતી. આપણે જે વાતો મેગ્ના કાર્ટા વિષે ગૌરવભેર કહીએ છીએ તે વાતો 'બસવપુરાણ'માં આજે પણ મોજુદ છે. જાતીય સમાનતા માટે તેઅો તે સમય વકીલાત કરતા હતા. લોકશાહી માટે આપણે અબ્રાહમ લિંકનનો ઉલ્લેખ કરીએ છીએ. પણ લિંકનના ૭૦૦ વર્ષ પહેલા બસવેશ્વરજીએ તે જ વાતો કરી હતી. તેઅો સાચા અર્થમાં કર્મયોગી હતા અને તેઅો કર્મમાં વિશ્વાસ કરતા હતા. આજે આપણે 'કામ જ મારી પૂજા છે' તેમ કહીએ છીએ પણ બસવેશ્વરજી તે સમયે તેમ માનતા હતા. તેમેણે કર્મથી કૈલાસની ચર્ચા કરી હતી. 'ન કરણી કરે તો નારાયણ હો જાય' તે ભાવ તેમનામાં પ્રગટ થતો હતો. મહિલા સશક્તિકરણની ચર્ચા જ્યારે જ્યારે થશે ત્યારે તેમની વાત પ્રસ્તુત થશે.'
શ્રી નરેન્દ્રભાઇમોદીએ જણાવ્યું હતું કે 'આજે આવા મહાન વ્યક્તિની પ્રતિમા પ્રસ્થાપિત થાય છે ત્યારે દરેક ભારતવાસીઅોને ગૌરવ થાય છે. ડો. પાટીલે અને તેમના સાથીઅોએ આ માટે ખૂબ જ મહેનત કરી છે. પરંતુ જેમને લોકશાહી તંત્રમાં વિશ્વાસ છે તેમને માટે આ સ્થળ હંમેશને માટે પ્રેરણા તિર્થ બની રહેશે. વિધિની વક્રતા એ છે, દુર્ભાગ્ય છે કે બસવેસ્વરાજીએ લોકશાહીના મુલ્યોની સ્થાપના કરી, તેને માટે જીવ્યા અને ઘણો જ ભોગ આપ્યો અને લોકશાહીના મુલ્યોનું ગ્રાસરૂટ લેવલે નિરૂપણ કર્યું.'
'આ મહાપુરૂષની પ્રતિમાનું અનવારણ કરી રહ્યો છું ત્યારે પેરીસમાં આચરવામાં આવેલા હત્યાકાંડના કારણે મારૂ હ્રદય ખૂબ જ આઘાત અનુભવે છે, મારૂ હ્રદય સદમાથી ભરેલું છે. ગઇ કાલે જે પેરીસમાં થયું તે માનવતા પરનો હુમલો હતો અને દુનિયાએ માનવું પડશે કે આ હુમલો પેરીસ પર નહિં, ત્યાંના નાગરીકો પર નહિં, ફ્રાન્સ પર નહિં પણ માનવતા પર કરાયો છે, માનવતાવાદી વિચારો પર કરાયો છે. માનવતાવાદી શક્તિઅો પર વિશ્વાસ ધરાવતા સૌએ એકઠા થઇને આવી ઘટનાની ઘોર નિંદા કરવી પડશે. તમામ માનવતાવાદી શક્તિઅોએ સાથે રહીને માનવતા વિરોધી શક્તિોઅોને પરાસ્ત કરવા પોતાની જવાબદારી નિભાવવી પડશે. હું ઇચ્છીશ કે યુનાઇટેડ નેશન્સ પોતાની ૭૦મી વર્ષગાંઠ મનાવે છે ત્યારે સમય બગાડ્યા વગર ત્રાસવાદની વ્યાખ્યા નક્કી કરવા પ્રસ્તાવ કરે, પ્રસ્તાવે તમેની સામે છે. કોણ આતંકવાદ સાથે છે, કોણ મદદ કરે છે, કોણ તેના માટે કૃપા કરે છે, કોણ વિરોધ કરે છે અને કોણ પોતાના જીવની આહુતી આપવા પ્રયાસ કરે છે તે સમજવું પડશે. સમયની માંગ છે કે આ ઘટનાઅોથી વિશ્વની માનવતાવાદી શક્તિઅો એક થાય અને એકતા રાખી આવી શક્તિઅોને અલગ કરે અને પરાસ્ત કરવાની નીતિ બનાવે.'
'ભગવાન બસવેસ્વરને તેમના આ મહાનકાર્યો માટે વંદન કરૂં છું. સમાજ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દરેક કાર્યમાં બુરાઇઅો પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે અને ત્યારે તેજ સમાજમાંથી સુધારક પેદા થાય છે બુરાઇઅોને રોકવા સંઘર્ષ કરવા પ્રયાસ કરે છે. તેઅો છૂત-અછૂત, ઉંચનીચની બુરાઇઅો સામે લડ્યા હતા. તેઅો ત્યાં જ પેદા થયા પરંતુ બુરાઇઅો સામે લડવામાં કદી સંકોચ રાખ્યો નહોતો. આપણે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છે, હિન્દુસ્તાનની વિશેષતા એ છે કે તેણે આવા સુધારકને જન્મ આપ્યો છે. તેમના અથાક પ્રયાસનું પરિણામ દેશને સારી રીતે મળ્યું છે. આજે હું તેમને કોટી કોટિ વંદન કરું છું અને તેમના આદર્શો વિશ્વના લોકતાંત્રિક મુલ્યોને તેમના તરફ આકર્ષીત કરશે અને તેમને સમજવાનો પ્રયાસ કરશે અને આદર કરશે. '