કાર્ડિફમાં ભારતીય માનદ કોન્સલની હાજરીમાં ભારતીય સ્વાતંત્ર્ય દિન ઉજવાયો

Tuesday 18th August 2015 10:42 EDT
 
 

કાર્ડિફઃ વેલ્સની રાજધાની કાર્ડિફમાં શનિવારે ભારતીય સ્વાતંત્ર્ય દિનની સત્તાવાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોર્ડ મેયર કાઉન્સિલર ડેવિડ વોકરે વેલ્સ માટેના ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલને ખાસ આમંત્રિત કર્યા હતા. લોર્ડ મેયર કાઉન્સિલર વોકરે વેલ્સની રાજધાની તેમજ શહેરના વિકાસ માટે ભારતીય કોમ્યુનિટીના નોંધપાત્ર પ્રદાનની સરાહના કરી હતી. માનદ કોન્સલ રાજ અગ્રવાલે ભારતીય ઈ-ટુરિસ્ટ વિઝામાં યુકેના નાગરિકોના સમાવેશની જાહેરાત કરી હતી.

મેન્શન હાઉસ ખાતે ઉજવણીમાં લોર્ડ મેયરે જણાવ્યું હતું કે, ‘ભારતીય લોકોએ આપણા શહેર, અર્થતંત્ર, સંસ્કૃતિઅને કોમ્યુનિટીઓમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. કાર્ડિફમાં ભારતીય કોમ્યુનિટી સૌથી જૂની ભલે ન હોય પરંતુ સૌથી મોટી કોમ્યુનિટીમાં તેનું સ્થાન છે. આ કોમ્યુનિટી સક્રિય હોવા સાથે સ્થાનિક સેવાઓ માટે કાઉન્સિલની મદદ કરવા તત્પર રહે છે. તેમના ફાળા સાથે આપણું શહેર આધુનિક અને ઉત્સાહપૂર્ણ બન્યું છે. આપણે સાથે મળીને સ્વાતંત્ર્ય દિન અને દિવાળી જેવાં ઉત્સવો ખાસ ઉજવીએ છીએ.’

માનદ કોન્સલ અગ્રવાલે જણાવ્યું હતું કે, વેલ્સમાં ભારતીય ડાયસ્પોરા આનંદથી વસે છે. તેઓ અતિ સફળ, મહેનતુ, સ્થાનિક કોમ્યુનિટી સાથે એકરસ થવા સાથે વેલ્સની સફળતા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. આ ઉજવણી કાર્ડિફનો પોતાનું ઘર માનતા ભારતીય સમુદાયના મૂલ્યો અને સંસ્કૃતિની કદર કરવાની લોર્ડ મેયરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


comments powered by Disqus