કોંગ્રેસ ટીવી ચેનલ લોન્ચ કરશે!

Tuesday 18th August 2015 15:44 EDT
 

રાજકીય પક્ષોની સારીનરસી છાપ માત્ર ટીવી ચેનલો થકી ઊભી થતી હોય છે એવી માન્યતામાં હવે કોંગ્રેસ પક્ષ પણ લપેટાયો હોય તેવું લાગે છે. કોંગ્રેસે જનસંપર્ક વધારવા ટીવી ચેનલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતમાં ટીવી ચેનલોની તો ભરમાર છે જ અને હવે તેમાં કોંગ્રેસ પોતાની ચેનલ ઉમેરવા માગે છે, જે દર્શાવે છે કે દેશના સદીપુરાણા પક્ષને બીજી ચેનલો પર ભરોસો નથી. અલબત્ત, કોંગ્રેસના ઇરાદાથી એક બીજી વાત એ પણ ફલિત થાય છે કે લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય સહન કરનાર પક્ષને ફરી ચેતનવંતો કરવા, પાયાના કાર્યકરોમાં જુસ્સો લાવવા અને નવી રણનીતિ પર કામ કરવા મોવડીઓ કામે લાગ્યા છે.
મોવડીઓ કોંગ્રેસને ફરી બેઠી કરવા સક્રિય થયા છે તે સારું છે, પણ તેમણે સમજવું રહ્યું કે દસકા સુધી શાસન કરવામાં સફળ રહેલો પક્ષ જનતા સાથે સંપર્ક જાળવવામાં નિષ્ફળ રહ્યો છે. લોકસભા ચૂંટણીના ૧૪ માસ પછી પણ પક્ષે પરાજયના કારણ શોધ્યા નથી તે દર્શાવે છે કે નેતાગીરીને પોતાની ખોડ ધ્યાને આવી નથી. છએક વર્ષ પહેલાં લોકસભા ચૂંટણીમાં ૨૦૬ બેઠકો જીતનાર પક્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં માત્ર ૪૪ બેઠકોમાં જ સમેટાયો છે.
પરાજય ભલે કોંગ્રેસનો થયો, પણ તેના સૂચિતાર્થ દરેકને લાગુ પડે છે. દરેક પક્ષે સમજવું રહ્યું કે ચૂંટણીમાં જીતવું હશે તો લોકો સાથે જોડાયેલાં રહેવું પડશે, લોકોની સમસ્યાને સમજવી પડશે અને તેને નિવારવી પણ પડશે. જો કોઇ પક્ષ કે તેનો કાર્યકર પ્રજા સાથે જોડાયેલો હશે તો તેની સંવાદિતા પણ રહેવાની જ, પછી તેને ટીવી ચેનલ કે એવા કોઇ માધ્યમની જરૂર જ નહીં રહે. નેતાઓએ સમજવું રહ્યું કે ટીવી ચેનલો થકી જ કોઇનું વ્યક્તિત્વ ઉભરતું હોત કે સમેટાતું હોત તો દેશનું રાજકારણ ક્યારનું બદલાઇ ગયું હોત. ટીવી ચેનલનો માલિક પ્રજાનો સૌથી મોટો નેતા હોત, પરંતુ વાસ્તવિક્તા અલગ છે. કોંગ્રેસ ટીવી ચેનલ ભલે લોન્ચ કરે, પણ તેણે યાદ રાખવું રહ્યું કે પક્ષને ફરી બેઠો કરવો હશે તો સેટેલાઇટ સિગ્નલ દ્વારા નહીં, સીધા જનસંપર્ક દ્વારા લોકોના સાથે દિલ સાથે નાતો જોડવો પડશે.


comments powered by Disqus