અબુ ધાબી-દુબઈઃ યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વના ઝીરો કાર્બનસિટી ગણાતાં મસદરમાં આયોજિત બિઝનેસ સમિટમાં રોકાણકારોને ભારતમાં મૂડીરોકાણનું આહવાન કરતાં કહ્યું હતું કે ભારતમાં એક ટ્રિલિયન યુએસ ડોલરનાં રોકાણની તકો છે.
ભારત વિપુલ તકોની ભૂમિ છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ભારતની ૧૨૫ કરોડની જનતા ફક્ત એક બજાર નહીં, પરંતુ મહાન શક્તિ છે. ભારત અને યુએઈ વચ્ચે ૭૦૦ ફ્લાઇટ ઉડે છે, પણ ભારતીય વડા પ્રધાનને યુએઈની મુલાકાતે આવતાં ૩૪ વર્ષ લાગી ગયાં છે.
પ્રવાસના અંતિમ ચરણમાં દુબઇસ્થિત ભારતીય સમુદાયને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મારા પ્રવાસમાં વિશ્વાસનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભરોસો મૂડી છે. આજે હું થોડાક કલાકોની મારી મુલાકાત પછી કહી શકું છું કે ભારત, અબુધાબી, દુબઈ, અમિરાત વચ્ચે બનેલો વિશ્વાસનો સેતુ અભૂતપૂર્વ છે. આવનારી પેઢીઓ સુધી કામ લાગે તેવો પાયો બન્યો છે. તમને જાણીને ખુશી થશે કે ક્રાઉન પ્રિન્સે હિન્દુસ્તાનમાં ૪.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો સંકલ્પ કર્યો છે.
યુએઈ મુલાકાતના બીજા દિવસે સોમવારે વડા પ્રધાને સ્માર્ટ સિટી મસદરમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારની સવારી માણી હતી. બાદમાં મોદીએ વિઝિટ બુકમાં લખ્યું હતું કે ‘વિજ્ઞાન એ જ જીવન છે’. વડા પ્રધાને સંદેશા બાદ ડિજિટલ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બિઝનેસ સમિટમાં મોદીએ યુએઈના રોકાણકારોને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આહવાન કરી મુશ્કેલીઓ દૂર કરવાનું વચન આપ્યું હતું.
બિઝનેસ સમિટ બાદ યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથેની મંત્રણામાં વડા પ્રધાન મોદીએ સુરક્ષા અને વેપાર સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક મંત્રણા કરી હતી. બંને નેતાઓ આર્થિક સહકાર માટે વણખેડાયેલી તકો પર કામ કરવા સંમત થયા હતા.
યુએઇ મિની ઇંડિયા
વડા પ્રધાન મોદી રવિવારે બપોર બાદ મિડલ ઇસ્ટમાં મહત્ત્વના યુએઇની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ૧૯૮૧માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી બાદ ૩૪ વર્ષ પછી યુએઈના પ્રવાસે પહોંચનાર મોદી પહેલા ભારતીય વડા પ્રધાન હતા.
અબુ ધાબીમાં યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને તેમનું સ્વાગત કર્યું હતું. અબુ ધાબીમાં પગ મૂકતાં જ મોદીએ અંગ્રેજી અને અરબીમાં ટ્વિટ કરી જણાવ્યું હતું કે હેલો યુએઈ... આ મુલાકાત માટે હું ઘણો આશાવાદી છું. ભારતના સુરક્ષા, ઊર્જા અને આર્થિક હિતો માટે ગલ્ફ દેશ ઘણો મહત્ત્વનો છે.
સંબંધ મજબૂત બનાવવાની તક
‘ખલીજ ટાઇમ્સ’ને આપેલી મુલાકાતમાં મોદીએ જણાવ્યું કે આતંકવાદ અને ઉગ્રવાદ સહિત સંરક્ષણ અને વ્યૂહાત્મક પડકારો સામે બંને દેશોનાં સમાન હિતો છે, તેથી બંને દેશો માટે દરેક મામલા અગ્રતા ધરાવે છે. યુએઈના વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદે એક લેખમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં યુએઈ માટે ભારત ટોચની પ્રાથમિકતા છે. આતંકવાદ સામેની લડાઈમાં સંરક્ષણ સહકાર વધારવા બંને દેશો સામે અદ્ભુત તક છે.
દાઉદની સંપત્તિ અંગે કાર્યવાહી
યુએઇમાં દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ જપ્ત થઇ શકે છે. ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલે સોમવારે યુએઇના સત્તાધિશોને દાઉદની સંપત્તિની માહિતી ધરાવતું ડોઝિયર સુપ્રત કર્યું હતું. સામા પક્ષે યુએઇએ પણ ભારતને દાઉદ વિરુદ્ધ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.
ભારત-યુએઇએ આતંકવાદ સામે સાથે મળી લડવાનો સંકલ્પ કરતાં સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશ આતંકવાદને વાજબી ઠેરવવા ધર્મના ઉપયોગને વખોડી કાઢે છે. બંને દેશ કોઇ પણ દેશ વિરુદ્ધ અન્ય દેશ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપતા પ્રયાસોને પણ વખોડી કાઢે છે.
મોદી પહોંચ્યા લેબરકેમ્પમાં
મોદીએ અબુ ધાબીમાં ભારતીય કામદારોના રેસિડેન્સિયલ કેમ્પની મુલાકાત લીધી હતી. કેમ્પમાં ૨૮,૦૦૦ ભારતીય કામદારો વસવાટ કરે છે. મોદીએ ૩૦૦ જેટલા ભારતીયો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
દુબઈથી પાકિસ્તાન પર નિશાન
વડા પ્રધાન મોદીનો યુએઇમાં સોમવારે છેલ્લો કાર્યક્રમ હતો. દુબઇ ક્રિકેટ સ્ટેડિયમમાં ૫૦ હજાર ભારતીયોને તેમણે સંબોધ્યા હતા. યુએઇ સરકારે ક્રિકેટ સ્ટેડિયમમાં કોઇ રાજકીય કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
વડા પ્રધાનના ૪૫ મિનિટના પ્રવચનમાં સ્પષ્ટ જણાતું હતું કે તેમના નિશાન પર પાકિસ્તાન હતું. તેમણે કહ્યું હતું કે આજે અમિરાત અને ભારત તરફથી આતંકવાદ વિરુદ્ધ સ્પષ્ટ શબ્દોમાં સંકેત અપાયા છે. ત્રાસવાદ વિરુદ્ધ એકતાનો સૂર આ ધરતી પરથી ઊઠ્યો છે. સમજનારા સમજી જશે... બુદ્ધિશાળીને ઈશારો પૂરતો છે. આજે દુનિયા ત્રાસવાદનું નામ સાંભળતા ધ્રુજી ઊઠે છે. હું દુનિયાને કહું છું કે અમે હિન્દુસ્તાનના લોકો ચાલીસ-ચાલીસ વર્ષથી ત્રાસવાદના શિકાર છીએ.
વડા પ્રધાને પુરોગામી યુપીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે અગાઉના લોકો મારા માટે ઘણું કામ છોડીને જતા રહ્યા. આથી ઘણા સારા કામ કરવાનું નસીબ મળ્યું, તેમાં અબુ ધાબી અને દુબઈની મુલાકાત પણ સામેલ છે. આ ધરતીની પહેલી મુલાકાત છે. ૩૪ વર્ષ પછી વડા પ્રધાન તરીકે કોઈ આવે તો કોઈને નારાજ થવાનો હક છે, પરંતુ ક્રાઉન પ્રિન્સ તમામ પાંચ ભાઈ સાથે એરપોર્ટ આવ્યા. આ પ્રેમ, સન્માન કોઈ વ્યક્તિને નથી, ભારતની બદલાતી તસવીરનું સન્માન છે.
ભારતીયોને ‘મદદ’
તેમણે ભારતીય સમુદાયને કહ્યું કે હું અબુધાબી આવ્યો, દુબઈ આવ્યો તો કેટલીક વાતો મારાં ધ્યાનમાં આવી. તેના વિશે પણ હું કંઈક કહેવા માગું છું. કોન્સલ વિશે તમારી ફરિયાદો રહે છે, પણ હવે ભારત સરકારે ‘મદદ’ નામનું પ્લેટફોર્મ બનાવ્યું છે. તેનો ઉપયોગ દુનિયાભરમાં ફેલાયેલાં આપણા ભારતીય ભાઈ-બહેનો કરી શકે છે. જેના કારણે તમારી વાત આગળ વધી શકે છે. મોબાઇલ ફોનથી પણ તમે તેમનો સંપર્ક કરી શકો છો.
આ જ પ્રકારે ઈ-માઇગ્રેન્ટ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં પ્રવાસી ભાઈ-બહેનોને સમસ્યા હોય તો તેમણે ઇમિગ્રેશન ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. તેઓ પોર્ટલ ઉપર વાત કરીને મદદ મેળવી શકે છે.
વિદેશમાં ભારતીય ભાઇઓ ક્યારેક મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કોઇ પરિવાર મુસીબતમાં આવી જાય તો તેમની મદદ માટે ઇન્ડિયન કોમ્યુનિટી વેલફેર ફંડ ઊભું કરાયું છે. કોઇ મુશ્કેલીમાં ફસાઇ જાય તો કાયદાની મર્યાદામાં રહીને તેની મદદ લઇ શકે છે.
તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ગમે ત્યાં મારા ભારતવાસી હોય... અમે પાસપોર્ટનો રંગ નથી જોતા. આપણા લોહીનો રંગ પૂરતો છે. ધરતી સાથેનો સંબંધ પૂરતો છે.
યુએઇમાં પહેલું મંદિર BAPSનું
યુએઇમાં સૌથી પહેલું મંદિર અબુ ધાબીમાં સ્થપાશે અને તેની સ્થાપના બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારણ સંસ્થા (BAPS) દ્વારા થશે. BAPSના સંતો દ્વારા મંદિર માટે જગ્યા મેળવવા અબુ ધાબીના શાસકો સાથે ચર્ચા ચાલતી હતી. આ દરમિયાન સોમવારે વડા પ્રધાન મોદીની યુએઇ મુલાકાત દરમિયાન જગ્યા ફાળવણીની જાહેરાત દુબઇના ક્રાઉન પ્રિન્સે કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે ભારત માટે આ સૌથી મોટી ભેટ છે.