સચ્ચિદાનંદગિરિ, રાધેમા, સારથિબાબા... આ નામો જ કંઇક એવા પ્રભાવશાળી છે કે જે વાંચતા કોઇ પણ હિન્દુ આસ્તિકના અંતરમનમાં શ્રદ્ધાની સરવાણી વહેવા લાગે. વીતેલા પખવાડિયે સંસદગૃહમાં શાસક-વિપક્ષની રાજકીય બથંબથી, સૂત્રોચ્ચારના ભરપૂર અહેવાલો વચ્ચે પણ આ નામો ભારતીય અખબારોમાં છવાયેલા રહ્યા. ના, હિન્દુ પરંપરાની ધર્મધજાને વધુ ઊંચાઇએ લહેરાવવા માટે નહીં, પણ સૈકાઓ જૂની પરંપરા ખરડાય તેવા કૃત્યો કરવા બદલ. આ ત્રણેય વ્યક્તિ કોઇ પણ ધર્મના ગુરુને લેશમાત્ર શોભે નહીં એવા કારણસર સમાચારોમાં છવાયેલા રહ્યા છે.
સચ્ચિદાનંદગિરિનું પૂર્વાશ્રમનું નામ સચીન દત્તા છે ને ઉત્તર પ્રદેશના નોઇડાના વતની છે. ખરડાયેલો ભૂતકાળ ધરાવતા સચીન દત્તા ડિસ્કો થેક અને બિયર બાર ચલાવતા હતા અને રિઅલ એસ્ટેટનો બહોળો કારોબાર પણ હતો. એકાએક એમણે ભગવા ધારણ કર્યા. અહીં સુધી તો બરાબર છે, પણ સાધુ બન્યાના ગણતરીના કલાકોમાં અગ્નિ અખાડાના મહામંડલેશ્વર પણ બની ગયા. સામાન્ય સંજોગોમાં આ સ્થાન પર પહોંચતા સાધુને વર્ષો લાગી જતા હોય છે. આ માટે લાંબી તપસ્યાના અનેક કોઠા ભેદવા પડે છે. આ માટે વ્યક્તિએ વાનપ્રસ્થ આશ્રમના નિયમો પાળવા પડે છે. શાસ્ત્રો-વેદો-પુરાણોનો ઊંડો અભ્યાસ કરવો પડે છે. દીક્ષા બાદ અખાડામાં સેવા કરવી પડે છે. અને આ સમગ્ર સમયગાળા દરમિયાન અખાડાના મુખ્ય સંતોની સમિતિ એમના પર નજર રાખે છે. તમામ માપદંડોમાં પાર ઉતરનાર સાધુ મહામંડલેશ્વર બનતા હોય છે. પણ સચ્ચિદાનંદગિરીને વગર તપસ્યાએ મહામંડલેશ્વરનું પદ મળી ગયું. સચીન દત્તામાંથી સચ્ચિદાનંદગિરી બનેલા ‘સંન્યાસી’એ જે પ્રકારે ખેલ પાડ્યો તેનાથી એટલો હોબાળો થયો કે રાતોરાત તેમનું પદ છીનવી લેવાયું. આનો અર્થ તો એવો થઇ શકે કે સાધુ સમાજમાં બહુ આદર-સન્માન ધરાવતા મહામંડલેશ્વરના પદ માટે પણ બાંધછોડ થાય છે.
સચ્ચિદાનંદગિરીનું પ્રકરણ ટાઢું નહોતું પડ્યું ત્યાં ‘રાધેમા’ ચમક્યાં. ભક્તોને ભોળવવામાં તો રાધેમા સચ્ચિદાનંદગિરીથી પણ ડગલું આગળ છે. પંજાબનાં મુકેરિયા ગામની સામાન્ય પરિવારની સુખવીન્દર કૌર મુંબઇ આવીને રાધેમા બને છે ને તેના નસીબ આડેથી જાણે પથરો હટી ગયો. જાતે બની બેઠેલાં ‘રાધેમા’ સામે દહેજ ઉત્પીડનથી લઇને અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે. રાધેમા વેસ્ટર્ન સ્ટાઇલના વસ્ત્રો પહેરીને ફિલ્મી ગાયનો પર ડાન્સ કરતાં હોય તેવી વીડિયો-ક્લીપે આજકાલ યુટ્યુબ પર ભારે ધૂમ મચાવી છે. ‘ભક્તિ’માં ઓતપ્રોત અનુયાયીઓ રાધેમાને ભેટી શકે છે, તેડી શકે છે, અરે... કિસ પણ કરી શકે છે! હાથમાં ત્રિશુલ સાથે અદ્દલ દેવીમાના રંગઢંગ સાથે લક્ઝુરિયસ જીવન વીતાવતાં રાધેમાની સંપત્તિનો આંકડો આશરે રૂ. ૧૦૦૦ કરોડને આંબતો હોવાનું મનાય છે. તેમના બંગલોની કિંમત જ રૂ. ૨૫૦ કરોડ છે. રાધેમા ભલેને શોર્ટ સ્કર્ટ, ટોપ અને માથે ટોપી પહેરીને ફિલ્મી ગીત પર ડાન્સ કરતાં, ભક્તોને કોઇ વાંધો નથી. ઊલ્ટાનું તેઓ કહે છે કે - આ તેમની અંગત જિંદગી છે. કોઇને તેમની અંગત જિંદગીમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી... આને ભક્તોની રાધેમા પ્રત્યેની શ્રદ્ધા કહેવી કે આંધળી શ્રદ્ધા એ તમે જ નક્કી કરી લેજો. રાધેમાના અનુયાયીઓ અભણ કે અબૂધ છે એવું પણ નથી. ઉચ્ચ શિક્ષિત શહેરીજનો, માલેતુજારોથી માંડીને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ પણ તેમની સાથે ફોટો પડાવીને હરખાય છે. રાધેમા કહે છે કે ‘ભગવાન સાથે મારી વાત થઇ ગઇ છે... તેઓ મારો ન્યાય કરશે’.
રાધેમાનું પ્રકરણ ટાઢું નહોતું પડ્યું ત્યાં ઓડિશાના કેન્દ્રપાડાના સારથિબાબા આવ્યા. પોતાને ભગવાન કૃષ્ણનો અવતાર ગણાવીને (પાખંડ) ‘લીલા’ આચરતા આ બાબા હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેમની સામે ઇંડિયન પિનલ કોડની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ૪૮ વર્ષના સારથિબાબા ઉર્ફે સંતોષ રોઉલને હૈદરાબાદની હોટેલમાં ચિકન - દારૂની મિજબાની માણતા નિહાળ્યાનો તેમની જ એક ભૂતપૂર્વ ભક્તનો દાવો છે. તપાસમાં બાબાની અઢળક સંપત્તિ, અનેક બેન્ક એકાઉન્ટ્સની વિગતો ઉપરાંત તેમની પાપલીલા પણ ખુલી પડી છે. બાબા રોજ રાત્રે સુંદર સ્ત્રીઓ પાસે પલાન્કા સેવા (પલંગ સેવા) કરાવતા હતા. બાબા અનંત નાગ પલાન્કા (શેષનાગનો આકાર ધરાવતા પલંગ) પર લંબાવે કે સુંદર યુવતીઓ તેમની ‘સેવા’ કરવા લાગે તો કેટલીક દેવદાસી નૃત્ય કરીને તેમનું મન બહેલાવે. રાત્રે ૧૧ વાગ્યે શરૂ થતી સેવા સવારના ચાર વાગ્યા સુધી ચાલે. ‘સેવા’ માટે બાબા ખુદ યુવતીઓને પસંદ કરતા હતા!
એક કિસ્સો ઉત્તર પ્રદેશનો છે, બીજો પંજાબનો છે અને ત્રીજો ઓડિશાનો છે. રાજ્યો ભલે અલગ અલગ હોય, દિશાઓ ભલે જુદી જુદી હોય, પણ ત્રણેય કિસ્સામાં એક વસ્તુ સમાન છે - ધર્મપ્રેમીઓની (અંધ) શ્રદ્ધા. સચ્ચિદાનંદગિરિ, રાધેમા અને સારથિબાબાએ તો પોતાના વ્યવહાર-આચરણથી હિન્દુ ધર્મની ગરિમા ઘટાડી જ છે, પરંતુ એવા લોકો પણ ઓછા દોષિત નથી જેમણે તેમને સન્માનનીય બનાવ્યા છે, પૂજનીય બનાવ્યા છે, ઇશ્વર જેવો દરજ્જો આપ્યો છે. આમ વાંક આપણો - સમાજનો - પણ છે. શ્રદ્ધામાં વહી જઈને આપણે જ ખોટા લોકોને પ્રોત્સાહન આપીએ છીએ. આ ત્રણ કિસ્સા તો હિમશીલાની ટોચ સમાન છે. શું ભારત કે શું બ્રિટન - ધર્મના નામે ધતીંગ કરનારાં આવા અનેક પાખંડી સમાજમાં ફરતા જ હોય છે. આપણે આંખ-કાન, આપણી વિવેકબુદ્ધિના દરવાજા ખુલ્લા રાખવા રહ્યા. અને છેલ્લે... રાધેમા મંત્ર-તંત્રની ગૂઢ વિદ્યાના જાણકાર હોવાનું કહેતાં તેમના ભક્તોના મોઢાં સુકાતા નથી, પણ રાધેમા જો ખરેખર ગૂઢ વિદ્યાના આવા જ જાણકાર હોય, દૈવી અવતાર હોય તો તે પોતાની તપાસ કરતાં પોલીસ અધિકારીઓને ચકલી કેમ બનાવી દેતાં નથી કે તેમની સામેના કેસના કાગળિયાંને બગલાં બનાવીને કેમ ઉડાડી મૂકતાં નથી?! કે...મ કે જંતરમંતર જેવું કંઇ હોતું જ નથી. ‘ગુજરાત સમાચાર’એ આથી જ તો જંતરમંતરના નામે લોકોને ઠગતાં તાંત્રિકો, ભૂવા-જાગરિયાઓની જાહેરખબરોનું પ્રકાશન ત્રણ વર્ષથી બંધ કર્યું છે.