શ્રીલંકાએ ભારતના હાથમાંથી વિજય ખૂંચવ્યો

Wednesday 19th August 2015 09:19 EDT
 
 

ગાલેઃ મેન ઓફ મેચ ચંદીમલના લડાયક ૧૬૨ રન બાદ સ્પિનર રંગાના હેરાથે ૪૮ રનમાં સાત વિકેટ ઝડપતાં શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત સામે ૬૩ રને શાનદાર વિજય મેળવ્યો હતો. યજમાન ટીમે આપેલા ૧૭૬ રનના આસાન લક્ષ્યાંક સામે ભારતનો બીજો દાવ માત્ર ૪૯.૫ ઓવરમાં ૧૧૨ રનમાં સમેટાયો હતો. આ વિજય સાથે શ્રીલંકાએ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ મેળવી છે.
ભારતે ચોથા દિવસે વિજયના લક્ષ્ય સાથે એક વિકેટે ૨૩ રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું. આ સમયે હેરાથે ઇશાન્તને (૧૦) આઉટ કરીને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી હેરાથે રોહિત શર્માને (૪) બોલ્ડ કર્યો હતો. પ્રથમ દાવમાં સદી ફટકારનાર કોહલી ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ધવન (૨૮) થોડોક સંઘર્ષ કર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સાહા (૨) રહાણે પણ ૩૬ રન કરીને કેચઆઉટ થયો હતો.
ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર શ્રીલંકાનો દાવ માત્ર ૧૮૩ રનમાં સમેટાયો હતો. અશ્વિને વેધક બોલિંગ કરતાં ૪૬ રનમાં છ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે કોહલી અને ધવનની સદી સાથે ૩૭૫ રન કરીને શ્રીલંકા પર સરસાઇ મેળવી હતી. શ્રીલંકાએ બીજા દાવમાં ૩૬૭ રન કરતાં ભારતને વિજય માટે માત્ર ૧૭૬ રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જોકે હેરાથના સ્પીન આક્રમણ સામે ટીમ ઇંડિયાએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.


comments powered by Disqus