વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવમાત્ર પ્રેમ કરે છે, ઝંખે છે, અને તે માટે ટળવળે છે. કહેવાય છે કે આપણા તમામ દેવીદેવતાઓમાં શ્રીકૃષ્ણની ભક્તિ માટે સૌથી વધુ ગીત, ભજન, સ્તુતિ કે પ્રાર્થના રચાયા છે. મારો વ્હાલો કામણગારો કૃષ્ણ... કંઇ સાવ નિરર્થક કહેવાયું નથીને? પ્રેમના પ્રકારો પણ અનેક છે. બાળસહજ પ્રેમ, નિર્દોષ પ્રેમ (જોકે સાવ સંપૂર્ણ નિર્દોષ પ્રેમ અસંભવ છે), પુરુષ-સ્ત્રીનો પ્રેમ, ગ્રાહક-વેપારી વચ્ચેનો પ્રેમ, ગુરુ-શિષ્ય વચ્ચેનો પ્રેમ, પરિવારજનોનો પ્રેમ...
ધનલોભીનો પ્રેમ, ખુશામતખોરોનો પણ પ્રેમ, અને... શઠ કે તકવાદીઓ તો તેમની પોતીકી રીતે પ્રેમમાં સતત પરોવાયેલા હોય જ છે. ખંધા અને ખતરનાક ‘પ્રેમ’ પ્રત્યે પ્રકોપ પ્રકટ કરવો એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે.
મારા વ્હાલા વાચકો, આટલું વાંચતા વાંચતા કદાચ વિચારતા થઇ ગયા હશો કે આજે આ સી.બી.ને થઇ શું ગયું છે? મિત્રો, હું માત્ર પ્રેમલા-પ્રેમલીઓની વાત કરતો નથી. જોકે એનો મતલબ એવો પણ નથી કે પ્રેમલા-પ્રેમલીની વાતો પ્રત્યે નાકનું ટેરવું ઊંચું ચઢાવવું. પ્રત્યેક જીવ સાથે તેના ઉદ્ભવથી જ, જન્મથી જ, જગતનિયંતાએ જે તત્વનું સર્જન કર્યું છે તે કંઇ સાવ ફેંકી દેવાની બાબત તો નથી જ. અઢી અક્ષરના આ શબ્દની તાકાતથી ભલા કોણ અજાણ હશે?! હું સાચે જ આપ સૌનો એટલો બધો પ્રેમ અને તે દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરું છું કે તેની અભિવ્યક્તિ કરવા માટે કોઇ શબ્દો પણ મળતા નથી. પ્રકાશક-તંત્રી હોવાના નાતે આ રીતે ‘જીવંત પંથ’માં પ્રેમ પ્રકટ કરવા માટે, આ સુવિધા બક્ષવા માટે હું આપ સહુનો ઊંડા અંતઃકરણથી આભારી છું. પ્રકાશન વ્યવસાયમાં પ્રવેશ્યો તે અગાઉ પણ મારા પરિવારજનો સાથેના, ખાસ કરીને માતા સાથેના, પત્રવ્યવહારમાં એક યા બીજી રીતે હું કલમ ચલાવતો ત્યારથી પ્રેમની સરવાણી વહેતી રહી છે. આપ સહુ પણ પોતપોતાની રીતે કલમ ચલાવો, આંગળીઓ ચલાવો કે જીભ ચલાવો, પણ પ્રેમ પ્રગટ કરતાં રહો તો આપમાંનો માંહ્યલો જરૂર વધુ શાતા પ્રાપ્ત કરશે એવું હું માનું છું, એવું હું અનુભવું છું.
આગળ વધતાં પહેલાં મારા માનવંતા વાચકો, છેલ્લા નવેક દિવસની મારી નોંધપોથી પર નજર નાખી લેવાની મંજૂરી આપો. જોકે આ પણ શબ્દનો એક દુરુપયોગ જ છે! લખવા બેઠો છું અથવા તો લખાઇ જ રહ્યું છે ત્યારે આપ નામંજૂરી કેવી રીતે મને પાઠવી શકો તે પણ પ્રશ્ન તો ખરો જ ને? ખેર, ચાલો, આગળ વધીએ...
આઠમી ઓગસ્ટે, શનિવારે સાંજે અલ્પર્ટન નજીક ક્લે ઓવન બેન્કવેટીંગ હોલમાં દારે-સલામ તેમ જ ટાંઝાનિયાના ૪૦૦ જેટલા મિત્રો ‘દાર રિ-યુનિયન’ના ઉપક્રમે પાંચેક કલાક પ્રીતિભોજન માટે એકત્ર થયા હતા. સહુએ ખાધું, ખૂબ પીધું અને કેટલાકે ભૂલી બીસરી યાદ જેવા ગીતોની સૂરિલી ધૂન પર ઝૂમવાનો લ્હાવો પણ લીધો.
રવિવારે, નવમી ઓગસ્ટે મને નિસ્ડન સ્વામીનારાયણ મંદિરમાં એક ભવ્ય કાર્યક્રમ નિહાળવાનો લાભ મળ્યો. સોમ-મંગળવારના દિવસ તો કાર્યાલયમાં જ પસાર થયા, પણ મંગળવારની સાંજ ઢળતાં જ બંદા તૈયાર થઇને પહોંચ્યા સત્તાવીશ ગામ પાટીદાર સેન્ટરમાં. પ્રસંગ હતો લંડન પ્રવાસે આવેલા ચારુસેટ યુનિવર્સિટીના
ડો. એમ. સી. પટેલના સન્માન સમારંભનો. પટેલસાહેબ છેલ્લા ૩૧ વર્ષથી શિક્ષણના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે મહામૂલું યોગદાન આપી રહ્યા છે. વલ્લભ વિદ્યાનગર અને નડિયાદ વચ્ચેના ગ્રામીણ વિસ્તારમાં સાયન્સ, ટેક્નોલોજી અને એવા ખૂબ અગત્યના વિષયોને કેન્દ્રમાં રાખીને ચારૂસેટનું એક ભવ્ય તથા અદ્યતન શિક્ષણ સંકુલ ઊભું થયું છે અને વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે.
અન્ય કાર્યક્રમોની વાત કરું તો, અનુપમ મિશનના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહી શક્યો. ૧૪મી ઓગસ્ટ, શુક્રવારે સાંજે ટ્યુબ-બસમાં ટ્રાવેલ કરતાં કરતાં મધરાત્રે ઘરે પહોંચ્યો. નિત્ય નિયમ પ્રમાણે દિવસ આટોપતો હતો ત્યાં ૬૯મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ યાદ આવ્યું કે આ વખતે તો પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ પણ સ્વાતંત્ર્ય પર્વથી થઇ રહ્યો છે. એક રાષ્ટ્રીય પર્વ તો બીજું ધાર્મિક પર્વ. રાષ્ટ્ર અને ધર્મ - માનવજીવન માટે આ બન્ને પરિબળો એક સિક્કાની બે બાજુ જેવા છે.
શનિવાર, સ્વાતંત્ર્ય દિને મધ્ય લંડનમાં ટેવીસ્ટોક સ્કેવરમાં ધ્વજવંદન બાદ ગોઅન (Goan) સમાજની એક લંચ સભા તેમજ અનુપમ મિશનના અપ્રતિમ ધ્વજવંદનમાં ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો.
શુક્રવારે રાત્રે પથારીમાં કમર લાંબી કરી ને હાથ લંબાવ્યો તો બેડસાઇડ બુકશેલ્ફમાંથી પુસ્તક હાથમાં આવ્યું ‘પ્રેમતીર્થ’. નરેન્દ્ર મોદી હવે દેશદેશાવરમાં ડંકો વગાડે છે, પણ વડા પ્રધાન થયા તે પૂર્વે તેઓ મુખ્ય પ્રધાન હતા. અને તેની પણ પૂર્વે સંઘ પરિવારના પ્રચારક હતા. તે અરસામાં તેમણે કવિતાઓ, ગીતો, વાર્તાઓ, જીવનવૃતાંતો કાગળ પર ઉતાર્યા હતા, જે બાદમાં પુસ્તકસ્વરૂપે પ્રકાશિત થયા છે. આમાંના નવેક પુસ્તકો મારી પાસે છે. આમાંથી નવલિકાસંગ્રહ ‘પ્રેમતીર્થ’ પ્રકાશિત કરીને પ્રવીણ પ્રકાશન અને સવિશેષ શ્રી ગોપાળભાઇ પટેલે ખૂબ સુંદર સેવા કરી છે. બધા જ પ્રકાશકો લેખકો-કવિઓ, સર્જકોના સર્જનને લોકો સુધી પહોંચાડીને ખૂબ ઉમદા પ્રવૃત્તિ કરી રહ્યા છે. જોકે આમાં પણ મેળવવા કરતાં અર્પણ કરવાની ભાવનાને પ્રાધાન્ય આપતા પ્રકાશકોને, વિશેષતઃ પ્રવીણ પ્રકાશનને ઝાઝેરા ઝુહાર...
‘પ્રેમતીર્થ’ નરેન્દ્ર મોદીએ અર્પણ કર્યું છે, ‘દિવ્યપુંજ રૂપ સમસ્ત માતૃશક્તિના શ્રીચરણોમાં’. અને પ્રસ્તાવના જેવા લેખમાં તેમણે ઉમેર્યું છેઃ
વાચક મિત્રો,
ન તો આ પુસ્તક પ્રેમતીર્થ છે,
ન આ તો પ્રેમતીર્થનું સરનામું છે.
પ્રેમતીર્થ કોઇ સ્થપતિએ નિર્માણ કરેલું સ્થળ નથી.
પ્રેમતીર્થ આપની ભીતર વસે છે.
આ પુસ્તકમાં ‘ઝંખના’, ‘વ્હાલી દીકરી ભોલુ’, ‘ખાંભી’, ‘રૂમ નંબર નવ’, ‘દીવો’, ‘સેતુ’, ‘લાગણીની વાવણી’ અને ‘અનુરાગનો પુનર્જન્મ’ એમ ન.મો. લિખિત કુલ આઠ વાર્તાઓ પ્રકાશિત થઇ છે. આ પુસ્તકની વધુ નોંધપાત્ર બાબત એ છે કે દરેક વાર્તાની સાથે રસદર્શન કરાવતી ટિપ્પણી પણ છે. આ રસદર્શન દિનકર જોષી, રજનીકુમાર પંડ્યા, હસમુખ રાવળ, બળવંત જાની, બિપીન આશર, કેશુભાઇ દેસાઇ અને પ્રિયકાન્ત પરીખની કલમ કરાવે છે. સાચે જ આ લેખકોએ સંક્ષિપ્તમાં, પણ સુંદર રસદર્શન કરાવ્યું છે.
વાચક મિત્રો, વાત મેં માંડી હતી પ્રેમ સગાઇની. ચાલીસેક વર્ષ પૂર્વે એક સમયે સંઘ પરિવારના સભ્યોના ઘરે ઘરે જઇને પેટપૂજા સાથે જ સંદેશ પ્રસારણ કરતો નરેન્દ્ર મોદી નામનો રાષ્ટ્રપ્રેમથી ભર્યો ભર્યો એક યુવક શું વિચારતો હશે? ક્યા મંથનમાં મશગુલ હશે? ભાવિના આકાશમાં એ કેવા સ્વપ્નો નિહાળતો હશે? આ બધું જાણવા, સમજવા પ્રયાસ કરીએ છીએ ત્યારે એક મુદ્દો અવશ્ય ફલિત થાય છે કે આ જણ તો ચાર દાયકા પૂર્વેથી જ કવિતા, વાર્તા કે અન્ય સર્જન થકી પોતાની મનોવૃત્તિ સહજ રીતે વ્યક્ત કરવા પ્રયત્નશીલ છે. નરેન્દ્ર મોદી ‘રાષ્ટ્રીય રંગમંચ’ ઉપર પોતાનું પાત્ર બખૂબી ભજવી જ રહ્યા છેને? પાત્રને સંપૂર્ણ ન્યાય મળી રહે તે માટે તેઓ કૃતનિશ્ચયી જણાય છે. અને આ માટે તેઓ ખૂબ ખૂબ પરિશ્રમ કરતા પણ જણાય છે.
શુક્રવારે મોડી રાત્રે કે પરોઢિયે કંઇ કેટલાય ભજન, ગીત, નજર સમક્ષ તરવર્યા. ‘પ્રેમળ જ્યોતિ...’ (નરસિંહરાવ દિવેટિયા), ‘મંદિર તારું વિશ્વ રૂપાળું...(જયંતીલાલ આચાર્ય), ‘આજની ઘડી રળિયામણી...’ (નરસિંહ મહેતા), ‘ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં..!’ (મણિશંકર ભટ્ટ), ‘સબ સે ઊંચી પ્રેમ સગાઇ...’ (કબીર), ‘ધૂપસળી...’ (રામભક્ત) જોકે આ બધામાં સૌથી પ્રસંગોચિત્ત, શિરમોર સમાન ગીત મને લાગ્યું, કવિ મણિશંકર રત્નજી ભટ્ટની રચનાઃ ‘ઓ હિંદ! દેવભૂમિ!’
મારા સાથીઓને મેં વિનતી કરી છે કે આ બધા અમર ગીતો રજૂ કરીને ‘જીવંત પંથ’માં ‘જગ્યા ભરવા’નું મારું આયોજન નથી, પણ શક્ય હોય તો આવા ગીતોની નવી કટાર શરૂ કરો તો વધુ સારું. મિત્રો, જો આપને પણ આપણા કવિ, ભજનિકોના અમર વારસાની રચનાઓ યાદ હોય તો તેને ગણગણો, ગાવ, વાંચો, સાંભળો કે વાગોળો તેવું મારું નમ્ર સૂચન અસ્થાને નથી.
આગળ વધતાં પહેલાં એક નાનકડો પ્રસંગ યાદ કરું. આપ સહુને પણ અવશ્ય ગમશે. કર્મયોગ હાઉસમાં મુખ્ય પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘શક્તિ હોલ’નું લોકાર્પણ કર્યું છે તેમાં માનનીય વિરેન શાહ અગાઉ પધાર્યા હતા. પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર, મુકુંદ આયર્નના મોવડી અને ભાજપના એક વેળાના સાંસદ વિરેન શાહે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ લીધું હતું. નવાબી રાજ ભલે હતું, પણ કોમી એખલાસની બોલબાલા હતી. પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો સવારની પ્રાર્થનાવેળા મણિશંકર ભટ્ટ રચિત ‘ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં..!’ અચૂક ગાતા હતા. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સહુ પણ આપણી માતૃભૂમિની વંદના કરતી આ પ્રાર્થના શક્ય હોય તો ગાવ કે ગણગણો તેવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, ભારત માતા કી જય...જય બ્રિટન. (ક્રમશઃ)
•••
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
(- મણિશંકર રત્નજી ભટ્ટ)
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
•••
સબસે ઊંચી પ્રેમ સગાઇ
- કબીર ભજનાવલી
સબસે ઊંચી પ્રેમ સગાઇ;
દુર્યોધનકો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર પાઇ ... ટેક
જુઠે ફલ સબરીકે ખાયે, બહુવિધિ પ્રેમ લગાઇ;
પ્રેમકે બસ નૃપ-સેવા કીન્હીં, આપ બને હરિ નાયી ... ૧
રાજસુયજ્ઞ યુધિષ્ઠર કીનોં, તામેં જુઠ ઉઠાઇ;
પ્રેમકે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાયી ... ૨
ઐસી પ્રીતિ બઢી વૃન્દાવન, ગોપીન નાચ લગાઇ;
સૂર ક્રૂર ઇસ લાયક નાહીં, કહા લગે કરૌં બડાઇ ... ૩
•••