અબુધાબીઃ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ પાંચમા તથા અંતિમ દિવસે શનિવારે ૧૫ વિકેટો પડી હોવા છતાં રસાકસી બાદ ડ્રો થઈ હતી. ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે ૯૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
પ્રવાસી ટીમે મેચ જીતવા માટે ભરપૂર પ્રયાસ કર્યો હતા અને ૧૧ ઓવરમાં ચાર વિકેટે ૭૪ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ પાસે ઓવર બાકી હતી પરંતુ ખરાબ પ્રકાશના કારણે મેચ વહેલી બંધ કરી દેવામાં આવી હતી. મેચ ડ્રો થતા પાકિસ્તાની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. પાકિસ્તાનનો બીજો દાવ ૧૭૩ રનમાં સમેટાઈ ગયો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ દાવને નવ વિકેટે ૫૯૮ રનના સ્કોરે ડિકલેર કર્યો હતો અને યજમાન ટીમ સામે ૭૫ રનની સરસાઈ મેળવી હતી. પર્દાપણ ટેસ્ટ રમી રહેલા અદિલ રશિદે ૬૪ રનમાં પાંચ વિકેટ ઝડપીને પાકિસ્તાનના બીજા દાવમાં રકાસ સર્જ્યો હતો.