ચીનની અવળચંડાઇ ભારતની સમસ્યા

Wednesday 21st October 2015 05:28 EDT
 

ભારત સાથેના સંબંધોમાં ‘મિત્રતા’ના ઓઠાં તળે દુશ્મનાવટ નિભાવી રહેલા દેશોની યાદી તૈયાર કરાય તો ચીનનું નામ સૌથી પહેલું મૂકવું પડે. સત્તાવાર દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન હંમેશા ‘રાજદ્વારી ઉષ્મા’ દાખવતું રહેલું ચીન મોકો મળ્યે અવળચંડાઇ કરવાની તક ચૂકતું નથી. ભારત સાથે જોડાયેલી લદ્દાખ સરહદેથી છાશવારે ઘૂસણખોરી કરતા રહેલા ચીને હવે તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર સૌથી મોટો ડેમ ખૂલ્લો મૂકીને ભારતની ઊંઘ હરામ કરી નાખી છે.
આ ડેમના નિર્માણે પૂર્વોત્તર ભારતના મેદાની પ્રદેશમાં પૂરની સમસ્યાનો ખતરો વધારી દીધો છે. આશરે ૧.૫ બિલિયન ડોલરના ખર્ચે સાકાર થયેલા આ ડેમ પર ચીને ઝેમ હાઇડ્રો પાવર સ્ટેશનના છ યુનિટ ધમધમતા કરી દીધા છે. સ્થાનિક ભાષામાં ઝાંગ્મુ પાવર સ્ટેશન તરીકે ઓળખાતું આ વીજઉત્પાદન યુનિટ શેંહુબા ગ્રૂપ દ્વારા તૈયાર થયું છે અને તે વિશ્વનું સૌથી ઊંચું હાઇડ્રો પાવર સ્ટેશન છે. આસામમાં વર્ષ દરમિયાન બેથી ત્રણ વખત વિનાશક પૂર વડે જનજીવનને ખેદાનમેદાન કરતી નાખતી બ્રહ્મપુત્રા નદીનો એક સ્રોત તિબેટમાં છે. તિબેટમાં યારલંગ યાંગબો નામથી ઓળખાતી બ્રહ્મપુત્રા નદીના જળસ્રોતથી જ આ પાવર સ્ટેશન ધમધમે છે. બ્રહ્મપુત્રાના નીર તિબેટથી ભારત અને ભારતથી બાંગ્લાદેશ પહોંચે છે. દર વર્ષે ૨.૫ બિલિયન કિલોવોટની તોતિંગ વીજ ઉત્પાદનક્ષમતા ધરાવતું આ સ્ટેશન તિબેટની દસકાઓ જૂની વીજસમસ્યા દૂર કરશે અને બાકીનો પુરવઠો ચીનના શિન્હાઇ પ્રાંતની વીજ કટોકટી નિવારશે.
ભારતના સેંકડો પરિવારો માટે જાનમાલની ખુવારી સર્જે દે તેવી આ યોજના અંગે ચીનના સંબંધિત સત્તાધિશો સમક્ષ એકથી વધુ વખત રજૂઆત કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં ચીને તેનું ધાર્યું જ કર્યું છે. વર્ષ ૨૦૧૩માં તો આ યોજના અંગે દ્વિપક્ષી કરાર પણ થયા હતા. છેવટે ભારતને ચીનની બાંહેધરીથી સંતોષ માનવો પડ્યો છે કે પૂરની પરિસ્થિતિમાં તે ભારતને આગોતરી ચેતવણી આપશે, જેથી સાવચેતીના પગલાં લઇ શકાય. ચીનની સમયસર ચેતવણીના સંજોગોમાં અવશ્ય ભારત પગલાં લેશે, પરંતુ જો બ્રહ્મપુત્રાના ધસમસતા નીરને આકસ્મિક સંજોગોમાં ડાયવર્ટ કરાશે તો અરુણાચલ પ્રદેશનો ઉપરનો અને નીચેનો ભાગ લગભગ તબાહ થઇ જાય તેમ છે.
ચીનની અવળચંડાઇ ભારત માટે જીવલેણ સાબિત ન થાય તો સારું.


comments powered by Disqus