બૈજિંગઃ સંસ્કૃત ભાષા શીખનારાઓ ભારતમાં પણ ખૂબ ઝડપથી ઘટી રહ્યાં છે ત્યારે અન્ય દેશોમાં સંસ્કૃત ભાષા શીખનારા વધે એ વાત પહેલી નજરે સાચી ન લાગે. જોકે હકીકત એ છે કે આપણા પાડોશી દેશ ચીનમાં સંસ્કૃત ભાષા શીખવાનો ઉમળકો બૌદ્ધિક કહેવાતા લોકો દાખવી રહ્યાં છે.
ભારતમાં સતત સંસ્કૃત ભાષા જાણનારાઓનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે ત્યારે ચીનમાં થયેલી આ શરૂઆત ભારતના સંશોધકોને પણ કદાચ પ્રેરણા આપશે.
ચીનના બુદ્ધિસ્ટ ઈન્સ્ટિટયૂટના સંસ્કૃત ભાષાના પ્રોગ્રામમાં લેખકો-સાહિત્યકારો-ફિલ્મમેકર્સ-ચિત્રકારો-તબીબો વગેરેને જ સંસ્કૃત શીખવા માટે પ્રવેશ અપાય છે. એમાં આ વર્ષના કેમ્પમાં આખા ચીનમાંથી લગભગ ૩૦૦ બુદ્ધિજીવીઓએ પ્રવેશ માટે અરજી કરી હતી.
પ્રોફાઈલ અને પ્રવેશ પરીક્ષા પછી ૩૦૦માંથી ૬૦ લોકોને પ્રવેશ અપાયો છે. આ ક્રિએટિવ લોકોને ભારતના પ્રાચીન સંસ્કૃત ભાષાના શ્લોકો, સંસ્કૃતના મહાકવિઓ, સંસ્કૃત ભાષામાં રચાયેલા મહાગ્રંથોની વિગતો વગેરે શીખવાય છે.
સંસ્કૃત કઈ રીતે લખાય, કઈ રીતે તેનું અર્થઘટન થઈ શકે વગેરે બાબતો શીખવાડીને સંશોધકો-લેખકો-ફિલ્મસર્જકો પોતાનું સર્જન વધુ સજ્જ બનાવે એવો આ પ્રોગ્રામનો આશય છે.
પ્રાચીન ભારતીય યોગ અને ચિકિત્સાપદ્ધતિમાં ચીનના બુદ્ધિજીવીઓ વધુ રસ દાખવી રહ્યાં છે. આજના ઘણાં કઠીન રોગોનો ઉપચાર આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં છે એટલે એના અભ્યાસની સાથે પશ્વિમ ચિકિત્સા પદ્ધતિને જોડીને ચીનના તબીબો એવા અસાધ્ય રોગોનો ઉપચાર શોધવાના હેતુથી પણ સંસ્કૃત ભાષા શીખે છે. સંસ્કૃત ભાષા તરફ વિદ્યાર્થીઓની ઉત્સુકતા પારખીને ચીનની પેકિંગ યુનિવર્સિટીમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનો સંસ્કૃતનો કોર્ષ શરૂ થયો છે.