યુનિફોર્મ સિવિલ કોડઃ ભાજપ સરકારની ખરી કસોટી

Wednesday 21st October 2015 05:27 EDT
 

ભારત દેશ ભલે બિનસાંપ્રદાયિક રહ્યો, પણ આજે આઝાદીના ૬૮ વર્ષ પછી પણ દેશમાં સમાન નાગરિક ધારો (યુનિફોર્મ સિવિલ કોડ) અમલી બન્યો નથી તેને કમનસીબી જ ગણવી રહી. હિન્દુ સમુદાય સિવાયના લગભગ તમામ ધર્મ-સમુદાયના લોકો પોતપોતાના ધર્મ-જાતિ આધારિત પરંપરા પાળી રહ્યા છે. વિવાદ વેળા મામલો કોર્ટમાં પહોંચે છે ત્યારે - યુનિફોર્મ સિવિલ કોડના અભાવે - જે તે સમુદાયના પર્સનલ લોને નજરમાં રાખીને ચુકાદો અપાય છે. આમાં ઘણી વખત કોઇ પક્ષને અન્યાય પણ થઇ જાય છે, પરંતુ કોર્ટના હાથ પણ પર્સનલ લોથી બંધાયેલા છે.
પરંતુ ભારતમાં આજ સુધી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કેમ નથી થયો? જ્યારે જ્યારે આ મુદ્દો ચર્ચાયો છે ત્યારે ત્યારે તેને એવો રાજકીય રંગ ચઢાવાયો છે કે લઘુમતી સમુદાય ડિફેન્સીવ થઇ જાય છે. તેને લાગે છે કે, આ જોગવાઇ દ્વારા તેને આરોપીના કઠેડામાં ઉભા કરી દેવાશે. તેનો આ ડર અકારણ નથી. કેટલાંક પક્ષો આ મુદ્દાને હંમેશા એ રીતે ઉઠાવતા રહ્યા છે જાણે તેનાથી લઘુમતી સમુદાયના બંધારણીય અધિકારો છીનવાઇ જવાના હોય. ૬૮ વર્ષથી અદ્ધરતાલ, પણ દર થોડા વર્ષે કે ચૂંટણી વેળા અખબારોમાં ચમકતો રહેતો યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો છેલ્લા થોડાક દિવસથી ફરી ચર્ચામાં છે.
સુપ્રીમ કોર્ટે ભારત સરકારને પૂછયું છે કે, યુનિફોર્મ સિવિલ કોડ પર તેનું શું વલણ છે? તેનો અમલ કરવા માંગે છે કે કેમ? કોર્ટે આ સવાલ ક્રિશ્ચિયન ડિવોર્સ એકટની કલમ-૧૦-એ(૧)ને પડકારતી અરજીની સુનાવણી વેળા કર્યા છે.
યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ છે, ભારતનાં તમામ નાગરિકો માટે સમાન નાગરિક ધારો. આ પ્રકારનાં કાનૂન વિશ્વનાં મોટા ભાગનાં વિકસીત દેશોમાં અમલી છે, પરંતુ ભારતમાં અલગ અલગ ધર્મોનાં રીતરિવાજો અને પરંપરાના આધારે રચાયેલા પર્સનલ લોની બોલબાલા છે. જે ખાસ કરી લગ્ન, તલાક, વારસો અને ભરણપોષણ વગેરે જેવા મામલામાં લાગુ પડે છે. પરિણામે હિન્દુઓ માટે છૂટાછેડાની કાનૂની જોગવાઇ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પર લાગુ થતાં કાનૂનથી બિલકુલ અલગ છે.
સંવિધાનની કલમ-૪૪માં ઉલ્લેખ છે કે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તે લાગુ કરવાનું તેના માટે ફરજીયાત નહીં હોય. સરકાર માટે તેનો અમલ ભલે ફરજીયાત ન હોય, પણ સરકારે તમામ ધર્મના સૌથી નબળા વર્ગને ન્યાય અને બીજી સુવિધાઓ પહોંચાડવાનો ઉદ્દેશ નજરમાં રાખીને યુનિફોર્મ સિવિલ કોડનો એક ઢાંચો ઘડવાની કોશિશ તો અવશ્ય કરવી જ જોઇએ. અને આ માટે પહેલાં તો તમામના મનમાંથી એ આશંકા દૂર કરવી પડશે કે આ જોગવાઇનો હેતુ તેમની ધાર્મિક પરંપરાઓમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરવાનો નથી.
અત્યાર સુધી અયોધ્યામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ની નાબૂદી અને તમામ ભારતીયો માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો ગાઇવગાડીને પ્રચાર કરતા રહેલા ભાજપ માટે હવે કસોટીનો સમય છે. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે આ મુદ્દે ત્રણ સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કરવાનું છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમજીત સેન અને શિવકિર્તિ સિંહની ડિવિઝન બેન્ચે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં એવી લાગણી દર્શાવી છે કે આ મુદ્દે ભ્રમણાની સ્થિતિ છે. તેમણે સરકારને કહ્યું છે કે, જો તમે આ (યુનિફોર્મ સિવિલ કોડનો અમલ) કરવા ઇચ્છો છો તો તમારે તે કરવું જોઇએ. તમે તેનું માળખું તૈયાર કરીને તેનો અમલ કેમ નથી કરતા? આ પછી કોર્ટે સોલિસિટર જનરલને સૂચના આપી કે ત્રણ સપ્તાહમાં તમે સરકારની ઇચ્છા જાણીને કોર્ટને જણાવો.
સરકાર શું જવાબ આપશે એ તો હજુ સ્પષ્ટ થયું નથી, પણ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ કાનૂન પ્રધાન સદાનંદ ગૌડાએ એવી લાગણી વ્યક્ત કરી છે કે રાષ્ટ્રીય એકતા માટે સમાન નાગરિક સંહિતા જરૂરી છે, પરંતુ તે વ્યાપક વિચારવિમર્શ બાદ જ લાગુ કરી શકાય તેમ છે.
ધાર્મિક અને સાંસ્કૃતિક બહુવિધતા ધરાવતા દેશમાં તમામ જાતિ-સમુદાયને એકસૂત્રે બાંધવાનું કામ વિચારવિમર્શ વગર શક્ય નથી તે સમજાય તેવું છે, પણ આટલા વર્ષોમાં સરકારે યુનિફોર્મ સિવિલ કોડની રચના માટે કંઇક તો પગલાં લીધા હશે. સમાન નાગરિક ધારો રચવાનો ઉદ્દેશ બંધારણના નીતિ-નિર્દેશક તત્વોમાં સામેલ છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ પણ એકથી વધુ વખત તેની તરફેણ કરી ચૂકી છે. પરંતુ સરકાર તરફે આ મામલે અત્યાર સુધીમાં કેવા પગલાં લેવાયા છે તે જાણવા  મળતું નથી.
ખેર, સુપ્રીમ કોર્ટના આદેશે ભાજપ સરકારને એક સુવર્ણ તક આપી છે, જેનો ઉપયોગ કરીને તે યુનિફોર્મ સિવિલ કોડની રચના માટે નક્કર પગલાં લઇ શકે છે. સમાજના તમામ વર્ગોને સમાન કાયદાની છત્રછાયા તળે આવરી લઇને અનેક કાનૂની ગૂંચવણો દૂર કરી શકે છે. જો આ શક્ય બન્યું તો તે, બેશક, મોદી સરકારની સિમાચિહનરૂપ સિદ્ધિ હશે.


comments powered by Disqus