મુંબઈઃ સાઉથ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં ટીમ ઇંડિયાનો અત્યાર સુધીનો દેખાવ સાધારણ રહ્યો હોવા છતાં અંતિમ બન્ને વન-ડેની ટીમમાં કોઇ મોટા ફેરફાર કરાયા નથી. ગુજરાત સામે રવિવારે પૂરી થયેલી રણજી ટ્રોફી મેચમાં યુવરાજ સિંહે ૧૮૭ રન ફટકારતાં ટીમમાં તેના પુનરાગમનની શક્યતા હતી. જોકે પસંદગી સમિતિએ યુવરાજને નજરઅંદાજ કરવાનું મુનાસિબ માન્યું છે.
વન-ડે ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની પ્રથમ બન્ને ટેસ્ટ માટેની ટીમ પણ પસંદ કરાઇ છે. જેમાં રવીન્દ્ર જાડેજાનું પુનરાગમન થયું છે. જાડેજાનો બાંગલાદેશ, શ્રીલંકા સામેની ટેસ્ટશ્રેણીની ટીમમાં સમાવેશ કરાયો નહોતો. શ્રીલંકા સામે રમેલી ટેસ્ટ ટીમમાંથી હરભજનને સ્થાને જાડેજાને સમાવાયો છે. હરભજન શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં માત્ર એક મેચમાં રમ્યો હતો, જેમાં તેણે માત્ર એક વિકેટ ખેરવી હતી. રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં જાડેજાનો દેખાવ સારો રહ્યો છે. જેમાં તેણે બે મેચમાં ૮.૨૫ની એવરેજથી ૨૪ વિકેટ ખેરવવા ઉપરાંત બે ઇનિંગ્સમાં ૧૪૯ રન પણ નોંધાવ્યા છે.
સાઉથ આફ્રિકા સામેની વન-ડે ટીમમાં પણ ઇશાંતના સમાવેશની સંભાવના હતી, પણ ઈજાને લીધે ઇશાંતનો અંતિમ બંને વન-ડેની ટીમમાં સમાવેશ કરાયો નથી. વન-ડે ટીમમાં ઉમેશ યાદવને સ્થાને શ્રીનાથ અરવિંદનો સમાવેશ થયો છે.
અંતિમ બે વન-ડે માટે ટીમઃ ધોની (કેપ્ટન), સ્ટુઅર્ટ બિન્ની, શિખર ધવન, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ, રહાણે, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મોહિત શર્મા, રોહિત શર્મા, એસ. અરવિંદ, ગુરકિરાત સિંહ, અમિત મિશ્રા, હરભજન સિંહ
પ્રથમ બે ટેસ્ટ માટે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સહા, રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, ભુવનેશ્વર કુમાર, અશ્વિન, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ આરોન, ઇશાંત શર્મા