આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની વણથંભી વિજયકૂચ

Wednesday 22nd April 2015 06:13 EDT
 
 

મુંબઇઃ આઇપીએલ સિઝન-૮માં લીગ રાઉન્ડની મેચોમાં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સે તેની વિજયકૂચ ચાલુ રાખી છે, જ્યારે એક સમયની વિજેતા મુંબઇ ઇંડિયન્સે સતત ત્રણ પરાજય પછી એક વિજય સાથે જીતનું ખાતું ખોલાવ્યું છે.
દિલ્હી વિ. કોલકતા
કેપ્ટન ગૌતમ ગંભીરના શાનદાર ૬૦ તથા ફોર્મમાં આવેલા યુસુફ પઠાણના અણનમ ૪૦ રનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે ફિરોજશાહ કોટલા ગ્રાઉન્ડમાં સોમવારે રમાયેલી આઇપીએલ-૮ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને ૧૧ બોલ બાકી રાખી છ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હીના આઠ વિકેટે ૧૪૬ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર કોલકતાની ટીમે ૧૮.૧ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્ય હાંસલ કર્યું હતું.
રાજસ્થાન વિ. ચેન્નઇ
કેપ્ટન શેન વોટસન (૭૩) અને ઓપનર અજિંકય રહાણે (૭૬)ની શાનદાર અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં પ્રવાસી ચેન્નઈ સુપરકિંગ્સને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈએ ચાર વિકેટે ૧૫૬ રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાને ૧૮.૨ ઓવરમાં બે વિકેટે ૧૫૭ રન કરી વિજય મેળવ્યો હતો. આ સાથે રાજસ્થાને પાંચ મેચમાં સતત પાંચ વિજય મેળવીને ૧૦ પોઇન્ટસ સાથે પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ચેન્નઈએ ચાર મેચમાં ત્રણ વિજય અને એક પરાજય મેળવી છ પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને રહ્યું હતું.
બેંગ્લોર વિ. મુંબઈ
બેટ્સમેનોના ઉપયોગી રન બાદ બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે રવિવારે બેંગ્લોરમાં રમાયેલી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૧૮ રને પરાજય આપી પ્રથમ વિજય મેળવ્યો હતો. મુંબઈના ૭ વિકેટે ૨૦૯ રનની સામે બેંગ્લોરે ૭ વિકેટે ૧૯૧ રન કર્યા હતા. મુંબઈ ઇંડિયન્સ તરફથી સિમોન્સે ૪૪ બોલમાં ૫૯ રન જ્યારે રોહિત શર્માએ માત્ર ૧૫ બોલમાં ૪૨ રન કર્યા હતા.
હૈદરાબાદ વિ. દિલ્હી
મેન ઓફ ધ મેચ કેપ્ટન ડ્યુમિનીના શાનદાર દેખાવથી દિલ્હી ડેરડેવિલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને રસાકસી બાદ છેલ્લા બોલે ચાર રને પરાજય આપ્યો હતો. ગયા શનિવારે ચેન્નઇમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ચાર વિકેટે ૧૬૭ રન કર્યા હતા જેની સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઠ વિકેટે ૧૬૩ રન કરી શકી હતી.
પંજાબ વિ. કોલકતા
પૂણેમાં ગયા શનિવારે રમાયેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે આન્દ્રે રસેલના આક્રમક ૬૬ રન ઉપરાંત બે વિકેટ અને બે કેચની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબને ચાર વિકેટે આસાન પરાજય આપ્યો હતો. પંજાબે પહેલા બેટિંગ કરતા નવ વિકેટે ૧૫૫ રન કર્યા હતા, જેની સામે કોલકતાએ ૧૩ બોલ બાકી હતા ત્યારે છ વિકેટે ૧૫૯ રન બનાવી મેચ જીતી લીધી હતી. રસેલે ૩૬ બોલમાં નવ બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. યુસુફ પઠાણે ૨૪ બોલમાં અણનમ ૨૮ રન કર્યા હતા.
મુંબઈ વિ. ચેન્નઈ
ચેન્નઈ સુપરકિંગ્સે ગયા શુક્રવારે મુંબઈ ઇંડિયન્સને ઘરઆંગણે છ વિકેટે પરાજ્ય આપ્યો હતો. મુંબઈએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૩ રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈએ ૧૬.૪ ઓવરમાં ૧૮૯ રન કર્યા હતા. ચેન્નઈ તરફથી નેહરાએ ૨૩ રનમાં ત્રણ વિકેટ ઝડપીને મુંબઇના બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા. આ સિઝનમાં મુંબઇનો દેખાવ નિરાશાજનક છે.


comments powered by Disqus