તટસ્થ તારણો અનુસાર, વાસ્તવમાં લેબર પક્ષનું પલ્લું સત્તા તરફ વધુ ઝૂકી રહ્યું છે. નામદાર મહારાણી પણ સંભવિત ત્રિશંકુ ચુકાદા વિશે ખૂબ ચિંતિત હોવાનું બહાર આવ્યું છે. બકિંગહામ પેલેસના પ્રવક્તાઓએ ગયા સપ્તાહાંતે એક સમાચાર વહેતા મૂક્યા કે ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકીય અગ્રણીઓ એકબીજાની અઘટિત ટીકા ટાળે તે આવશ્યક છે. વધુમાં મહારાણી વતી એમ પણ સલાહ આપવામાં આવી છે કે ચૂંટણી બાદ કોઇ એક પક્ષને હાઉસ ઓફ કોમન્સમાં સ્પષ્ટ બહુમતી ન સાંપડે તો તેવા સંજોગોમાં અન્ય પક્ષોના સહયોગમાં કે પછી નાછૂટકે લઘુમતી સરકાર રચવા માટે સમયસરની કાર્યવાહી થવી ઘટે. બ્રિટનના તાજેતરના ઇતિહાસમાં, છેલ્લા ૭૦ વર્ષમાં, નામદાર મહારાણી તરફથી પ્રથમ વખત આવો સંકેત સાંપડ્યો છે. Asian Voiceના આ સપ્તાહના અંકમાં પાન આઠ ઉપર મારી કટાર As I See It માં આ વિશે મેં વધુ માહિતી સાદર કરી છે.
‘ધ ઇકોનોમિસ્ટ’ જેવું મૂડીવાદને સમર્થન આપતું મેગેઝિન જણાવે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીએ તેના સમય, શક્તિ અને સાધનનો મોટો હિસ્સો લેબર નેતા એડ મિલિબેન્ડની ઠેકડી ઉડાવવામાં ખર્ચ્યો છે. સંભવ છે કે આનાથી ટોરી પક્ષને લાભ કરતાં હાનિ વધુ થઇ શકે. ‘ડેઇલી ટેલિગ્રાફ’ કન્ઝર્વેટિવ પાર્ટીનું સમર્થક છે. ‘ટાઇમ્સ’ થોડુંક વધારે તટસ્થ કહેવાય તો પણ લેબર સમર્થક તો નથી જ. ‘ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ એક અર્થમાં વધુ સમતોલ પત્રકારત્વમાં માનતું જણાય છે. ‘ધ ગાર્ડિયન’ એ અર્થમાં સહેજ ડાબેરી વલણ ધરાવતું ગણી શકાય.
ગયા સપ્તાહે બ્રિટનમાં બેરોજગારી ઘટી તે મુદ્દે જશ ખાટવા ટોરી પક્ષે આકાશપાતાળ એક કરી નાખ્યા હતા, પણ તટસ્થ પત્રકારો અને નિષ્ણાતો માને છે કે ઓછા પગારની કે હંગામી (ઝીરો અવર્સ એમ્પ્લોયમેન્ટ)ના કારણે બેકારોની સંખ્યામાં ખૂબ ઘટાડો થયો તે સાચું, પણ બ્રિટનની આર્થિક તંદુરસ્તી સાંગોપાંગ છે તેવો દાવો જો ટોરી પાર્ટી કરતી હોય તો તે અઘટિત છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ પણ ટોરી પાર્ટીના ડેફિસિટ (ખાધ) ઘટાડવાના દાવાને એક રીતે નકાર્યો છે. ટોરી પાર્ટીએ બજેટમાં, અને તે પછી પ્રચાર ઝૂંબેશ દરમિયાન પણ, ખૂબ ભારપૂર્વક જણાવ્યું છે કે અગાઉની લેબર સરકારના ઉડાઉ વલણના કારણે રાષ્ટ્રીય તિજોરીમાં જે ખાધ સર્જાઇ હતી તે આ દાયકાના અંત સુધીમાં સરભર થઇ જશે. જોકે આઇએમએફ આ દાવા સાથે રતિભાર પણ સંમત નથી.
એક અન્ય અભ્યાસપૂર્ણ લેખમાં ‘ધ ઇકોનોમિસ્ટ’એ બે અગત્યના મુદ્દા સંદર્ભે કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રચારને જાકારો આપ્યો છે. જ્યોર્જ ઓસ્બોર્ને તેમના બજેટમાં અને પછી વડા પ્રધાન ડેવિડ કેમરને કેટલીય બાબતોમાં એવા પ્રસ્તાવો રજૂ કર્યા છે કે જે માટે સરકારી તિજોરીમાંથી જંગી રકમ ખર્ચવી પડે તેમ છે. ‘ધ ઇકોનોમિસ્ટ’ના મતે મતદારોને લલચાવવા માટે આવું વલણ અપનાવવું એ અજૂગતું છે, અને મોટા ભાગે તે સફળ થતું નથી.
સ્કોટલેન્ડમાં પાયો ધરાવતી સ્કોટીશ નેશનલ પાર્ટી (એસએનપી) અત્યારે ખૂબ જોરમાં જણાય છે. ત્યાંની ૫૯ બેઠકોમાંથી ટોરી પાસે માત્ર એક જ બેઠક છે. અત્યાર સુધી લેબર પાર્ટીને સ્કોટલેન્ડમાં અડધાથી વધુ કે બે-તૃતિયાંશ બેઠકો મળતી રહી છે. જોકે આ વેળા એસએનપી લગભગ ૪૫ બેઠકો કબ્જે કરે તેવી સંભાવના છે. તે અર્થમાં વેસ્ટમિનસ્ટર પાર્લમેન્ટમાં લેબર પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન સાંપડે તો તેવા સંજોગોમાં સહયોગ માટે એસએનપીએ સામેથી ઓફર કરી છે. અલબત્ત, લેબર નેતા એડ મિલિબેન્ડે સ્પષ્ટ શબ્દોમાં ઓફરનો અસ્વીકાર કર્યો છે કેમ કે એસએનપી અલગ સ્કોટલેન્ડની રચના માટે દૃઢ નિશ્ચયી છે. અને લેબર પાર્ટી યુનાઇટેડ કિંગ્ડમનું વિભાજન કરવા આતુર વ્યક્તિ કે રાજકીય પક્ષ સાથે સહયોગ કરવા લેશમાત્ર ઉત્સુક નથી. આ સ્પષ્ટ હોવા છતાં ટોરી પાર્ટી અને ટોરીના સમર્થક સમાચાર માધ્યમો લેબર પાર્ટીને બદનામ કરવા સતત અવળચંડાઇ કરતા રહ્યા છે.
બીજો ગંભીર પ્રશ્ન યુરોપ બાબતનો છે. છેલ્લા ચાર દસકાથી યુનાઇટેડ કિંગ્ડમ યુરોપિયન યુનિયન (ઇયુ)નો એક મહત્ત્વનો હિસ્સેદાર છે. તે બાબતે અનેક સંધિ-કરારો થઇ ચૂક્યા છે. તેમ છતાં ટોરી પાર્ટીનું એક જૂથ સતત એવી લાગણી વ્યક્ત કરતું રહ્યું છે કે યુરોપિયન યુનિયનમાં ગ્રેટ બ્રિટનની હિસ્સેદારી તેના સાર્વભૌમત્વ પર કાપ મૂકતી હોવાથી બ્રિટને કાં તો યુરોપિયન યુનિયનની સંધિમાં અમુક પ્રકારના સુધારાવધારા કરાવવા જોઇએ અથવા તો યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવું જોઇએ. એક જૂથે આવો જુવાળ સર્જ્યા પછી વડા પ્રધાન ડેવિડ કેમરને પોતાના જ પક્ષની એકતાને જાળવવા ગઇ ચૂંટણીમાં અને પછી પાર્લામેન્ટમાં પણ કોલ આપ્યો હતો કે નવી સરકાર (આગામી સરકાર) યુરોપિયન યુનિયન સાથેના જોડાણ અંગે પુનર્વિચાર કરશે અને યુરોપિયન યુનિયનમાં રહેવું કે નહીં તે મુદ્દે રેફરેન્ડમ (જનમત) યોજશે.
જોકે નવાઇની વાત એ છે કે ટોરી પાર્ટીના બહુમતી સાંસદો આ અંગે ચિંતિત છે. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના મોટા જૂથો પણ માને છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી જાય તો તે આર્થિક દૃષ્ટિકોણથી જ નહીં, અન્ય પ્રકારે પણ ખૂબ નુકસાનકારક સાબિત થશે. બ્રિટિશ નિકાસનો અડધાથી વધુ હિસ્સો યુરોપિયન દેશોમાં જાય છે. બ્રસેલ્સ સ્થિત યુરોપિયન કમિશન ખૂબ ખર્ચાળ તુમારશાહી છે તે સાચું, પરંતુ સાથોસાથ એ પણ સ્વીકારવું રહ્યું કે છેલ્લા ૭૦ વર્ષથી યુરોપની તળભૂમિમાં એક પણ યુદ્ધ થયું નથી તે પણ યુરોપિયન યુનિયનની મોટી દેણ છે.
અગાઉ ૧૮૭૦ની ક્રિમિયન વોર, ૧૯૧૪-૧૮માં પ્રથમ વિશ્વ યુદ્ધ અને ૧૯૩૯થી ૧૯૪૫ બીજું વિશ્વ યુદ્ધ... આ ત્રણ મોટા અને વૈશ્વિક યુદ્ધોમાં યુરોપે ભારે ખાનાખરાબી ભોગવી છે. આ જોતાં ટોરી પાર્ટીનો યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાનો વિચાર પણ આધુનિક જગતમાં બિનજરૂરી અને ખતરનાક જણાય છે.
ઇમિગ્રેશન બાબતમાં પણ ટોરી પાર્ટીએ અને ખાસ કરીને વડા પ્રધાન ડેવિડ કેમરને સાવ કાચું કાપ્યું છે તેમ કહીએ તો ખોટું નથી. યુરોપિયન યુનિયનના દેશોની આપસની સંધિ અનુસાર, ૨૮ સભ્ય દેશોના નાગરિકોને આંતરિક સ્થળાંતરનો એક અબાધિત અધિકાર ઉપલબ્ધ છે. આની પાયાની કલમમાં ફેરફાર લાવશું તેવો વડા પ્રધાન કેમરનનો દાવો અવાસ્તવિક અને જોખમી પુરવાર થયો છે. બિનગૌર દેશોમાંથી ઇમિગ્રન્ટ્સ આવે છે તે વિશે પણ કન્ઝર્વેટિવ સરકારની વિચારસરણી અને વ્યવહાર ચિંતાજનક છે. કેટલીક બાબત સ્પષ્ટ કરી લેવી જોઇએ.
બ્રિટનમાં વસતાં બિનગૌર નાગરિકોએ ક્યારેય ઇમિગ્રેશન બાબતમાં કોઇ પણ રોકટોક વગરની ઓપન ડોર પોલિસીની ઇચ્છા વ્યક્ત કરી નથી. તેઓ પણ જાણે છે કે આવું શક્ય જ નથી. અંતે તો દરેક દેશને પોતાની ઇમિગ્રેશન નીતિ ઘડવાના અબાધિત અધિકાર હોવા જ જોઇએ. પણ ટોરી પક્ષે ઇમિગ્રન્ટ્સ બાબતમાં જે હાઉ ઉભો કર્યો છે તેના પરિણાણે UKIP જોરમાં આવી ગઇ. અગાઉ ત્રણ વખત ટોરી પાર્ટીએ ચૂંટણીસંગ્રામમાં ઇમિગ્રેશનનો મુદ્દો ઉછાળીને શું ઉકાળ્યું હતું? જે તે સમયે, ચૂંટણી વેળા પક્ષનું સુકાન સંભાળનાર વિલિયમ હેગ, ઈયાન ડંકન સ્મિથ અને માઇકલ હાર્વર્ડ, ત્રણેય નેતા ભારે પરાજયનો ભોગ બન્યા હતા. કારણ? સામાન્ય બ્રિટિશ મતદાર વધુ સહિષ્ણુ અને ઉદાર મત ધરાવે છે. આ વખતે વડા પ્રધાન કેમરન અને તેમના પક્ષની હાલત મા મને કોઠીમાંથી બહાર કાઢ જેવી થઇ છે. જે અશક્ય છે તેને લોલીપોપ આપો તો મતદાર માનશે ખરો? ખેર, આ વિશે મારા વિચારો વધુ વિગતવાર જાણવા Asian Voiceમાં પ્રકાશિત મારી કોલમ વાંચવા ભલામણ છે.
ચીનની પડખે પાકિસ્તાન...
પાકિસ્તાનની પડખે ચીન કહેવામાં જરાક વધારે પડતું કહી શકાય. આજે સોમવારે આ લખાય રહ્યું છે ત્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગ પાકિસ્તાનના પહેલા સત્તાવાર પ્રવાસે પહોંચી ગયા છે. આર્થિક સહાયથી માંડીને સંરક્ષણ સહિતના અનેક ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે સંધિ-કરાર થશે અને અરસપરસ સહયોગ વધશે તેમાં ના નહીં. આર્થિક મહાસત્તા ચીન પાસે લગભગ ૪૦૦૦ બિલિયન ડોલરનું વિદેશી હૂંડિયામણ રિઝર્વ પડ્યું છે. ચીનના અર્થતંત્રનો પાયો ઘણો મજબૂત છે તો પાકિસ્તાન કંઇકેટલીય વખત નાદારીના આરે આવતું-જતું રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે શું રંધાશે એ તો ભાઇ, આપણને ખબર નથી, પણ રાજદ્વારી બાબતોના નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનની વિદેશ નીતિ હંમેશા ચાર પરિબળો આસપાસ ઘુમતી રહી છે.
૧) પડોશી ભારત સાથે વારંવાર અટકચાળાં કરવાં, પણ પ્રત્યક્ષ યુદ્ધ ટાળવું.
૨) અમેરિકા શું કહે છે તે સાંભળવું અવશ્ય, પણ...
૩) ... હંમેશા વર્તવું તો ચીનની ઇચ્છા પ્રમાણે જ. અને
૪) પેટ્રો-ડોલરથી લથબથ ગલ્ફ દેશોને શક્ય તેટલી કુરનિશ બજાવતી રહેવું.
હવે આ ચાર મુદ્દા પર તબક્કાવાર નજર કરીએ. પાકિસ્તાન લગભગ ૭૦ વર્ષથી અનેકવિધ રીતે ભારતને સંતાપ આપતું રહ્યું છે. તે ચાર વખત - ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧ અને છેલ્લે ૧૯૯૯માં કારગિલ યુદ્ધ - ભારત સાથે સીધા જંગમાં ઉતર્યું, પણ ચારેય વખત તેને ધૂળ ફાકવી પડી છે. હવે પાકિસ્તાનને સમજાયું છે કે વિસ્તાર, વિકાસ, અર્થતંત્ર, મજબૂત લોકશાહી... એક પણ મોરચે તે ભારતનો સીધો મુકાબલો કરી શકે તેમ નથી. આથી તેણે કાયરનો માર્ગ અપનાવ્યો - પીઠ પાછળ ઘા કરવાનો. આ માટે તે ભારતવિરોધી આતંકવાદને પોષીને પરોક્ષ યુદ્ધ કરતું રહ્યું છે.
અમેરિકા પાસેથી કેટલાક સંભવિત લાભો મેળવવા પાકિસ્તાન ભલે તેના ઇશારે નાચતું હોવાનો દેખાવ કરતું હોય, પણ હકીકત તો એ જ છે કે આજે દુનિયામાં આતંકે માથું ઉંચક્યું છે તેમાં ઘણા અંશે પાકિસ્તાનનો હાથ છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન હોય કે ભારત અને અમેરિકાવિરોધી આતંકી ષડયંત્રો હોય, પાકિસ્તાનની સંડોવણીથી અમેરિકા અજાણ હોવાની વાત માનવાને કોઇ કારણ નથી. વિશ્વમાં સૌથી શક્તિશાળી ગણાતા દેશના પ્રમુખો બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ (જુનિયર) કે પછી બરાક ઓબામા તેમના શાસનકાળમાં એક યા બીજા સમયે પાકિસ્તાનને હંમેશા ટપારતા રહ્યા છે કે પડોશી દેશ ભારત સાથે સારા સંબંધો રાખે. સતત તનાવયુક્ત માહોલના બદલે શાંતિપૂર્ણ સહયોગ સાધો... તમે જ લાભમાં રહેશો. પણ.....
પણ અવળચંડા પાકિસ્તાનને ચીન સાથેના સંબંધોમાં અરસપરસ વધુ લાભ દેખાય છે. (મેલી મથરાવટી ધરાવનારને તો તેના જેવા વિચારો ધરાવતા સાથે જ વધુ જામે ને?!) હું મરું, પણ તને ય લઇ ડૂબું જેવી નીતિમાં માનતા પાકિસ્તાનના મતે ભારતને ભીંસમાં લેવા ચીન કામમાં આવી શકે, અને આવે પણ છે.
બીજી તરફ, ચીન તેના શિન્યાંગ પ્રાંતમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માગે છે. પાકિસ્તાન સાથે સંબંધો ઘનિષ્ઠ બનાવી રહેલું ચીન ઇચ્છે છે કે ‘મિત્ર’ પાકિસ્તાન તેના દેશની ધરતી પર આશરો લઇ રહેલા આતંકવાદી સંગઠનોને અંકુશમાં રાખીને ચીનમાં આતંક ફેલાવતો અટકાવે. જોકે ચીનમાં આતંકવાદી ગતિવિધિ ઘટી હોય તેવું હજુ સુધી તો જણાતું નથી. આના પરથી એવો નિષ્કર્ષ નીકળે છે કે કાં તો પાકિસ્તાન આતંકવાદી સંગઠનો સામે કોઇ કાર્યવાહી કરી શકતું નથી અથવા તો આવું કંઇ કરવા તે ઇચ્છતું નથી. ચીનમાં ઇસ્લામિક આતંકવાદ વારંવાર નિર્દોષોનું રક્ત વહાવતો રહ્યો છે. ચીને સમજવું રહ્યું કે તેનો (પાકિસ્તાન માટેનો) આશાવાદ જ એક સમયે તેના માથાના દુખાવારૂપ બની જવાનો છે. જે પાકિસ્તાન પોતાની ધરતી પર જ નિર્દોષોનું લોહી વહાવતા કટ્ટરવાદીઓને નાથી શકતો નથી તે દેશ ચીનમાં ક્યાંથી આતંકવાદ નાથવાનો છે?!
ધનના ઢગલામાં આળોટતાં માલેતુજાર પેટ્રો-ડોલરના દેશ સાઉદી અરેબિયા સાથે પાકિસ્તાનના સંબંધો હંમેશા ગાઢ રહ્યા છે. લશ્કરી વડા પરવેઝ મુશર્રફે વડા પ્રધાન નવાઝ શરીફની સરકારને ઉથલાવીને દેશમાં સત્તાના સૂત્રો સંભાળી લીધા હતા. શરીફને જેલમાં ધકેલી દેવાયા હતા, પણ સાઉદી અરેબિયના શેખોની વગથી તેમને મુક્તિ મળી. એટલું જ નહીં, શરીફને વર્ષોસુધી પોતાના દેશમાં રાજ્યાશ્રય પણ આપ્યો. ગયા માર્ચ-૨૦૧૪માં પાકિસ્તાનની તિજોરી તળિયાઝાટક થઇ ગઇ હતી, દેશ નાદારીના આરે પહોંચી ગયો હતો. આ સમયે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ૧.૫ બિલિયન ડોલરની અધધધ ‘ફ્રેન્ડલી ગિફ્ટ’ આપી હતી.
ચીન હોય કે સાઉદી અરેબિયા... કંઇ ઇદ પર્વે ખેરાત કરવા થોડા બેઠાં છે? પાકિસ્તાનને આ ‘મૈત્રીપૂર્ણ સોગાદ’ પાછળ સાઉદી અરેબિયાનો પણ કંઇક મેળવવાનો ઇરાદો હતો. હાલ યમનમાં વિગ્રહ ફાટી નીકળ્યો છે. એક તરફ સાઉદી અરેબિયા અને સુન્ની છે તો સામે કટ્ટરવાદી આતંકીઓ અને શિયાપંથીઓ છે. યેમેનના કટ્ટરવાદીઓનો સફાયો કરવા સાઉદી અરેબિયાએ સીધો જંગ છેડ્યો છે. સાઉદી અરેબિયાએ અગાઉ જ પાકિસ્તાનને જણાવ્યું હતું કે આતંકવાદ સામે જંગ માંડીએ છીએ, જરૂર પડ્યે આ લડાઇ માટે ૨૦ હજાર સૈનિકો ફાળવજો. અબજો ડોલરની સંપત્તિ ધરાવતા સાઉદી શેખો પાસે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિશાળ શસ્ત્રભંડાર તો છે, પણ ખાટલે મોટી ખોડ છે સૈનિકોની અછત. સાઉદી અરેબિયાએ કટોકટીની પળે પાકિસ્તાન સાથે સૈન્ય મદદ માંગી, પણ શરીફ જાત પર ગયા. શિયાળ જેવા લુચ્ચા શરીફે - પોતાને આશરો આપનાર દેશને જરૂરતના સમયે મદદ કરવાના બદલે - કૂણીએ બારણું બંધ કરવા જેવો રસ્તો અપનાવ્યો. યમનમાં ચાલતા સશસ્ત્ર સંઘર્ષમાં સાઉદી અરેબિયાની વ્હારે પાકિસ્તાની સૈનિકો મોકલવા કે નહીં તેનો નિર્ણય કરવાનું કામ દેશની સંસદ પર છોડી દીધું. પાકિસ્તાની સંસદે પ્રસ્તાવ ફગાવી દીધો. સાઉદી અરેબિયા, કુવૈત, ગલ્ફ સહિતના દેશો સમસમી ગયા છે, પણ શું થાય?
વિશ્વાસભંગનો આવો ખરડાયેલો ઇતિહાસ ધરાવતા પાકિસ્તાન અને ચીન (આમ તો ચીન પણ રાજદ્વારી સંબંધોની બાબતમાં ભરોસાપાત્ર નથી) વચ્ચે ભલે એક નહીં, અનેક મુદ્દે દ્વિપક્ષી સહયોગના સંધિ-કરાર થાય, પણ જો તેમની વચ્ચે વૈચારિક એકસૂત્રતા જ નહીં હોય તો આવા સંબંધનો અંતે ફાયદો શું?
નાદારીના આરે જઇ પહોંચેલા પાકિસ્તાનના શાસકોએ સમજવું રહ્યું કે આતંકવાદને નાથવો, એશિયા ખંડમાં વર્ચસ વધારવું, ભારતને ભીંસમાં લેવા સહિતના મુદ્દે ચીનને સ્વાર્થ છે ત્યાં સુધી સહયોગ સાધશે, પછી તે પાકિસ્તાનને પડતું મૂકતાં ખચકાશે નહીં. સબળાના સાળા સહુ કોઇ થાય, નબળાના બનેવી કોઇ ન થાય એ પાકિસ્તાન ન ભૂલે તો સારું.
હર + અંબે = હરામ્બે ...
સાતેક વર્ષ પૂર્વે હું ગુજરાત યાત્રા દરમિયાન વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખ સાથે ગાંધીનગરમાં પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીને મળવા ગયો હતો. માધવસિંહજી સાથે આમ વ્યક્તિગત સંબંધો સારા પણ કેટલાક વિચારોમાં ભારે મત-ભેદ (બાપલ્યા, મન-ભેદ નહીં હો...). જેમ કે, ગુજરાતના રાજકારણમાં તેમણે લાગુ કરેલી ‘ખામ’ થિયરી. ક્ષત્રિય, હરિજન, આદવાસી અને મુસ્લિમને જોડીને તેમણે મજબૂત મતબેન્ક ઉભી કરેલી. જોકે આ મુદ્દે હું જાહેરમાં તેમ જ ખાનગીમાં માધવસિંહજી અને કોંગ્રેસની ટીકા કરતો રહ્યો છું. મારા મતે આ પ્રકારની જાતિ-જ્ઞાતિ લક્ષી રાજનીતિ ભારતની એકતા અને પ્રગતિ માટે હાનિકારક છે. આ જ રીતે બીજા એક કોંગ્રેસી અગ્રણી ઝીણાભાઇ દરજી સાથે પણ ‘ખામ’ થિયરી અને મંડલ પંચના મુદ્દે મારા વિચાર-ભેદ રહ્યા હતા. એક ચુસ્ત કોંગ્રેસી હોવાના તેઓ આના સમર્થક અને હું આવી ભાગલાવાદી રાજનીતિનો ચુસ્ત વિરોધી. અન્ય અગ્રણીઓ જેવા કે સ્વ. બાબુભાઇ જશભાઇ પટેલ, સ્વ. ચીમનભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરે સાથે મારા સંબંધો હંમેશા સારા રહ્યા છે. અત્યારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમર્થક છું, પણ વરિષ્ઠ કોંગ્રેસીનેતા શક્તિસિંહ ગોહિલ સાથે પણ સારી મિત્રતા છે.
જોકે મારે અહીં વાત માધવસિંહ સોલંકીની કરવી છે. ભાદરણમાંથી આઠ વખત ચૂંટાયેલા આ નેતાની એક વાત મને બહુ જ ગમે છે. ગુજરાતના આ વરિષ્ઠ નેતા આજે લગભગ ૯૦ વર્ષની વયે પહોંચ્યા છે, પણ રાજકારણમાંથી નિવૃત્તિ બાદ કોઈ જાહેર નિવેદન પણ આપતા નથી. તેમના સસરા ઇશ્વરભાઇ ચાવડાને ૧૯૪૪થી જાણું. તે સમયે બોરસદ નજીકની સત્યાગ્રહ છાવણીના શિવાભાઇ આશાભાઇ પટેલ સર્વેસર્વા હતા અને ઇશ્વરભાઇ ચાવડા રાજકારણમાં પા પા પગલી પાડી રહ્યા હતા.
એક વખત મેં માધવસિંહજીને પૂછ્યું હતું કે તમે રાજકારણ સહિત સક્રિય જાહેરજીવનથી તદ્દન અલિપ્ત થઇ ગયા છો તો ટાઇમપાસ કેવી રીતે કરો છો? માધવસિંહજીને વાચનનો બહુ શોખ છે એ તો જાણતો જ હતો (તેમના ઘરમાં વિશાળ લાઇબ્રેરી પણ છે), પણ તેમણે એક નવી વાત કરી. તેમણે કહ્યું હતું કે વાચન સિવાયના સમયમાં તેઓ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરે છે. તેમનું કહેવું હતું કે ઇન્ટરનેટ પર કેટલું ય જોવાનું અને જાણવાનું મળે છે. ઇન્ટરનેટનો સદુપયોગ થાય તો જીવનના દરેક ક્ષેત્રે જ્ઞાન વધે અને મન તરોતાજા થઇ જાય તેવું પામો.
તેમની વાત એકદમ સાચી છે. જૂઓને દારે-સલામના ટાન્ઝાનિયાથી સર એન. ડી. ચાંદેએ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી મોકલી છે તે પણ કેટલી ઉપયોગી છે. તેમાં પૂર્વ આફ્રિકાની વાત છે, એક પ્રચલિત શબ્દની વાત છે. પણ પહેલાં ચાંદેસાહેબની વાત. પૂર્વ આફ્રિકામાં વસતાં ભારતીય સમુદાયમાં એન. ડી. ચાંદેનું નામ ભારે વજનદાર ગણાય છે. ટાન્ઝાનિયામાં ૫૪ વર્ષ અગાઉ બ્રિટિશ રાજ હતું. આ પછી દેશમાં જુલિયસ ન્યેરેરે સહિતના કેટલાય પ્રમુખો આવ્યા અને ગયા, પણ સર એન્ડી ચાંદે દરેકના વિશ્વાસપાત્ર બની રહ્યા. મોટા ગજાના વેપારી, પણ સાથેસાથે વિચારક પણ ખરા. જાજરમાન વ્યક્તિત્વ. ચાંદે સાહેબ તથા શ્રી સી. જે. રાભેરુએ ઇ-મેઇલથી આફ્રિકામાં બહુ જ જાણીતા એક શબ્દ ‘હરામ્બે’નું અર્થઘટન કરતી માહિતી મોકલી છે.
જોમો કેન્યાટા કેન્યાની આઝાદી માટે જંગે ચઢ્યા હતા ત્યારે સભાને સંબોધતી વેળા, કાર્યકરોને ઉદ્બોધન કરતી વેળા વારંવાર ‘હરામ્બે’નો નારો લગાવતા હતા. પ્રજાને ખબર નહીં કે આ શબ્દ સ્વાહિલીમાં છે કે નહીં, પણ જોમો કેન્યાટા બોલે એટલે સહુ હરામ્બેના ગગનભેદી નારા લગાવે. આપણે ઘણી વખત વજનદાર વસ્તુ ઊંચકવા કે ખસેડવા માટે જોશ ચઢાવવા માટે જોરથી બોલીએ છીએને... ‘એક ધક્કા ઓર દે...’ કે હૈસ્સો, હૈસ્સો.... તેના જેવો જ આ નારો, લોકોને જુસ્સો ચઢાવવા માટે વપરાતો હતો, પણ કોઇ તેના મૂળિયા વિશે જાણતું નહોતું.
વર્ષો પૂર્વે નાઇરોબીના એક સ્થાનિક નાગરિક જોસેફ મ્વાન્ગી મ્બુગ્વાએ ત્યાંના એક અંગ્રેજી અખબારમાં લેખ લખીને આ શબ્દનું વિસ્તૃત અર્થઘટન કર્યું છે. આમા તેણે હરામ્બે શબ્દનો સ્વાહિલીમાં કેમ ઉપયોગ થઇ રહ્યો છે તેની વાત કરી છે.
૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના પ્રારંભમાં મોમ્બસાથી કિસુમુ સુધીની રેલવેલાઇનનું નિર્માણ થઇ રહ્યું હતું ત્યારે હજારો ભારતીયોને, મુખ્યત્વે પંજાબી અને ગુજરાતીને અહીં લાવવામાં આવ્યા હતા. ભારતમાં ૧૮૫૩માં પહેલી રેલવે લાઇન બોરીબંદર અને થાણા વચ્ચે નાંખવામાં આવી હતી. અત્યારે તો આધુનિક ટેક્નોલોજી અને યંત્રસામગ્રીની સહાયથી ઝડપભેર રેલવેલાઇન બીછાવી શકાય છે, પણ વર્ષોપૂર્વે આ બધું કામ મજૂરોના હાથે જ થતું હતું. લોખંડના પાટાના ૨૦-૨૫ ફૂટ લાંબા ટુકડાને ઊંચકવા માટે જોમ ચઢાવવા મજદૂરો જોશભેર હર અંબે...ના નારા લગાવતા હતા. હર એટલે શિવજી અને અંબે એટલે જગતજનની અંબાજી માતા. નાગરિકોના માઇગ્રેશનની સાથે સાથે તેમની ભાષા, તેના શબ્દોનું પણ માઇગ્રેશન થતું હોય છે. આપણી ગુજરાતી ભાષામાં જેમ અનેક હિન્દી, ફારસી, ઉર્દૂ કે અંગ્રેજી શબ્દો જોડાઇ ગયા છે, તેમ આ હર અંબે અપભ્રંશ થઇને ‘હરામ્બે’ સ્વરૂપે સ્વાહિલી ભાષામાં સમાઇ ગયો.
કેન્યાના સ્વાતંત્ર્ય સંગ્રામ અને કેન્યાટાના શરૂઆતના શાસનકાળમાં હરામ્બે શબ્દ એટલો પ્રચલિત બન્યો કે જાણે તે સ્વાહિલી શબ્દ હોય. હવે છેક આટલા વર્ષે ખુલાસો થયો છે કે આ તો સંસ્કૃત શબ્દ છે. ચાલો ત્યારે આવતા સપ્તાહે ફરી મળીશું. અત્યારે તો આપ સહુને હરામ્બે... (ક્રમશઃ)