મોદી સરકારના સિવિલ એવિએશન મિનિસ્ટર અશોક ગજપતિ રાજુના શબ્દો જ જૂઓને... સત્તાનો તોર મગજ પર કેવો ચડી જતો હોય છે તેનું પ્રતિબિંબ તેમાં જોવા મળશેઃ ‘હું તો મોટા ભાગે ખિસ્સામાં માચીસ લઇને જ વિમાનપ્રવાસ કરું છું. મારી તો ક્યારેય તપાસ થતી નથી...’ પ્રધાન મહાશયે આ શબ્દો નાગરિક ઉડ્ડયન વિભાગના સુરક્ષા સંબંધિત કાર્યક્રમમાં ઉચ્ચાર્યા હતા! તેમના બાલિશ નિવેદન સંદર્ભે કોઇએ તેમને પૂછ્યું કે માચીસ સાથે વિમાનપ્રવાસ કરવાથી જોખમ વધી ન જાય? ફરી તેમણે બાફ્યુંઃ ‘મને તો એ જ નથી સમજાતું કે માચીસ સાથે રાખીને વિમાનપ્રવાસ કરવાથી શું ખતરો થવાનો હતો? માચીસથી કંઇ થોડું વિમાનનું અપહરણ થઇ શકવાનું હતું? મેં તો ક્યારેય આવું સાંભળ્યું નથી...’ લ્યો કરો વાત... લાગે છે કે માચીસ સાથે વિમાનપ્રવાસ કેટલો જોખમી સાબિત થઇ શકે તે હવે મારા-તમારા જેવા સામાન્ય વિમાનપ્રવાસીએ નાગરિક ઉડ્ડયન પ્રધાનને સમજાવવું પડશે.
પ્રધાન અશોક ગજપતિ રાજુને એ તો ખબર હોવી જ જોઇએ કે એક દિવાસળીથી વિમાનમાં આગ લગાવી શકાય છે, અને એ અપરાધ તો વિમાન હાઇજેકની ઘટનાથી પણ વધારે ખતરનાક છે. બધા વિમાનપ્રવાસી જાણે છે કે વિશ્વની લગભગ તમામ એરલાઇન્સમાં પ્રવાસ દરમિયાન જ્વલનશીલ વસ્તુ સાથે રાખવા પર પ્રતિબંધ છે. આતંકવાદી ષડયંત્રોનું જોખમ વધ્યું છે ત્યારથી આ નિયમનું કડકાઇથી પાલન છે. પણ આપણા પ્રધાન મહાશય નિયમ તોડવામાં બહાદુરી સમજે છે. ઉડ્ડયન મંત્રાલયના સુકાની તરીકે તેમણે તો એ વાતે ચોંપ રાખવી જોઇએ કે એરપોર્ટ પરની સિક્યુરિટીમાં છીંડાં ન રહી જાય. આના બદલે તેમણે તો માચીસ મુદ્દે જાહેરમાં નિવેદન કરીને એક જવાબદાર પ્રધાનને છાજે નહીં તેવું બાલિશ વર્તન તો કર્યું જ સાથોસાથ ભાંગફોડિયાઓને રસ્તો પણ દેખાડ્યો - ધારો તો તમે પણ ભારતની હવાઇસુરક્ષામાં છીંડા શોધી શકો છો. હોદ્દાની રુએ તેમની સુરક્ષા તપાસ થતી ન હોય તેનો મતલબ એવો તો નથી જ કે તેઓ દર વખતે કાયદાનું ઉલ્લંઘન કરે અને અને પછી જાહેરમાં શેખી મારતા ફરે! વાત અહીં જ અટકી ગઇ હોત તો સારું હતું, પણ અટકે તેનું નામ અશોક ગજપતિ રાજુ નહીં.
તાજેતરમાં તેઓ અમદાવાદની મુલાકાતે ગયા હતા. એરો-કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવા. બાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા હતા. તેમને વરિષ્ઠ પત્રકાર અને ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટના કો-ઓર્ડિનેટર (ભારત) ભૂપતભાઇ પારેખે પૂછ્યું કે એર-ઇંડિયાની અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવાની શી યોજના છે? હજુ તો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં તો બોલી ઉઠ્યા કે ‘મારે તો કંઇ પ્લેન ચલાવવાનું નથી, એર-ઇંડિયાએ આ બાબતનો નિર્ણય લેવાનો છે.’ આટલું કહીને જાણે કોઇ મોટો જોક કર્યો હોય તેમ ખડખડાટ હસી પડ્યા હતા.
આ વાતચીત પૂરી થયે પ્રધાન રાજુ એરપોર્ટ જવા નીકળી રહ્યા હતા ત્યારે ભૂપતભાઇએ ફરી તેમનું ધ્યાન દોર્યું કે ગુજરાતના પ્રધાનોએ આ મુદ્દે રજૂઆત કરી છે ત્યારે મંત્રાલય તરફથી એક જ જવાબ અપાયો છે કે અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટ માટે પૂરતો ટ્રાફિક નથી, પરંતુ હકીકત તો એ છે કે જો આ સીધી ફ્લાઇટ શરૂ થાય તો એર-ઇંડિયાને મોટી સંખ્યામાં મુસાફરો મળી શકે તેમ છે. પરંતુ તેમને જાણે સત્ય જાણવામાં રસ જ ન હોય તેમ મોઢું ફેરવીને કારમાં બેસીને રવાના થઇ ગયા. (વધુ માટે જુઓ ગુજરાત સમાચાર તા. ૧૧ એપ્રિલ ૨૦૧૫ - પેજ નં. ૧૧)
અહીં સવાલ એ છે કે શું નજર ફેરવી લેવાથી સત્ય બદલાઇ જાય છે? ના. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અમદાવાદ-લંડન રૂટ પર પૂરતો પેસેન્જર ટ્રાફિક ન હોવાની પીપૂડી વગાડ્યા કરે છે, પરંતુ કાગળ પરના આંકડાઓ અલગ જ વાત કરે છે. જેમ કે, ભૂતકાળમાં આ રૂટ પર ફ્લાઇટ ઓપરેટ થતી જ હતી - દર અઠવાડિયે એક નહીં, પૂરી ચારથી પાંચ.
લાંબા સમયની માગ બાદ વાજપેયી સરકારના શાસનમાં એર-ઇંડિયાએ આ ફ્લાઇટ શરૂ કરી હતી. તે સમયે - વાજપેયીની પૂરોગામી - કોંગ્રેસ સરકાર પણ અપૂરતા પેસેન્જરોનું બ્હાનું આપીને ફ્લાઇટ શરૂ કરવાનું ટાળતી હતી. પરંતુ તે વેળા ભાજપના વરિષ્ઠ નેતા અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દરમિયાનગીરીથી વાજપેયી સરકારે આ રૂટ પર સપ્તાહમાં એક સીધી ફ્લાઇટ શરૂ કરી. અને પછી તો એટલો ટ્રાફિક મળ્યો કે સીધી ફ્લાઇટની સંખ્યા વધતાં વધતાં પાંચ સુધી પહોંચી હતી. કમાઉ દીકરો કોને વ્હાલો ન હોય? એર-ઇંડિયાએ પણ રૂટ પર લાભ લણવાનું શરૂ કર્યું. પણ પછી સરકાર બદલાતાં મંત્રાલયના સુકાની પણ બદલાયા અને તેમણે ખાનગી એરલાઇનને લાભ કરાવવા આ એર-ઇંડિયાની સીધી ફ્લાઇટ રાતોરાત બંધ કરી દીધી. બસ, તે દિવસની ઘડીને આજનો દિવસ. ગુજરાત-બ્રિટન વચ્ચે પ્રવાસ કરતા મુસાફરોની હાલાકી યથાવત્ છે. કોઇ તેમની પરેશાની ધ્યાને લેવા તૈયાર નથી.
સિવિલ એવિએશન મંત્રાલય અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટ શરૂ ન કરવા માટે અપૂરતા ટ્રાફિકનું કારણ (બ્હાનું જ કહોને!) આગળ ધરે છે, પણ તેઓ આ ટ્રાફિક પોટેન્શ્યલનો સર્વે ક્યારે થયો કે પ્રવાસીનો આંકડો કેટલે પહોંચે છે તે કોઇ કહેતું નથી. મંત્રાલયના કોઇ અધિકારીએ વળી એવું પણ કહ્યું કે તે સમયે પણ સીધી ફ્લાઇટ આ જ કારણસર (અપૂરતો ટ્રાફિક) બંધ થઇ ગઇ હતી. તો શું મંત્રાલય આજે પણ સીધી ફ્લાઇટ ડિસ્કન્ટીન્યુ થઇ તે વર્ષ (૨૦૦૪)ના આંકડાઓને નજરમાં રાખીને નિર્ણયો લઇ રહ્યું છે? જો આવું હોય તો રાજુ હસ્તકના મંત્રાલયને રેઢિયાળ જ ગણવું રહ્યું. ફલાઇટ બંધ થયાથી આજ સુધીના અરસામાં થેમ્સ અને સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા છે. વીતેલા વર્ષોમાં અમદાવાદ-લંડન વચ્ચે પ્રવાસીઓ વધ્યા હોય તે દીવા જેવી ચોખ્ખી વાત છે.
એક તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાભરમાં ફરીને મેક ઇન ઇંડિયાનું સ્વપ્ન સાકાર કરવા વિદેશવાસી ભારતીયોનો વતન સાથે નાતો જોડવા, વિદેશી મૂડીરોકાણ આકર્ષવા દિવસ-રાત એક કરી રહ્યા છે ત્યારે રાજુ સાહેબ જેવા પ્રધાનો તેના પર પાણી-ઢોળ કરી રહ્યા છે. અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટથી ગુજરાતીઓનો વતન સાથેનો નાતો તો ગાઢ બનશે જ, પણ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહેલા ગુજરાત સાથે બ્રિટનના વેપાર-ઉદ્યોગનો સંપર્કસેતુ પણ મજબૂત બનશે.
સિવિલ એવિએશન પ્રધાન અશોક ગજપતિ રાજુ અને તેમના મંત્રાલયે હવે આપણને (બ્રિટનવાસી ભારતીયો-ગુજરાતીઓને) અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટના મુદ્દે ગોળ ગોળ ફેરવવાનું બંધ કરવું જોઇએ. આપણે ગુજરાત સરકારથી માંડીને ભારત સરકાર સુધી તમામ સ્તરે રજૂઆત કરી છે, પણ તેઓ એક જ રેકોર્ડેડ ટેપ વગાડે છે - પૂરતો ટ્રાફિક નથી. એર-ઇંડિયા માટે આ રૂટ નુકસાનકારક સાબિત થાય તેમ છે... તેમનું જો આ જ તારણ તથ્ય આધારિત હોય તો તેમણે આપણા સહુના સંતોષ માટે પણ ત્રણ માહિતી અચૂકપણે જાહેર કરવી જોઇએ. સર્વે ક્યા વર્ષમાં થયો છે? તે સમયે પ્રવાસીઓની સંખ્યા કેટલી નોંધાઇ હતી? અને આ રૂટ પર કેટલા પ્રવાસી મળે તો એર-ઇંડિયા ફ્લાઇટ ઓપરેટ કરી શકે?
અને જો તમારે આમાંનું કંઇ ન કરવું હોય તો અમદાવાદ-લંડન રૂટ પર અઠવાડિયે એક જ સીધી ફ્લાઇટ શરૂ કરો - ટ્રાયલના ધોરણે. પ્રવાસીઓના આંકડા જ બોલશે. ફ્લાઇટ માટે પૂરતા પ્રવાસીઓ નહીં મળે તો અમે અમારી માગ પડતી મૂકશું. પ્રોમિસ. અને જો ફ્લાઇટ માટે પૂરતા પ્રવાસીઓ મળી રહે તો તમારે ફ્લાઇટ બંધ નહીં કરવાની. બોલો, ચેલેન્જ મંજૂર છે?! આપોઆપ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. જો તમે પડકાર ઉઠાવવા ન માગતા હો તો પણ કંઇ વાંધો નહીં. પણ કમસે કમ, બ્રિટનવાસી ભારતીયો-ગુજરાતીઓની મુશ્કેલીઓની હાંસી ઉડાવવાનું બંધ કરો. એ ન ભૂલો કે અમારા જેવા આમ આદમીઓએ જ તમને સત્તા પર બેસાડ્યા છે. આ સમય સત્તાની શક્તિને સન્માનવાનો છે, અહંકાર કરવાનો નહીં. સમયનું ચક્ર બહુ ઝડપથી ફરતું હોય છે.