આઈપીએલનાં બહુચર્ચિત સ્પોટ ફિક્સિંગ કેસમાં બે વર્ષ બાદ બહુ મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. ભારતીય ક્રિકેટમાં વગદાર સ્થાન ધરાવતા એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મય્યપન્ અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રા પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જ્યારે બે ફ્રેન્ચાઇઝી (રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ)ને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. દરેક ક્રિકેટચાહક સ્પોટ ફિક્સિંગ કેસની તપાસનું શું પરિણામ આવે છે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હતો. કેસની તપાસનો દોરીસંચાર સુપ્રીમ કોર્ટ હસ્તક હોવાથી નક્કર પરિણામની આશા તો હતી, પણ મયપ્પન્ન્ અને કુન્દ્રા જેવી બે વગદાર હસ્તીઓ પર આજીવન પ્રતિબંધ અને ટૂર્નામેન્ટની બે શક્તિશાળી ટીમના સસ્પેન્શન
જેવા આકરા પગલાંની ભાગ્યે જ કોઇએ કલ્પના કરી હશે. સુપ્રીમ કોર્ટે રચેલી જસ્ટિસ લોધા કમિટીના ચુકાદાએ ક્રિકેટમાંથી કચરો સાફ કરવાનું કામ કર્યું છે.
લાંબા સમયથી સ્પોટ ફિક્સિંગ કેસમાં તપાસ ચાલતી હતી. શરૂ શરૂમાં તો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના તત્કાલીન પ્રમુખ શ્રીનિવાસને તપાસ ખોરંભે પાડવા, પછી તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરીને ચેન્નઇ સુપરકિંગ્સના પ્રિન્સિપાલ એવા જમાઈ ગુરુનાથને બચાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા હતા, પણ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને નિવૃત્ત જસ્ટીસ લોધાના વડપણ તળે તપાસ સમિતિ રચાઇ. સમિતિની તપાસના તારણો સ્પષ્ટ કરે છે કે આઈપીએલમાં સટ્ટો રમાય છે તથા ફિક્સિંગ થાય છે. આ માટે બે ટીમો અને એના માલિકોને સજા ફરમાવાઇ છે ત્યારે હવે ભારતીય ક્રિકેટમાંથી બાકીનો ગંદવાડ, કચરો સાફ કરવાનું કામ બીસીસીઆઇનું છે. હા, તે આ કામ પ્રમાણિક્તાથી કરશે કે કેમ તે લાખ રૂપિયાનો સવાલ છે. લોધા સમિતિએ ચુકાદો આપી દીધાના અઠવાડિયા બાદ યોજાયેલી બીસીસીઆઇની બેઠકમાં દોષિત ટીમ સામે પગલાં લેવાનું તો છોડો, પગલાં લેવા કે નહીં તે મુદ્દે પણ મતભેદ પ્રવર્તે છે. બીસીસીઆઇ નાણાં કમાવાની લાયમાં એ ભૂલી જાય છે કે આમ ભારતીય નાગરિક ક્રિકેટને ધર્મ જેટલો ચાહે છે ત્યારે તેમાં સહેજ પણ ગંદવાડ હોવો જોઇએ નહીં. આઇપીએલ ફોર્મેટે વિશ્વભરના ક્રિકેટચાહકોમાં આકર્ષણ જમાવ્યું છે. તેમાંથી નવા ખેલાડીઓ ઉભર્યા છે અને બીસીસીઆઇ પણ આ ટૂર્નામેન્ટમાંથી કરોડો રૂપિયા કમાય છે ત્યારે તેની પણ જવાબદારી બને છે કે આઇપીએલની રમત ચોખ્ખી રહે.
