મોહાલીઃ પંજાબનાં મોહાલી શહેર નજીક ૪૦ એકર જમીનમાં રૂ. ૧૦ કરોડનાં ખર્ચે કૂતરાંને તાલીમ આપવા માટે સ્કૂલ બનાવાઇ છે. આ સ્કૂલમાં અમેરિકા અને પંજાબના ટ્રેનર્સ દ્વારા કૂતરાંને ખાસ તાલીમ અપાશે. આ માટે પંજાબ સરકારે એક કંપની સાથે સહિયારી કંપની સ્થાપી છે.
ઇન્ટરનેશનલ ટેક્નિકલ એન્ડ કેનાઇન ટ્રેનિંગ સેન્ટર નામની આ તાલીમ સ્કૂલને પંજાબ સરકાર અને ચંડીગઢના એક ઉદ્યોગપતિ ન્યૂટન સિદ્ધુની કંપની ઈએસડીનાં સંયુક્ત સાહસ દ્વારા શરૂ કરાઇ છે. અહીં કૂતરાંને પાંચ અઠવાડિયાંની અને તેને સાચવનાર - હેન્ડલરને ૬થી ૧૦ અઠવાડિયાની તાલીમ અપાય છે. કૂતરાંને તમાકુ, કેફી પદાર્થો, ડ્રગ્સ તેમ જ વિસ્ફોટકો સૂંઘવાની અને ગંધ પારખવાની તાલીમ અપાય છે.
સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર માઇકલ ફોટેક્સ કહે છે, ‘અમારો હેતુ કૂતરાંને કેવી રીતે બેસવું તે શીખવવાથી માંડીને કેવી રીતે કોઈ પદાર્થને સૂંઘીને ઓળખવો કે કેવી રીતે ચાલવું તે શીખવવાનો છે. આ માટે કેટલાક ટ્રેનર્સ અમેરિકાથી બોલાવાયા છે. અમે ટ્રેનિંગ માટે સાચા વિસ્ફોટકોનો ઉપયોગ કરીએ છીએ.’ આ ટ્રેનિંગ સેન્ટરનો પહેલો તાલીમાર્થી ભારતના બિલિયોનેરનો માલીનુઆ બ્રિડનો દોઢ વર્ષનો અંગાર છે. સેન્ટરના સંચાલકોને આશા છે કે થોડા સમયમાં અનેક વેપારી અને ઉદ્યોગપતિઓ તેમના કૂતરાંને ખાસ તાલીમ માટે અહીં મોકલશે.

