ઇરાન પરમાણુ સમજૂતીના પગલે પશ્ચિમ એશિયાના રાજકીય માહોલમાં ધરમૂળથી બદલાવનો તખ્તો રચાઇ ગયો છે. મંત્રણાઓ અને વાટાઘાટોના લાંબા દોર બાદ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ના પાંચ કાયમી સભ્યો અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ફ્રાન્સ ઉપરાંત જર્મની એમ છ વિશ્વસત્તાઓ અને ઈરાન વચ્ચે પરમાણુ શસ્ત્રો બાબતે ઐતિહાસિક સમજૂતી થઇ છે. જે અનુસાર, ઇરાન પરમાણુ શસ્ત્રોના નિર્માણ માટે ઉભું કરેલું માળખું નેસ્તનાબૂદ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. બદલામાં અમેરિકા, યુરોપિયન યુનિયન (ઇયુ) અને યુનાઇટેડ નેશન્સ (યુએન) વર્ષના અંત સુધીમાં ઇરાન પર લદાયેલા આર્થિક પ્રતિબંધો દૂર કરશે. આ પૂર્વે, અમેરિકા અને ઇરાનની સંસદોમાં આ સમજૂતીને બહાલ કરતો ઠરાવ પસાર કરાશે. આ ઐતિહાસિક સમજૂતીનો જશ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને ઇરાનના પ્રમુખ હસન રુહાનીને આપવો રહ્યો. રુહાની ઇરાનના પ્રમુખ તરીકે અમેરિકા સાથેની જૂની કટુતાને જ નહીં, કટ્ટરપંથીઓને પણ એક કોરાણે મૂકવામાં સફળ થયા છે. તેમણે આ સમજૂતી માટે અપનાવેલો વ્યવહારુ અભિગમ ઇરાન માટે લાભકારક પુરવાર થશે. આર્થિક પ્રતિબંધો દૂર થતાં ઈરાનની ઓઈલ કંપનીઓમાં તેમજ અન્ય વેપારઉદ્યોગમાં નવા મૂડીરોકાણો આવશે અને તેના પગલે ઉત્પાદન વધતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો અંકુશમાં રહેશે. આ સંજોગોથી માત્ર ઈરાનને જ નહીં, સમગ્ર દુનિયાને લાભ થશે.
પરમાણુ સમજૂતી માટે કેટલીક શરતો સ્વીકારવા બદલ ઇરાન સરકારને દેશમાં કેટલીક ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સાચું, પણ તેના પ્રમુખ હસન રુહાની કહે છે તેમ આ પ્રકારની સમજૂતીઓમાં કેટલીક બાંધછોડ કરવી જ પડતી હોય છે. સમજૂતી અનુસાર, આર્થિક નિયંત્રણો દૂર થવાના બદલામાં ઇરાન લાંબા સમય માટે પોતાનો અણુ કાર્યક્રમ મર્યાદિત કરી નાખશે. મતલબ કે તે પરમાણુ બોંબ નહીં બનાવી શકે. ન્યૂક્લિયર રિએક્ટર ચાલશે, પણ માત્ર ઊર્જા ઉત્પાદન માટે. ઇરાનના તમામ પરમાણુ મથકો અને સૈન્ય મથકો પર યુએનની નજર રહેશે. યુએનના નિરીક્ષક પાંચ વર્ષ ઇરાનમાં રહેશે. આઠ વર્ષ સુધી ઇરાન વધુ કોઇ મિસાઇલ નહીં ખરીદી શકે. આમાંથી જો કોઇ શરતનો ભંગ થયો તો ફરી ૬૫ દિવસમાં આર્થિક પ્રતિબંધ પુનઃ લાગુ કરવાની જોગવાઇ છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલે છેક ૨૦૦૨થી આશંકા વ્યક્ત કરતી હતી કે ઇરાન અણુ બોંબ બનાવી રહ્યું છે. ઇરાન આરોપને નકારતું હતું, પણ પરમાણુ મથકોના નિરીક્ષણ માટે સંમતિ ન આપતાં પશ્ચિમી દેશોએ તેના પર આકરા આર્થિક અંકુશ લાદયા હતા. પ્રમુખ રુહાનીને પણ વર્ષોના વીતવા સાથે સમજાયું હશે કે આર્થિક પ્રતિબંધોના કારણે પોતાના દેશને કેટલું નુકસાન થઇ રહ્યું છે અને આથી જ તેમણે ‘થોડીક બાંધછોડ’નો અભિગમ અપનાવ્યો છે. ઇરાનની પ્રજાએ પણ સમજવું રહ્યું કે લાંબો કૂદકો મારવા માટે બે-ચાર ડગલાં પીછેહઠ કરવી જ પડતી હોય છે.
આ સમજૂતીથી ઇરાનને સૌથી મોટો ફાયદો એ થશે કે તે દુનિયાના બીજા દેશો સાથે ઓઇલ અને બીજી ચીજોનો વેપાર કરી શકશે. સાથોસાથ આશરે ૧૦૦ બિલિયન ડોલરની જપ્ત સંપત્તિનો ઉપયોગ કરી શકશે. સમજૂતીના પગલે પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય માહોલ બદલાશે જ, સાથે સાથે ઈરાનના આર્થિક વિકાસની ક્ષિતિજ પણ વિસ્તરશે. ઇરાન ફરી એક વખત પશ્ચિમ એશિયામાં અગ્રણી દેશ તરીકે ઊભરી શકે છે. આ સમજૂતી ભારત માટે પણ લાભકારક છે કેમ કે ભારત ઇરાન પાસેથી સસ્તા દરે ક્રૂડતેલનો મોટો જથ્થો ખરીદ કરી શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મુલાકાત લીધી એ તુર્કમેનિસ્તાન, તાજીકિસ્તાન, કિર્ઘિસ્તાન જેવા દેશો માટે ઇરાન ભારતના પ્રવેશદ્વાર જેવું છે. એ ક્ષેત્ર સાથે વેપાર સંબંધો વિકસાવવામાં તંગદિલીમુક્ત ઇરાનની ચાવીરૂપ ભૂમિકા હશે.
અલબત્ત, આ પરમાણુ સમજૂતીને ભલે બહુમતી વિશ્વ હકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળતું હોય, પણ ઇઝરાયલ, સાઉદી અરેબિયા તેમ જ અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તથા ઇરાનમાં કટ્ટરપંથીઓ ખુશ નથી. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુના મતે તો પશ્ચિમી દેશોની ઇરાન સાથેની સમજૂતી ઐતિહાસિક ભૂલ છે. નેતાન્યાહુનું કહેવું છે કે તેમનો દેશ ઇરાનને અણુ શસ્ત્ર હાંસલ કરતો અટકાવવા માટે તમામ પ્રયાસો કરશે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે અને ઇઝરાયલ પર હુમલા કરનાર ઉગ્રવાદી જૂથોને ઇરાનનું સમર્થન મળતું રહ્યું હોવાથી ઇઝરાયલના વડા પ્રધાનની આકરી પ્રતિક્રિયા સ્વાભાવિક છે. પરંતુ એ હકીકતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે કે ઇરાન સાથેના પરમાણુ સમજૂતી કરારથી પશ્ચિમ એશિયામાં શાંતિનો સૂર્યોદય થવાના આશાસ્પદ સંજોગો સર્જાયા છે. આની સાથોસાથ ઇરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના દસકાઓ પુરાણા મતભેદ પણ દૂર થશે. સરવાળે પશ્ચિમ એશિયામાં કટ્ટરપંથી સંગઠનોને નાથવાની આશા જીવંત બની છે.
