સોનાની ચમકને મંદીની ઝાંખપ

સોનું પાંચ વર્ષના તળિયે સ્પર્શતા બુલિયન બજારમાં ભલે ચિંતા પેઠી હોય, પણ ભારતીય પરિવારો આ ભાવઘટાડામાં ખરીદીનો સોનેરી મોકો જોઇ રહ્યાા છે.

Wednesday 22nd July 2015 05:48 EDT
 
 

મુંબઇઃ વૈશ્વિક બજારમાં સોમવારે સોનાના ભાવોમાં તીવ્ર કડાકો નોંધાતા બુલિયન માર્કેટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પીળી ધાતુ પર આમ તો લાંબા સમયથી મંદીના વાદળો મંડરાતા હતા. અનેક આંતરરાષ્ટ્રીય પરિબળે સોનાના ભાવો લાંબા સમયથી દબાણમાં રાખ્યા હતા, તેમાં સોમવારે ચીને ટનબંધ જથ્થો એક સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ માટે મૂકતાં સોનાનો ભાવ ઘટીને પાંચ વર્ષના તળિયે સ્પર્શ્યો હતો.
ભાવોમાં તીવ્ર ઘટાડાથી વિશ્વભરમાં સોનાની ચમક ભલે ઝાંખી પડી હોય, પણ પીળી ધાતુનું હરહંમેશ આકર્ષણ ધરાવતા ભારતીયોની આંખોમાં ચમક આવી ગઇ છે. સંકટ સમયની સાંકળ તરીકે સોનાની ખરીદીને પ્રાધાન્ય આપતા ભારતીય પરિવારો ભાવોમાં ઘટાડાને ખરીદીના સોનેરી મોકા તરીકે નિહાળે છે. જોકે બુલિયન બજારના નિષ્ણાતોના મતે, વર્ષના અંત સુધીમાં સોનાના ભાવો હજુ પણ ઘટવાની શક્યતા છે. આથી અત્યારે સોનાની એકસાથે ખરીદી કરી લેવાની બદલે ટુકડે ટુકડે ખરીદી કરવી જોઇએ. જેથી વર્ષ આખરે સોનાની સરેરાશ ખરીદકિંમત નીચલા સ્તરે જળવાઇ રહે.
સોનાના ભાવમાં સપ્તાહના પહેલા જ દિવસે તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ચીનના બજારમાં પાંચ ટન સોનું વેચવા માટે ઠલવાયાના અહેવાલ સાથે જ પીળી ધાતુનો ભાવ પ્રતિ ઔંસ ૧૧૩૨ ડોલરથી ઘટીને ૧૦૮૦ ડોલરની સપાટીને સ્પર્શ્યો હતો. વૈશ્વિક બજારના પગલે સોમવારે સવારે ભારતીય બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૨૫,૦૦૦ રૂપિયાથી પણ નીચે પહોંચ્યો હતો.
જોકે સોનાના ભાવોમાં વૈશ્વિક સ્તરે તીવ્ર ઘટાડા છતાં ભારતીય બજારમાં સોનાની માગમાં ખાસ સુધારો જણાયો નથી. નિષ્ણાતોના મતે ભારતીયો પરિવારો હજુ વધુ ભાવ ઘટાડાની રાહ જોઇ રહ્યા છે.
સોમવારનો ઘટાડો બીજા દિવસે અટક્યો હતો અને મંગળવારે એક ઔંસ સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધીને ૧૧૦૮ ડોલર થયો હતો. જોકે આમ છતાં આ ભાવ ગયા મહિનાની સરખામણીએ ૮૭ ડોલર અને એક વર્ષની સરખામણીએ ૧૯૭ ડોલર ઓછો છે.
બુલિયન નિષ્ણાતોના મતે વૈશ્વિક અર્થતંત્રમાં મૂડીની પ્રવાહિતા અંગેની ચિંતાને પગલે ભયગ્રસ્ત બનેલા રોકાણકારોએ સોનાનું અંધાધૂંધ વેચાણ શરૂ કરી દેતાં સોમવારે વિશ્વ સહિત દેશના બુલિયન બજારોમાં કિંમતી ધાતુની કિંમતમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.
સોનાના સૌથી મોટા વપરાશકર્તા ચીનના શાંઘાઇ સ્પોટ માર્કેટમાં રોકાણકારોએ ૩૩ ટન જેટલું સોનું વેચવા મૂક્યું હતું. ચીનના સોનાના ભંડારો અડધોઅડધ ખાલી થયા હોવાથી સોનામાં વેચાણનું દબાણ વધી ગયું છે. અગાઉ ચીનના શેરબજારોમાં કંપનીઓ પર નિયંત્રણ લદાતા વિશ્વભરનાં શેરબજારો તૂટી ગયાં હતાં.
 આ ઉપરાંત છેલ્લા એક દાયકામાં પહેલી વાર અમેરિકા વ્યાજદરોમાં વધારો કરે તેવી સંભાવના અને ડોલરની વધતી જતી મજબૂતાઇ પણ સોનામાં કડાકા માટે જવાબદાર છે.
બિરેન વકીલ જેવા કોમોડિટી વિશ્લેષક માને છે કે વિશ્વસ્તરે ૧૦૭૩ ડોલરનું લેવલ તૂટશે તો સોનું ઘટાડામાં ૯૭૩ થઈ શકે છે. અન્યથા વધીને ૧૧૩૯ની સપાટી આવશે, જોકે આ ભાવ લેવાનો નહિ, પણ વેચવાનો ગણવો જોઇએ. ભારતમાં વધ-ઘટે હજી ૧,૦૦૦ રૂપિયા સુધીના ડાઉન ફોલનો અવકાશ પાકો જણાય છે.
અમદાવાદસ્થિત જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન મનીષ જૈનના મતે, ‘ભાવમાં ઘટાડાને કારણે સોનાની આયાત વધવાની શક્યતા નથી કારણ કે બેન્કો અને વેપારીઓ પાસે સોનાનો જંગી જથ્થો છે.’ તેમણે કહ્યું હતું કે રૂપિયાની રીતે સોનું ચાર વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું છે. જોકે આમ છતાં સ્થાનિક માગમાં તાત્કાલિક સુધારો જોવા મળશે નહીં.
ઇંડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઇબીજેએ)ના પ્રવક્તા કેતન શ્રોફે જણાવ્યું હતું કે રિટેલ ફુગાવાથી ઘરેલુ બચતમાં ઘટાડો નોંધાયો છે અને આવા સમયે સોનાના સતત ઊંચા ભાવથી માંગમાં સતત નરમાઇ જોવા મળી રહી છે. આ ઉપરાંત આર્થિક રિકવરી હજુ શરૂ થઇ નથી તે પણ એક મહત્ત્વનું કારણ છે.
થોભો અને રાહ જુઓનું વલણ
સોનું ઉત્તરોતર ઘટી રહ્યું હોવાથી ભારતીય બજારોમાં હજુ બહુ મોટી માંગ જોવા મળી નથી, પણ શહેરોમાં જ્વેલર્સે નીચા મથાળે ખરીદીની તક ઝડપી છે. આ ઉપરાંત લગ્નગાળા માટે ખરીદી કરવા ઇચ્છતા અનેક લોકોએ પણ ઘટેલા ભાવે બુકિંગ કરાવવાનું મુનાસિબ માન્યું છે. જ્યારે રોકાણકાર વર્ગ ભાવમાં વધુ ઘટાડાની રાહ જોઇને બેઠો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સોનાના ભાવમાં હજુ ઘટાડો ચાલુ રહેશે અને સપ્ટેમ્બર સુધીમાં ભારતીય બજારમાં ગ્રાહકોને રૂ. ૨૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પણ સોનું ખરીદવાની તક મળશે.
અમદાવાદના જ માણેક ચોક ચોકસી મહાજનના પ્રમુખ ડો. પીયૂષ ભણસાલીના મતે, સોમવારે ભાવમાં થયેલા ઘટાડાના કારણે હોલસેલ અને રિટેલની બુલિયનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રોકાણકારોમાં સોના માટે વિશ્વાસ હજુ ઓછો છે. આથી નાના રોકાણકારો દ્વારા ખાસ સોનું ખરીદવામાં આવ્યું નથી, પરંતુ અનેક રોકાણકારોએ સોનાના ઘટેલા ભાવે એવરેજ કરવાનું પગલું લીધું છે.
તેમણે કહ્યું હતું કે ગ્રીસ કટોકટી ઉકેલાઇ છે ત્યારથી સોનાના ભાવમાં કડાકો આવશે તે નક્કી હતું અને સપ્ટેમ્બર સુધીમાં સોનાના ભાવ હજુ ઘટશે.
ટોચના આયાતકાર પાર્કર બુલિયનના ડિરેક્ટર હરેશ આચાર્યે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બજારમાં સોનાની માંગમાં જે વધારો જોવા મળ્યો છે તેનો મહત્તમ ઉપયોગ દાગીના બનાવવા માટે જ થશે. સોના માટે નકારાત્મક માહોલ હોવાથી રિટેલ રોકાણકારો હજુ ખરીદીથી દૂર જ છે.
જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન (જીજેએફ)ના ફાઉન્ડીંગ મેમ્બર કાલ્પનિક ચોકસીના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના ગ્રાહકો સોનું ખરીદવા માટે રાહ જોઇ રહ્યા છે. જો સોનાનો ભાવ રૂ. ૨૫,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની નીચે આવશે તો માંગમાં તીવ્ર વધારો થશે તે નક્કી છે.

સોનાની ચમક કેમ ઝાંખી પડી?
આંતરરાષ્ટ્રીય પરિબળોઃ • સપ્ટેમ્બરમાં યુએસમાં વ્યાજદર વધવાની આશંકાથી સોનામાં રોકાણ ઘટવાનો અંદાજ. • યુએસ ફેડરલ વ્યાજદર વધારશે તો સોનામાં રોકાયેલું જંગી ભંડોળ ડોલર એસેટ્સમાં ઠલવાશે. • ગ્રીસની કટોકટી અને ઇરાનની પરમાણુ સંધિ પછી વૈશ્વિક અનિશ્ચિતતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારતીય પરિબળોઃ • ભારતમાં સોનાના નીચા ભાવ હોવા છતાં શહેરી માગમાં ખાસ સુધારો નથી. • અપૂરતા વરસાદની આશંકાથી ગ્રામીણ ખરીદી અટકી પડી છે. • લોકો ખરીદી માટે રૂ. ૨૫,૦૦૦ના ભાવની રાહ જોઇ રહ્યા છે. • ઓક્ટોબરની લગ્ન સીઝન પહેલાં કદાચ થોડીક ખરીદી જોવા મળી શકે છે.


comments powered by Disqus