જપાનીઝ મહિલાઓ લગ્ન પછી અટક બદલવાના વિરોધમાં

Wednesday 23rd December 2015 05:55 EST
 
 

ટોક્યોઃ ભારત સહિત વિશ્વના લગભગ તમામ દેશોમાં મહિલાઓ લગ્ન પછી સરળતાથી પતિની અટક અપનાવી લે છે, પરંતુ જપાનમાં મોટા ભાગની મહિલાઓ આ પરંપરાની વિરુદ્ધ છે. તેઓ લગ્ન પછી પોતાની અટક બદલવા ઇચ્છતી નથી. આ મુદ્દે મહિલાઓ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. મહિલા સંગઠનો પણ શિન્જો એબે સરકાર પર ૧૮૯૬થી અમલમાં રહેલા પરંપરાગત કાયદા બદલવા દબાણ કરી રહ્યા છે.
જપાનમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ બાવન ટકા મહિલાઓ કાયદો બદલવાના પક્ષમાં છે જ્યારે ૩૪ ટકા મહિલા તેની વિરુદ્ધમાં છે. દેશની મોટા ભાગની યુવા પેઢી પણ પતિ-પત્ની બન્ને અલગ અલગ સરનેમ જાળવી રાખવાના પક્ષમાં છે.
પાંચ મહિલાઓએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનું કહેવું છે કે લગ્ન પછી પતિની સરનેમ પત્નીના નામ સાથે જોડવાનો કાયદો જૂનો થઈ ચૂક્યો છે. તે ગેરબંધારણીય છે અને તેના કારણે પતિ-પત્નીના માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે. અરજદાર કારોઈ ઓગુની કહે છે કે પતિની સરનેમ અપનાવ્યા પછી મહિલાઓ પોતાની ઓળખ ગુમાવી દે છે. સમાજમાં તેમનું આત્મસન્માન ઘટે છે.
જપાનના વડા પ્રધાન વધુને વધુ મહિલાઓને નોકરી આપવાની દિશામાં પ્રયત્નશીલ છે, પરંતુ તેમનો સત્તાધારી પક્ષ અટક સંબંધી કાયદામાં ફેરફાર કરવાની તરફેણ કરતો નથી. પરંપરાગત લોકો પણ કાયદામાં ફેરફાર કરવાના વિરોધી છે.


comments powered by Disqus