ભારત અને જપાન છેલ્લા થોડાક વર્ષોથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે અગ્રતા આપી રહ્યા હોવાથી મિત્રતા ગાઢ બનવી સ્વાભાવિક છે, પરંતુ ભારતનું વડા પ્રધાન પદ નરેન્દ્ર મોદીએ સંભાળ્યા પછી આ મુદ્દે વિશેષ ધ્યાન કેન્દ્રીત થયું છે એમ કહીએ તો તેમાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. જપાનના વડા પ્રધાન શિન્જો એબેની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન થયેલી સમજૂતીઓ અને કરારોમાં આ વાત પ્રતિબિંબિત થાય છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા હતા ત્યારે તેમણે અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. હવે વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળમાં આ સપનાનું શિલારોપણ થયું છે. જપાનીઝ વડા પ્રધાનના ભારત પ્રવાસ દરમિયાન - બન્ને દેશોએ - આ મહત્ત્વાકાંક્ષી યોજનાને આખરી ઓપ આપતો ૯૮ હજાર કરોડ રૂપિયાનો જંગી કરાર કર્યો છે. આ પ્રોજેક્ટની કામગીરી વર્ષ ૨૦૧૭માં શરૂ થશે અને ૨૦૨૩માં પૂરી કરવાનું લક્ષ્ય નક્કી થયું છે. મુંબઇ-અમદાવાદ વચ્ચેનું અંતર આ બુલેટ ટ્રેન માત્ર અઢી કલાકમાં કાપશે. આ ઉપરાંત જપાને ભારતને નાગરિક ઉપયોગ માટે જરૂરી ન્યૂક્લિયર એનર્જી ટેક્નોલોજી આપવા પણ સંમતિ દર્શાવી છે તો સાથોસાથ સંરક્ષણ ટેક્નોલોજી આપવાના પણ કરાર કર્યા છે.
વડા પ્રધાન મોદીએ તેમના સમોવડિયા શિન્જો એબેને અંગત મિત્ર ગણાવતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે ભારતના આર્થિક વિકાસના સ્વપ્નને જપાન જ સમજી શકે તેમ છે. જ્યારે સામી બાજુ એબેએ પણ મોદીની નેતૃત્વક્ષમતાને બિરદાવતાં ભારતીય વડા પ્રધાનની આર્થિક નીતિઓને બુલેટ ટ્રેન સાથે સરખાવી હતી. તેમણે કહ્યું હતું આ નીતિઓ ઉચ્ચ ઝડપ ધરાવતી સુરક્ષિત અને ઘણાને સાથે લઇ જતી બુલેટ ટ્રેન જેવી છે. દ્વિપક્ષી સંબંધોમાં એક બાબત સ્પષ્ટપણે ઉભરી છે કે મજબૂત ભારત જપાન માટે જેટલું લાભકર્તા છે એટલું જ શક્તિશાળી જપાન ભારત માટે સારું છે.
આથી જ કદાચ જપાને નરેન્દ્ર મોદીના ભારતના મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત તેની કંપનીઓ દ્વારા ૧૨ બિલિયન ડોલરના રોકાણની તૈયારી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, પાંચ વર્ષમાં ભારતમાં ૩૫ બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત પણ કરી છે. આમ ભારતના આર્થિક વિકાસમાં સહયોગ આપવા જપાને ખરા અર્થમાં તત્પરતા દાખવી છે.
નરેન્દ્ર મોદી ભારતની વિદેશ નીતિને ભૂતકાળની ઘરેડમાંથી બહાર લાવી શક્યા છે તેનું આ પરિણામ છે. તેઓ શિન્જો એબેને તાજેતરમાં પેરિસ, ઇસ્તંબુલ અને કુઆલા લમ્પુરમાં પણ મળી ચૂક્યા છે. મોદીની વિદેશનીતિમાં દેશના અર્થતંત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની ચિંતા કેન્દ્રસ્થાને છે. તેઓ બરાબર સમજે છે કે આ મુદ્દે જપાનીઝ ટેક્નોલોજી, કૌશલ્ય અને મૂડીરોકાણ બહુ ઉપયોગી બની શકે તેમ છે. કદાચ આ જ કારણસર સંબંધોને વધુ ગાઢ બનાવવા મોદી શિન્જો એબેને પોતાના મતવિસ્તાર વારાણસી સુધી લઇ ગયા અને ભવ્ય ગંગાઆરતીનું આયોજન કર્યું હતું. આમ પણ વારાણસી અને જાપાનના ક્યોટો વચ્ચે પાર્ટનર શહેરના કરાર મોદીના જપાનપ્રવાસ દરમિયાન થયા જ છે. હવે આ કરારના વધુ અસરકારક અમલનો તખતો પણ તૈયાર થયો છે.
જપાનની વાત કરીએ તો તમામ રીતે સંપન્ન આ દેશને ભારત જેવા મિત્રની જરૂરત છે. ચીનની સાથે ગળાકાપ સ્પર્ધા ધરાવતા જપાનને એશિયામાં શક્તિ સંતુલન જાળવવા ભારતના વ્યૂહાત્મક સહયોગની આશ્યક્તા છે. સાથોસાથ સમગ્ર વિશ્વના અર્થતંત્રો જ્યારે ભારતના વિશાળ બજારનો લાભ લેવા ઉત્સુક છે ત્યારે જપાન પણ તેમાં પાછળ રહેવા માગતું નથી. મંદીના ઓછાયા તળે રહેલું જપાન પણ ભારતીય બજારનો સહારો ઝંખે છે એમ કહેવું અયોગ્ય નથી. આમ બન્ને દેશને પરસ્પર એકમેકની જરૂરત છે. મોદી અને એબે જે પ્રકારે દ્વિપક્ષીય સંબંધોને અંતરાયો ઓળંગીને વધુ ગાઢ બનાવવા ઉત્સુક છે ત્યારે આવનારા સમયમાં બન્ને દેશ વચ્ચેના સંબંધો બુલેટ ટ્રેનની ગતિએ, પૂરપાટ ઝડપે આગળ વધશે એવી આશા અસ્થાને નથી.
