રાજકારણની જીત, રમતની હાર ન થાય તો સારું

Tuesday 22nd December 2015 15:44 EST
 

ભ્રષ્ટાચાર સામે જંગ છેડવામાં કશું અયોગ્ય નથી, પણ યોગ્ય સંદર્ભમાં, યોગ્ય સમયે છેડવામાં આવે તો જ. જ્યારે આ સમય, સંદર્ભને અભેરાઇએ ચઢાવી દેવાય છે ત્યારે ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધનારની નિષ્ઠા સામે પણ સવાલ ઉઠ્યા વગર રહેતો નથી. નાણા પ્રધાન અરુણ જેટલી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોમાં પણ કંઇક આવું જ છે. ૧૪ વર્ષથી દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)નું સુકાન સંભાળતા જેટલી સામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ થયા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમ જ ભાજપના સાંસદ કીર્તિ આઝાદે આ આરોપ મૂક્યા છે. કેજરીવાલે આક્ષેપો એવા સમયે કર્યા છે જ્યારે તેમના કાર્યાલય પર એક અન્ય કેસની તપાસ માટે સીબીઆઇ દરોડા પડ્યા છે. જ્યારે સાંસદ કીર્તિ આઝાદે કરેલા આક્ષેપો ભાજપમાં શરૂ થયેલો આંતરિક ખટરાગ ખુલ્લો પાડે છે.
મુદ્દો ભલે ડીડીસીએમાં ભ્રષ્ટાચારનો હોય, પણ અત્યારે તો લાગે છે કે બિહાર ચૂંટણીમાં પરાજય બાદ પક્ષમાં ખેંચતાણનો સિલસિલો શરૂ થઇ ગયો છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા કીર્તિ આઝાદે જેટલી પર મૂકેલા આરોપો ગંભીર તો છે જ, પરંતુ તેના પરથી એવું પણ ફલિત થાય છે કે ક્રિકેટ એસોસિએશનની મનમાની સામે શાસકો હંમેશા આંખ આડા કાન કરતા રહ્યા છે. શાસકો મોટા ભાગે બે કારણસર આવું કરતા હોય છે - કાં તો તેમને ક્રિકેટના રાજકારણ સાથે સંકળાયેલા સ્વ-હિતની ચિંતા હોય અથવા તો આવા સંગઠનોની ધનથી તરબતર તિજોરી પર નજર હોય.
‘આપ’ અને આઝાદના આરોપોને સાચા માનીએ તો જેટલીના ૧૪ વર્ષના કાર્યકાળમાં ડીડીસીએમાં ૪૦૦ કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે. કંપનીઓને કોન્ટ્રેક્ટ આપવાની વાત હોય કે ખરીદીની વાત, દરેક મુદ્દે એસોસિએશનની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય છે. જેટલીએ ‘આપ’ અને આઝાદના આરોપોને નિરાધાર ગણાવીને દિલ્હીના મુખ્ય પ્રધાન તથા ‘આપ’ના પાંચ નેતાઓ સામે રૂ. ૧૦ કરોડનો માનહાનિનો દાવો ઠોકી દીધો છે, પરંતુ આરોપો અંગે તેઓ સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી વિવાદ શમવાનો નથી તે હકીકત છે.
એક લેપટોપના એક દિવસના ભાડા પેટે રૂ. ૧૬ હજાર ચૂકવાયા હોય તો તેને ભ્રષ્ટાચાર નહીં તો શું સમજવું? ૨૫ હજાર રૂપિયાની કિંમતના લેપટોપ માટે પ્રતિ દિન રૂ. ૧૬ હજાર ભાડું ચૂકવવાના મુદ્દે સવાલ ઉઠવો જેટલો અપેક્ષિત છે તેટલો જ અપેક્ષિત તેનો જવાબ પણ છે. ક્રિકેટ એસોસિએશનમાં અડીંગો ભલે કોઇ પણ વ્યક્તિએ જમાવ્યો હોય, પણ નાણા આખરે તો પ્રજાના અને ખેલાડીઓના જ હોય છે. ખેલાડીઓ માટે ઉપયોગમાં લેવાના નાણાને જો આ રીતે પોતાના મળતિયાઓના ખિસ્સામાં પહોંચ્યા હોય તો જેટલી અને તેમના ક્રિકેટ એસોસિએશન સામે આંગળી ઉઠે તેમાં કંઇ નવાઇ નથી.
જેટલી અને આઝાદ એક જ પક્ષના સાંસદ હોવાથી અહીં એ પ્રશ્ન પણ મહત્ત્વનો છે કે શું આ લડાઇ ક્રિકેટ એસોસિએશન પૂરતી જ સીમિત છે કે પછી ભાજપની આંતરિક ખેંચતાણનું આ પરિણામ છે. ભ્રષ્ટાચારના આરોપોનો આ પટારો આઝાદ પહેલાં પણ ખોલી જ શક્યા હોત. બિહાર ચૂંટણીના પરિણામો બાદ આઝાદે આ ગંભીર આક્ષેપ કર્યા હોવાથી તેમના ઇરાદા સામે શંકા સહજ છે. ડીડીસીએમાં શરૂ થયેલા રાજકીય (કે બિનરાજકીય) દાવપેચ તો પાશેરામાં પહેલી પૂણી જેવા છે. આ તો કોઇને પોતાનો ગરાસ લૂંટાતો જણાયો એટલે ભ્રષ્ટાચાર સામે ‘અવાજ ઉઠાવ્યો’ છે, બાકી આટલા વર્ષ બધું ચાલતું જ રહ્યું છેને? વાસ્તવિક્તા તો એ છે કે દેશના મોટા ભાગના ક્રિકેટ સંગઠનો પર રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ કે અધિકારીઓનો કબ્જો છે. સહુ કોઇ પોતપોતાની રીતે સ્વાર્થના સરવાળા-બાદબાકી કરતા રહે છે. આ દાવપેચમાં તેમના અંગત હિતનો ભલે વિજય થતો હોય, પણ રમતની હાર થતી હોય છે. આ પરિસ્થિતિ નિવારવી હશે તો દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન સામેના ભ્રષ્ટાચારના આરોપોની તટસ્થ તપાસ થવી રહી.


comments powered by Disqus