લોકશાહીની વિડંબના કે પછી આંધળી વ્યક્તિપૂજા?

તસવીરે ગુજરાત

- વિષ્ણુ પંડ્યા Wednesday 23rd December 2015 06:09 EST
 
 

‘હું ઇન્દિરા ગાંધીની પુત્રવધૂ છું. હું કાંઈ ડરવાની નથી!’
શ્રીમતી સોનિયા ગાંધીએ નેશનલ હેરાલ્ડ મુકદમાનાં નિમિત્તે આમ કહ્યું ત્યારે એક વરિષ્ઠ પત્રકારે મને શ્રીમતી ઇન્દિરા ગાંધીનાં વિધાનની યાદ અપાવી દીધી! ૧૯૫૬માં ઇન્દિરાજી ગુજરાત-સૌરાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે હતા. (મોટા ભાગે) ગોંડલમાં તેમની સભામાં પથરો પડ્યો. ગુસ્સામાં શ્રીમતી ઇન્દિરાએ એ પથ્થર હાથમાં ઊઠાવીને જાહેર સભામાં કહ્યું હતું કે આ પથ્થર હું દિલ્હી લઈ જઈશ અને મારા પિતાશ્રીને (જવાહરલાલ) બતાવીશ!
નેહરુ ગાંધી પરિવારની આ પણ એક અજીબ ખાસિયત છે! ઇતિહાસકારોએ નોંધ્યું છે કે પંડિત મોતીલાલ નેહરુના આગ્રહથી મહાત્મા ગાંધીએ જવાહરલાલને કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા હતા. ૧૯૨૭થી જ મોતીલાલ નેહરુએ ગાંધીજી પર દબાણ લાવવાની કોશિશ કરી તે છેવટે લાહોર અધિવેશનમાં સફળ થઈ. મોતીલાલે (૧૩ જુલાઈ, ૧૯૨૯) ગાંધીજીને લખ્યું હતુંઃ ‘કાં તો તમે અથવા જવાહર - બેમાંથી એકે અધ્યક્ષપદની જવાબદારી ઊઠાવવી જરૂરી છે.’ ખરેખર તો વલ્લભભાઈ પટેલને પાંચ પ્રાંતિક સમિતિઓએ પ્રમુખ તરીકે પસંદ કરવાનો ઠરાવ પણ કરી નાખ્યો હતો, જવાહરલાલ માટે ત્રણ જ સમિતિ તરફેણમાં હતી. ગાંધીની તરફેણમાં દસ સમિતિ હતી.
ડી. પી. મિશ્રાએ એ પ્રસંગનું રોચક બયાન પોતાના પુસ્તકમાં કર્યું છે, આ શબ્દોમાંઃ ‘મદનમોહન માલવિયા પરદા પાછળની ઘટનાઓથી અજાણ હતા. તેમણે ગાંધીજીને આ પદ સંભાળી લેવા વિનંતી કરી અને સમર્થનમાં રામાયણની વાત કરી. મહાત્મા રાજી ના થયા. પછીના ક્રમે સરદારને પાંચ સમિતિનું સમર્થન હતું. તેમણે ઘસીને ના પાડી કે જે બોજો ઊઠાવવામાં મહાત્માજી પોતાને અયોગ્ય સમજતા હોય તે હું કઈ રીતે ઉપાડી શકું? તેમણે મોતીલાલને પૂછ્યુંઃ બધા મહાત્માજીની તરફેણમાં હતા, પણ તમે એક શબ્દે ય ન ઉચ્ચાર્યો, આમ કેમ? મોતીલાલે મજાકમાં કહ્યુંઃ માલવિયાજી રામાયણ - મહાભારત ટાંકતા હતા છતાં ગાંધીજીને મનાવવામાં સફળ ન થયા તો પછી હું તો કોણ?’
ખરેખર તો પિતાએ પુત્રને માટે રાજકીય તખતો તૈયાર કરી રાખ્યો હતો. ગાંધીજી સુભાષ-જવાહરની સંયુક્ત શક્તિ ઇચ્છતા નહોતા. નેહરુ પ્રમુખ બન્યા અને કારોબારીમાં સુભાષને ન લીધા. માલવિયા, વિઠ્ઠલભાઈ પટેલ, બેરિસ્ટર જીન્નાહ, અબ્બાસ તૈયબજી તમામના વિરોધ છતાં જવાહરલાલ જ પસંદ કરાયા, જે આગળ જતાં ‘ગાંધીજીના વારસદાર’ બનીને ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા.
નેહરુ-પરિવાર પ્રેમની આ કહાણી ત્યાં સમાપ્ત નથી થતી. કુલદીપ નાયર ‘ઇન્ડિયા - ધ ક્રિટીકલ યર્સ’માં લખે છે તેમ જવાહરલાલ ‘પોતાના પછી કોણ?’ના જવાબ માટે પુત્રી ઇન્દિરાને રાજકીય રીતે તૈયાર કરી રહ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી પણ નેહરુની મનેચ્છાને પારખી ગયેલા, પણ નેહરુ-નિધન પછી કોંગ્રેસ બે છાવણીમાં વિભાજીત થઈ ત્યારે ‘ઇન્ડિકેટ’ શબ્દ સાથે શ્રીમતી ઇન્દિરાએ સંસ્થા કોંગ્રેસના ‘ઓલ્ડ ગોડ્સ’ જેવા મોરારજીભાઈ, કે. કામરાજ, ચન્દ્રભાણ ગુપ્તા, સદોબા પાટિલ વગેરેને હંફાવીને કોંગ્રેસમાં નવી ધરી સ્થાપિત કરી દીધી અને વડા પ્રધાન પણ બની ગયા!
ઇન્દિરાજીની એવી ઇચ્છા ખરી કે તેમની વારસદારી - બે પુત્રોમાંથી એક - સંભાળે? રાજીવનો સ્વભાવ એવો નહોતો, પણ ‘નેહરુવંશ’નું અભિમાન ખરું! ઇન્દિરાજીની હત્યા થઈ ત્યારે રાજીવ કોલકતા હતા. દિલ્હી પાછા ફરતાં તેમની સાથે પ્રણવ મુખરજી પણ હતા. કોલકતાના વિમાનીમથકે તેમનાથી પત્રકારોને કહેવાઈ ગયું કે કોંગ્રેસમાં સૌથી સિનિયર નેતા તો હું છું! ચાલાક રાજીવના કાન સરવા થયા, સંજય તો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો ત્યારથી ઇન્દિરાજીનો સાથસંગાથ રાજીવે જાળવી રાખ્યો હતો. ઇમર્જન્સી દરમિયાન પત્ની સોનિયા અને સંજય-પત્ની મેનકાની વચ્ચે જલદ ખટરાગ થયો અને ‘સાસુ’ ઇન્દિરાજીએ મેનકાને ઘર બહાર કાઢી મુકેલી તે ઘટના જગજાણીતી છે. સોનિયા ઇચ્છતાં હતા કે પતિ રાજીવની સાથે - બન્ને દીકરાદીકરી સહિત - દેશ છોડીને ક્યાંક નિરાંતે જીવન વ્યતિત કરે. પણ ઇન્દિરાજીની હત્યાએ રાજીવને વડા પ્રધાન બનવાનો રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. રાજીવ-હત્યા પછી તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીએ સોનિયાજીને ત્યાં જઈને પોતાની ટોપી તેમનાં ચરણોમાં મુકીને આજીજી કરી કે હવે કોંગ્રેસ પક્ષને તમે જ સંભાળી લો, તમારા સિવાય તેનો ઉદ્ધાર કોઈ કરી શકે તેમ નથી!’
બસ, ત્યારથી સોનિયાજી કોંગ્રેસનું શિરછત્ર સ્થાપિત થયાં. ચૂંટણીઓમાં હાર પણ તેમનું સ્થાન વિચલિત કરી શક્યું નથી. છાશવારે પ્રિયંકા અને રાહુલને વારસદારી સોંપવાની ચર્ચા તો ચાલે છે, પણ માતા સોનિયાને હજુ પુત્ર રાહુલની ક્ષમતામાં ઝાઝો ભરોસો નથી. નરસિંહ રાવ જેવા કોઈ પુખ્ત રાજનેતા કોંગ્રેસ પાસે નથી, એટલે મનમોહન સિંહથી ચલાવી લેવું પડે છે.
પરંતુ સ્વતંત્રતા પૂર્વેથી, આઝાદીનાં આટલાં વર્ષો સુધી - અલ્હાબાદનાં રાજભવનથી શરૂ થયેલી - નેહરુ-ગાંધી પરિવારની ‘રાજ-યાત્રા’ એક યા બીજી રીતે અસ્તિત્વ ધરાવે છે તેને લોકશાહીની વિડંબના ગણવી કે લાંબા ગાળાથી ગુલામ રહેલી પ્રજાની વ્યક્તિગત અંધનિષ્ઠા ગણવી? આ પ્રશ્ન એકલી કોંગ્રેસનો નથી, સાર્વજનિક જીવનમાં સર્વત્ર વિચારવા જેવો છે.
શ્યામજીની સનદ વાપસીનો કાર્યક્રમ
૧૮મી ડિસેમ્બરે ભૂજ કચ્છના એરફોર્સ સ્ટેશને, વડા પ્રધાને પંડિત શ્યામજી કૃષ્ણવર્માની ૧૧૦ વર્ષ પૂર્વે ખૂંચવાયેલી સનદ પરત મેળવી તેનાં સ્મારકમાં અર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો. મેમોરિયલ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્ય પ્રધાને, વડા પ્રધાન પાસેથી સનદ મેળવી. ગુજરાતનાં આ ક્રાંતિતીર્થને પાંચ વર્ષ પૂરાં થયાં છે.
ઓગસ્ટ-૨૦૦૩માં તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જીનિવાથી અસ્થિ પરત લાવ્યા હતા. જોકે, આ કામ માટે અગાઉ ૧૯૯૬-૯૭માં તે સમયના મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. ૨૦૦૩માં નરેન્દ્ર મોદી અસ્થિકળશ લાવ્યા ત્યારથી ક્રાંતિતીર્થનો ઇતિહાસ વધુ વેગવાન બન્યો. ઓક્ટોબર-૨૦૦૪માં સ્મારકનો શિલાન્યાસ થયો ત્યારે રાજ્યનાં ૧૭ જિલ્લાનાં ૬૧ સ્થાનોએ વીરાંજલિ યાત્રા પણ નીકળી હતી. ૧૪ મહિનાના ટૂંકા સમયમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે ક્રાંતિતીર્થ રચાયું, તે પોતાનામાં એક અદ્ભુત સ્થાન છે. ૧૩ ડિસેમ્બર, ૨૦૧૦ના ક્રાંતિતીર્થની સ્થાપના થઈ ત્યારથી આ પાંચ વર્ષમાં ૧૫ લાખ લોકો સ્વયંભૂ તેની મુલાકાતે આવી ગયા છે.
જોકે લંડનમાં પંડિત શ્યામજીનું ‘ઇન્ડિયા હાઉસ’ અને નિવાસસ્થાનની ઇમારતો છે જ. મહારાષ્ટ્ર સરકારે લંડનમાં ડો. બાબાસાહેબ આંબેડકર જ્યાં રહ્યા હતા તે મકાન ખરીદી લીધું અને તેને સ્મારકમાં ફેરવવાની જાહેરાત થઈ. આવું શ્યામજી કૃષ્ણવર્માનાં ‘ઇન્ડિયા હાઉસ’ માટે રાજ્યના મુખ્ય પ્રધાન અને સરકાર કેમ ના કરી શકે?
પ્રજાકીય વિભાજન અને સ્વાર્થને દૂર કરીને એકતા સ્થાપવા માટે આવાં સ્મારકો પ્રેરણાતીર્થ બની શકે.


comments powered by Disqus