ઓકલેન્ડઃ જે પરિવારમાં ચાર કે તેથી વધારે સંતાનો હોય છે તે પરિવાર વધારે સુખી હોય છે, તેવું ઓકલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ હાથ ધરેલા અભ્યાસમાં પુરવાર થયું છે. પાંચ વર્ષના અધ્યયન બાદ સંશોધકો એવા તારણ પર આવ્યા છે કે, જે દંપતીને ચાર કે તેથી વધારે સંતાન હોય છે તેઓ સંતુષ્ટ અને સુખી હોય છે. તેઓ જીવનને વધારે સારી રીતે માણી શકતા હોય છે.
ઓકલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના સંશોધક ડો. બ્રોનવિન હર્મને જણાવ્યું હતું કે, પાંચ વર્ષના અભ્યાસ પરથી એક તારણ નીકળે છે કે વધુ સંતાનો પરિવારના સુખમાં વધારો કરે છે. આ સર્વેમાં સંશોધકો દ્વારા જીવનની ગુણવત્તા, સંતાનો સાથેનું સુખ, જીવનમાં મળેલો સંતોષ, સામાજિક સાથ-સહકાર વગેરે બાબતે સવાલો કરવામાં આવ્યા હતા. જે લોકોને ચાર કે તેથી વધારે સંતાનો હતા તેમણે ઉપરોક્ત સવાલોના સંતોષજનક જવાબ આપ્યા હતા. તે ઉપરાંત તે લોકોએ વધુ સુખી અને સંતુષ્ટ હોવાનું પણ જણાવ્યું હતું.
સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે, જે પરિવારના લોકો સાથે બેસીને ટીવી જુએ છે તેમના સુખમાં વધારો થાય છે. સાથે એક જ ટેબલ પર બેસીને જમવું, અથવા તો સાથે જ બેસવું કે પોતાની મનગમતી જગ્યાએ જવું. આ તમામ બાબતો સારા અને સુખી પરિવારની નિશાની છે.