ઓકલેન્ડઃ ન્યૂ ઝીલેન્ડમાં રહેતા સંજયકુમાર જોષી નામના ભારતીયને બે મિલિયન ડોલર (આશરે ૧૨ કરોડ રૂપિયા)ની છેતરપિંડીના કેસમાં ઓકલેન્ડની સ્થાનિક અદાલતે કસૂરવાર ઠેરવીને છ વર્ષ કેદની સજા ફટકારી છે. સંજય જોષીની છેતરપિંડીનો ભોગ તેના બિઝનેસ પાર્ટનર, મિત્રો અને ડોક્ટર જ નહીં, તેના માતા-પિતા પણ બન્યા હતા. સંજય સામે ૨૦ લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂકાયો હતો.
સંજયે બનાવટી દસ્તાવેજોના આધારે લોકો પાસેથી નાણાં મેળવ્યાં હતા. તેણે મમ્મીના ક્રેડિટ કાર્ડમાંથી ૯ હજાર ડોલર પડાવી લીધા હતા તો માતા-પિતાની ખોટી સહી કરીને ૮૧ હજાર ડોલરની લોન લઈને તેના નાણાં પણ ઓળવી ગયો હતો. સંજયકુમાર જોષીએ તેના પાર્ટનર એરોન યંગને એક મિલિયન ડોલરમાં નવડાવ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સંજય જોષીને બેન્કરપ્ટ જાહેર કરવામાં આવ્યો હતો અને છેતરપિંડી બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.