ટીમ ઇંડિયામાં બે નવા ચહેરાનું આગમન

Wednesday 23rd September 2015 07:06 EDT
 
 

બેંગ્લૂરુઃ પ્રવાસી સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ત્રણ ટ્વેન્ટી૨૦ ઇન્ટરનેશનલ અને પ્રથમ ત્રણ વન-ડે માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં પંજાબના નવોદિત ઓલરાઉન્ડર ગુરકિરાત સિંહ માનનો વન-ડે માટે તથા કર્ણાટકના ઝડપી બોલર શ્રીનાથ અરવિંદનો ટી૨૦ ટીમમાં સમાવેશથી આશ્ચર્ય ફેલાયું છે. ટીમ ઇંડિયાની વન-ડે અને ટી૨૦ ટીમના કેપ્ટન પદે મહેન્દ્ર સિંહ ધોનીને જાળવી રખાયો છે. આ સાથે જ સાઉથ આફ્રિકા સામે વન-ડેનું નેતૃત્વ વિરાટ કોહલીને સોંપશે તેવી અટકળોનો અંત આવ્યો છે.
ટી૨૦ ટીમમાં ચાર સ્પિનર્સને સ્થાન અપાયું છે. જેમાં આર. અશ્વિન્, હરભજન સિંહ, અમિત મિશ્રા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. પાંચ મેચની શ્રેણીની પ્રથમ વન-ડે માટે ગુરકિરાતને તક અપાઇ છે, જે સિનિયર ઓફ-સ્પિનર હરભજનનું સ્થાન લેશે. ગુરકિરાતે તાજેતરમાં બાંગલાદેશ-એ ટીમ સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાની પસંદગીનો દાવો મજબૂત કર્યો હતો.
બીજી તરફ, સાઉથ આફ્રિકા સામેની શ્રેણી માટે રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી તથા ઇશાન્ત શર્મા સ્થાન મેળવી શક્યા નથી. ભૂવનેશ્વર કુમાર સંપૂર્ણ ફિટ થઇ ચૂક્યો છે અને તેને ટી૨૦ તથા વન-ડે એમ બન્ને ટીમમાં સ્થાન અાપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને પણ બંને ટીમમાં સ્થાન મળ્યું છે. ઉમેશ યાદવને વન-ડેમાં સામેલ કરાયો છે, પરંતુ ઝડપી બોલર વરુણ એરોનની પસંદગી કરાઇ નથી.
‘ધોનીથી ખુશ છીએ’
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા વન-ડેના કેપ્ટન ધોનીને હટાવી વિરાટ કોહલીને વન-ડેમાં કેપ્ટનશિપ આપવાની વાતો વહેતી થઈ હતી ત્યારે પસંદગીકાર સંદીપ પાટિલે આ અંગે કહ્યું કે, અમે વન-ડે ટીમના કેપ્ટનશિપ મામલે કોઈ જાતની ચર્ચા કરી જ નથી. ધોની પર અમને પૂરો ભરોસો છે અને વન-ડેમાં તેના નેતૃત્ત્વથી ઘણા ખુશ છીએ. ધોનીની આગેવાનીમાં ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં અમે ધોનીની સાથે જ છીએ.
જાડેજા, શમી આઉટ
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બાંગલાદેશ પ્રવાસમાં નિષ્ફળ ગયો હતો જેને કારણે ત્રીજી વન-ડેમાંથી બહાર કરાયો હતો જ્યારે અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળ ઝિમ્બાબ્વે પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તેને સ્થાન અપાયું નહોતું. હવે સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ અને વન-ડે એમ બંને સિરીઝમાંથી બહાર કરી દેવાયો છે. આ ઉપરાંત ઝિમ્બાબ્વે પ્રવાસમાં સમાવેશ કરાયેલા ઝડપી બોલર ધવલ કુલકર્ણીને પણ પડતો મૂકાયો છે. શમીનો પણ ટીમમાં સમાવેશ કરાયો નથી. શમી છેલ્લે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી રમ્યો હતો ત્યારબાદ ઇજાને કારણે આઈપીએલ, બાંગલાદેશ પ્રવાસ અને ઝિમ્બાબ્વે પ્રવાસમાં રમી શક્યો નહોતો. શમી હજુ સંપૂર્ણપણે ફિટ થયો ન હોવાથી તેનો પણ સમાવેશ કરાયો નથી.
ટી૨૦ ટીમઃ ધોની (કેપ્ટન), ધવન, રોહિત શર્મા, કોહલી, રૈના, રહાણે, રાયડુ, બિન્ની, અશ્વિન્, અક્ષર પટેલ, હરભજન સિંહ, ભુવનેશ્વર કુમાર, મોહિત શર્મા, અમિત મિશ્રા, શ્રીનાથ અરવિંદ
વન-ડે ટીમઃ ધોની (કેપ્ટન), ધવન, રોહિત શર્મા, કોહલી, રાયડુ, રૈના, અજિંક્ય રહાણે, સ્ટુઅર્ટ બિન્ની, અશ્વિન, અક્ષર પટેલ, ગુરુકિરાત સિંહ માન, અમિત મિશ્રા, ભુવનેશ્વર કુમાર, મોહિત શર્મા, ઉમેશ યાદવ


comments powered by Disqus