સંવિધાન સભાએ અધિકૃત કરેલા બંધારણને આજરોજ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫થી નેપાળમાં લાગુ કરવાની જાહેરાત કરું છું. આ ઐતિહાસિક પ્રસંગે સૌને એકતા અને સહયોગ માટે અપીલ કરું છું... રાષ્ટ્રપતિ રામબરન યાદવે રવિવારે કાઠમંડુમાં સંવિધાન સભાને સંબોધતાં ઉચ્ચારેલા આ શબ્દોએ નેપાળમાં ઇતિહાસ રચ્યો છે. આ જાહેરાત સાથે જ ‘વિશ્વના એક માત્ર હિન્દુ રાષ્ટ્ર’ની ઓળખ ધરાવતા નેપાળે ધર્મનિરપેક્ષ લોકશાહી પ્રજાસત્તાક શાસનપ્રણાલી અપનાવી છે. હિંસક વિરોધ અને ઉજવણીના માહોલમાં નેપાળમાં નવું બંધારણ અમલી બન્યું છે, જે ‘સંવિધાન ૨૦૧૭’ તરીકે ઓળખાશે. એક દસકાની કશ્મકશ બાદ નેપાળને નવું બંધારણ મળ્યું છે. ગયા મંગળવાર, ૧૫ સપ્ટેમ્બરે મોડી રાત્રે સંવિધાન સભાએ બંધારણનાં સ્વરૂપ પર મંજૂરીની મ્હોર મારી હતી, અને રવિવારે રાષ્ટ્રપતિએ તેના પર હસ્તાક્ષર કર્યા.
નવા બંધારણની જાહેરાતને રાજધાની કાઠમંડુ સહિત દેશભરમાં લોકોએ આતશબાજી કરીને અને રાષ્ટ્રધ્વજ લહેરાવીને ઉજવણી કરી હતી. લોકોનો આ ઉમંગ-ઉલ્લાસ સ્વાભાવિક હતો કેમ કે નેપાળ માટે આ ઐતિહાસિક અવસર હતો. છ દસકામાં છ બંધારણ આ દેશમાં લાગુ થઈ ચૂક્યા છે, પરંતુ આ પહેલી વાર એવું બન્યું છે જેમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ સંવિધાન રચવાની જવાબદારી નિભાવી છે. જોકે, સંવિધાન નિર્માણની આ પ્રક્રિયા દરમિયાન અનેક ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા. બબ્બેવાર સંવિધાન સભાની ચૂંટણી કરવી પડી. છતાં રાજકીય અવરોધો દૂર થતાં નહોતા. જોકે ભયાનક ભૂકંપનાં રૂપમાં ત્રાટકેલી કુદરતી આફતે તમામ પક્ષોને મતભેદો ભૂલી એકસંપ થવા પ્રેર્યા અને નવું બંધારણ સાકાર થયું.
હવે નવા બંધારણ અનુસાર નવી ચૂંટણી કરાવવી પડશે. તેથી સંભવતઃ વડા પ્રધાન સુશીલ કોઇરાલા રાજીનામું આપી શકે છે અને આગામી ચૂંટણી સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉદારવાદી નેતા ઓ. પી. કોલી રખેવાળ વડા પ્રધાન બની શકે છે. દેશમાં સાત રાજ્યો રચાશે. આ બધું જો સમુસૂતરું પાર પડ્યું તો લાંબા અરસાથી આંદોલનો, અસ્થિરતામાં અટવાતી નેપાળી પ્રજા માટે શાંતિ-અમન-ચૈનના દિવસો દૂર નથી. પરંતુ આ જો અને તો વચ્ચે અનેક પડકારો છે. નવા બંધારણથી બહુમતી પ્રજા ખુશ છે તે સાચું, પરંતુ અમુક વર્ગ નારાજ પણ છે તેની ઉપેક્ષા થઇ શકે તેમ નથી.
તરાઇ વિસ્તારના લોકોને પહાડી વિસ્તારમાં ભેળવી દેવાતા નારાજ છે. મેદાની વિસ્તારો સાથે જોડાયેલા પક્ષોની દલીલ છે કે રાજ્યોની રચનાનું સૂચિત આયોજન થારુ અને મધેશી જેવા વંચિત અને પછાત સમુદાયને વધુ હાંસિયામાં ધકેલી દેશે. નારાજ જૂથોના હિંસક વિરોધમાં અત્યાર સુધીમાં ૪૦થી વધુ જિંદગી હોમાઇ ગઇ છે. બંધારણ અમલી બન્યા બાદ પણ દેખાવો અટક્યા નથી. તરાઇ પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓ કરફ્યુ તળે છે અને ધરણાં-વિરોધ પ્રદર્શનોથી ઉકળતા ચરુ જેવો માહોલ છે. પ્રાદેશિક અસંતોષની સાથોસાથ ધર્મનિરપેક્ષતા સંબંધિત જોગવાઈનો પણ ભારે વિરોધ થયો હતો. લોકોની લાગણી હતી કે નેપાળે હિન્દુ રાષ્ટ્રની ઓળખ જ જાળવવી જોઇએ. મહિલાઓને ઓછા અધિકાર મળ્યા હોવાથી મહિલા સંગઠનોમાં પણ અસંતોષ પ્રવર્તે છે. નેપાળમાં બંધારણના અમલથી રાજકીય અરાજક્તાનો અંત આવશે તેવી આશા રાખતા ભારત માટે તરાઇ પ્રદેશની અશાંતિ ચિંતાજનક છે કેમ કે આ વિસ્તારો ભારતીય સરહદ સાથે જોડાયેલા છે.
નેપાળનું રાજકીય નેતૃત્વ હવે વધુ સંવેદનશીલતા, વધુ સમજદારી દાખવીને નારાજ વર્ગને પણ સંતોષ થાય તેવો કોઇ સમાધાનકારી માર્ગ ખોળે તે આજના સમયની જરૂર છે. શાસકોએ સુનિશ્ચિત કરવું પડશે કે નવું બંધારણ અને શાસન વ્યવસ્થા હેઠળ નેપાળનો કોઇ પણ સમુદાય ઉપેક્ષા કે છેતરપિંડીની લાગણી ન અનુભવે. નારાજ વર્ગનો અસંતોષ દૂર કરવા વડા પ્રધાન કોઇરાલાનો અભિગમ પ્રશંસનીય છે. તેમણે વિવાદિત મુદ્દા અંગે વિચારણા કરવા તૈયારી દર્શાવતા કહ્યું છે કે તમામ મુદ્દાઓ ઉપર વાતચીતના માધ્યમથી સર્વસંમતિનો માર્ગ કાઢવો શક્ય છે અને જરૂર પડ્યે આ માટે સંવિધાનમાં સુધારાનો વિકલ્પ પણ અપનાવાશે. નેપાળમાં રોપાયેલું લોકશાહીનું બીજ સમયના વહેવા સાથે વટવૃક્ષ બનીને પાંગરે તેવી શુભેચ્છા સહ...