બટાટાઃ સમજપૂર્વક રાંધો તો બહુ હેલ્ધી

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 23rd September 2015 07:26 EDT
 
 

જો તમારે જાડા ન થવું હોય તો બને એટલાં બટાટા ઓછા ખાવા... ડાયાબીટીસ હોય તો બટાટા ન ખવાય... કોલેસ્ટરોલ વધવાની સમસ્યા હોય તો બટાટાની વિવિધ વાનગીઓ ખાવાનું ટાળો... વજન ઉતારવું હોય તો તો બટાટાને બાય-બાય કહેવામાં જ તમારું ભલાઇ છે... અત્યાર સુધી આપણે અવારનવાર આવું સાંભળતા આવ્યા છીએ અને પોતીકા સ્વાસ્થ્ય માટે સાવચેત લોકો તેનો ગંભીરતાથી અમલ પણ કરતા રહ્યા છે.

બટાટાને અનહેલ્ધી માનીને ભલે વગોવવામાં આવ્યા હોય, પણ વાસ્તવિક્તા કંઇક અલગ જ છે. થોડાંક વર્ષો પૂર્વે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ બટાટાને પહેલી વાર પોષક ગણાવ્યા હતા. તાજેતરમાં કેનેડાની મેક્ગિલ યુનિવર્સિટીના રિસર્ચરોએ તો ભાવતું’તું ને વૈદે કીધું જેવું તારણ રજૂ કરતાં કહ્યું છે કે બટાટા વજન વધારાનારા નહીં, પણ વજન ઘટાડનારા છે.

કેનેડાના આ રિસર્ચરોના કહેવા મુજબ બટાટામાં ખૂબ જ ગુણકારી કેમિકલ્સ રહેલાં છે, જે કેટલાંક વેજિટેબલ્સ અને ફ્રૂટ્સમાંથી મળી આવતા પોલિફિનોલ કેમિકલ જેવાં જ હેલ્ધી હોય છે. રિસર્ચરોએ બટાટાનો અર્ક કાઢીને એમાંથી ખૂબ ફાયદાકારક કમ્પાઉન્ડ હોવાનું નોંધ્યું છે. આમ તો બટાટા સિમ્પલ કાર્બોહાઇડ્રેટનો ભંડાર હોવાથી ઝટપટ પચી જઈને શરીરમાં કેલરીનો વધારો કરવા માટે જ જાણીતા છે. આથી સંશોધકોએ ડબલ ચેક કરવા માટે અલગ-અલગ સીઝનમાં ઉગાડેલા બટાટાના અર્ક પર લેબોરેટરીમાં તપાસ કરી. દરેક સીઝનમાં ઊગેલા બટાટામાંથી મળી આવેલા પોલિફિનોલ કેમિકલ્સ ટાઇપ-વન અને ટાઇપ-ટૂ પ્રકારના ડાયાબીટીસને પ્રિવેન્ટ કરવામાં મદદ કરી શકે એવાં હતાં. આ કેમિકલ્સ ઇન્સ્યુલિન પેદા થવાની પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે એવાં હોવાથી લોહીમાં શુગરનો ભરાવો થતો અટકાવવા માટે જાણીતાં હતાં. રિસર્ચરોએ આ થિયરીનો ઓબેસિટીના શિકાર બનેલા ઉંદરો પર પણ પ્રયોગ કરી જોયો. એમાં પણ તેમને ઘણું સારું પરિણામ મળ્યું. ૧૦ અઠવાડિયાં સુધી સામાન્ય ખોરાકની સાથે બટાટાનો અર્ક ખાતાં ઉંદરોમાં સરેરાશ વજન ઘટવાનું પ્રમાણ વધુ હતું.

જો આ તારણો વાંચીને બટાટા ખાવા પર તૂટી પડવાનું વિચારતા હો તો અટકી જાવ કેમ કે બટાટામાંથી આ અર્ક તો મળે જ છે, પણ સાથે જથ્થાબંધ કેલરી પણ હોય છે. સંશોધકોએ બટાટાના અર્કનો ડેઇલી ડોઝ ૩૦ નંગ બટાટામાંથી મેળવ્યો હતો. જો વજન ઉતારવા માટે રોજના ૩૦ બટાટા ખાવામાં આવે (જે ખરેખર શક્ય પણ નથી) તો જરૂર કરતાં ચાર ગણી કેલરી પેટમાં ઠલવાય. આ સંજોગોમાં બટાટાનો અર્ક દવારૂપે લેવામાં આવે એ જ બહેતર સોલ્યુશન બની શકે છે.

બટાટા હેલ્ધી, પણ...

આ તો થઈ સંશોધનની વાત. હવે વાત કરીએ બટાટાના પ્રેક્ટિકલ ઉપયોગ અને ગુણોની. મોટા ભાગે ડાયેટિશ્યનો બટાટા ન ખાવા કે ઓછા ખાવા એવી જ સલાહ આપતા હોય છે, પણ બટાટાની રચના સારી રીતે જાણતા ડાયેટિશ્યન ચોક્કસ મર્યાદામાં બટાટા ખાવા સલાહ આપે છે. એક ડાયેટિશ્યન કહે છે કે ‘બટાટા ખૂબ જ સારી એનર્જી પૂરી પાડે છે એટલે એને સાવ જ કોરાણે મૂકી દેવા જોઈએ એવું હું કદી નહીં કહું. હા, તેને બનાવવાની રીતોમાં બદલાવ લાવવામાં આવે તો પટેટો પણ પૌષ્ટિક બની શકે છે.’

આપણે ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ, વડાં, સમોસાં, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઇઝ, પેટીસ જેવી ચીજોમાં ભરપૂર બટાટા ખાઈએ છીએ એ હાનિકારક છે. વિવિધ ગ્રીન વેજિટેબલ્સની સાથે બટાટાનું મિશ્રણ કરવામાં આવે એમાં કાંઈ જ ખોટું નથી. પાલક, મેથી, ગાજર, કોબીજ, ટીંડોળા, રીંગણ જેવાં શાકમાં ઉમેરણ તરીકે બટાટા વપરાય છે એ જરાય ખરાબ નથી. ઊલટાનું ફાઇબરવાળાં શાકભાજીની સાથે સ્ટાર્ચથી ભરપૂર બટાટા ઉમેરવાથી શરીરને સારીએવી એનર્જી લાંબો સમય મળતી રહે છે. આપણે રોજ દિવસમાં બે વાર તેલ-મસાલા નાખેલા ચટાકેદાર બટાટા ઝાપટીએ અને પછી સ્વાસ્થ્યને નુકસાન થાય ત્યારે બટાટાને દોષ દઈએ છીએ. ખરેખર બટાટા નુકસાન નથી કરતાં, પણ તેમાં નાંખેલા તેલ-મસાલા શરીરને નુકસાન કરતા હોય છે.

બટાટા સાથે કેવું કોમ્બિનેશન કરવામાં આવે છે તેના આધારે એ ફાયદો કરશે કે નુકસાન એ નક્કી થતું હોય છે. એકદમ ઓવરકુક કરીને બાફેલા બટાટામાંથી પોષક તત્વો નાશ પામે છે. વળી, મેંદા સાથે અથવા તો તળીને લેવામાં આવે તો એનાથી કેલરી પણ વધી જાય અને પોષક તત્વો પણ ઘટી જાય. બટાટાને બાફીને અથવા શેકીને ખાવાથી એમાંનાં મોટા ભાગનાં પોષક તત્વો જળવાઈ રહે છે. છાલ સાથે જ રાંધવામાં આવે અને છાલ સાથે જ ખાવામાં આવે તો વધુ ફાયદો થાય.

કેવા બટાટા વાપરવા જોઇએ?

બટાટા કેવી રીતે રાંધવા જોઇએ એ જાણતાં પહેલાં કેવા બટાટા વાપરવા એ પણ જાણવું જરૂરી છે. બટાટા અતિશય કડક કે એકદમ પોચા ન હોવા જોઈએ. પોચા પડી ગયેલા, ઉપરની સ્કિન પર કાળાશ કે લીલાશ દેખાતી હોય તો એમાં ઇન્ફેક્શન્સની શરૂઆત થઈ ગઈ હોય છે. બીજું, ઘણી વાર બટાટાનો અમુક ભાગ લીલો જ રહી ગયો હોય છે. આ ગ્રીન બટાટામાં સોલેનાઇન, ચેકોનાઇન અને આર્સેનિક જેવાં ઝેરી દૃવ્યો હોય છે, જે ગેસ, એસિડિટી, અપચો જેવી તકલીફ કરે છે. ઊગી ગયેલા બટાટા પણ એનું સત્વ ગુમાવી ચૂક્યા હોય છે.

બટાટાનો રસ ઔષધ

આયુર્વેદમાં પણ બટાટાનાં ગુણગાન ગવાયેલાં છે. બટાટાના રસના કેટલાક રસપ્રદ પ્રયોગો વિશે આયુર્વેદ-નિષ્ણાતો કહે છે કે કાચા બટાટા ક્રશ કરીને દબાવી, રસ કાઢીને એક ચમચીનો એક ડોઝ એમ ચાર વાર નિયમિત પીઓ અને બાળકોને પણ પીવડાવો. એ રસ કેટલીયે માંદગીમાંથી ઉગારી લે છે. રક્તપિત્તની માંદગીમાં કાચા બટાટાનું સેવન ખૂબ લાભદાયક છે. જે દરદીઓનાં પાચન અંગોમાં ખટાશનું પ્રમાણ વધુ હોય, ખાટા ઓડકાર આવતા હોય, ગેસ હેરાન કરતો હોય કે અલ્સરેટિવ કોલાઇટિસની સમસ્યા હોય તેમના માટે ગરમાગરમ રાખ કે રેતીમાં શેકેલા બટાટા ઔષધ બની શકે. જોકે આ પ્રયોગો તબીબી માર્ગદર્શન હેઠળ કરવા જરૂરી છે.


comments powered by Disqus