મનિષા પટેલને ૨૪ વર્ષની કેદ

પ્રણયત્રિકોણનો કરુણ અંજામ

Wednesday 23rd September 2015 06:35 EDT
 
 

મેલબોર્નઃ આ એક એવી કથની છે જેમાં ભારતના જ ત્રણ પાત્રો ઓસ્ટ્રેલિયાની ધરતી પર જીવનનો એવો ત્રિકોણ રચાયો કે પૂર્વી જોષી નામની યુવતીએ જીવ ગુમાવ્યો, નિરજ દવે નામના યુવાને ગર્લફ્રેન્ડ ગુમાવી અને મનિષા પટેલ નામની યુવતીને ૨૪ વર્ષ કેદની સજા ભોગવવાનો સમય આવ્યો.
નિરજ દવે અને મનિષા પટેલ બન્ને ગુજરાતના વતની છે, પણ તેમનો પરિચય થયો હતો ભારતની એક લગ્નવિષયક વેબસાઇટના માધ્યમથી. આ સમયે બન્ને ઓસ્ટ્રેલિયામાં જ હતા.
મનિષા ૨૦૦૮માં ગુજરાતથી ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને તેના પરિવારે કરેલી ગોઠવણ મુજબ લગ્ન કરીને ઘરસંસાર વસાવ્યો હતો. થોડોક સમય બધું બરાબર ચાલ્યું, પણ પછી મનમેળ ન રહેતા મનિષા અને પતિ અલગ થયા.
આ જ અરસામાં મનિષાના જીવનમાં નિરજ દવેનો પ્રવેશ થયો. ૨૦૧૧માં તેઓ એક મેટ્રીમોનિયલ વેબસાઇટના માધ્યમથી સંપર્કમાં આવ્યા અને પરિચય ઘનિષ્ઠ મિત્રતામાં પરિણમ્યો. બન્ને સાથે જ રહેતા હતા. એક દિવસ નિરજે તેને જણાવ્યું કે તેના જીવનમાં પૂર્વી જોષી નામની યુવતી આવી છે. પૂર્વી ભારતથી ઓસ્ટ્રેલિયા આવી રહી છે અને પોતે તેની સાથે લગ્ન કરીને સંસાર માંડવાનો છે. થોડાક દિવસોમાં પૂર્વી આવી પહોંચી અને સિડનીમાં નિરજ સાથે રહેવા લાગી. વિશ્વાસઘાતની પીડા અને ઇર્ષ્યાની આગમાં સળગતી મનિષા જુલાઈ ૨૦૧૩માં એક દિવસ નિરજના ફલેટ પર ધસી ગઈ અને પૂર્વીને ગળા તથા પેટમાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી.
મનિષાની અટકાયત થઇ અને કેસની સુનાવણી દરમિયાન તે પૂર્વીની હત્યા માટે દોષિત પુરવાર થઇ. ન્યૂ સાઉથ વેલ્સ કોર્ટના ન્યાયમૂર્તિ હેલન વિલ્સને ચુકાદો આપતાં નોંધ્યું હતું કે મનિષાએ પૂર્વી જોષીની હત્યાનો નિર્ણય કર્યો તે બહુ જ દુઃખદાયક બાબત છે.
મનિષાને ૨૪ વર્ષ કેદની સજા ફરમાવાઇ છે, જેમાં ઓગસ્ટ ૨૦૩૧ સુધી તો તેને પેરોલ પણ આપવામાં આવશે નહીં.


comments powered by Disqus