યુએનમાં ભારતનું એક ‘વિરાટ કદમ’

Tuesday 22nd September 2015 13:43 EDT
 

ભારતીય રાજદ્વારીઓની મહેનત આખરે રંગ લાવી છે. યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ માટે આવશ્યક ચર્ચાને બહાલી આપતો ઠરાવ મહાસભામાં મંજૂર થયો છે. ભારત સરકારે યુએનની બેઠકમાં પસાર કરાયેલા આ ઠરાવને ‘ઐતિહાસિક’ અને ‘નવી શરૂઆત’ ગણાવ્યો છે. ભારતની લગભગ અઢી દાયકાની મહેનતનું આ પરિણામ છે. સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ મુદ્દે વાતચીત શરૂ થવાનો મતલબ એવો તો નથી જ કે ભારતનું સુરક્ષા પરિષદમાં સ્થાન પાક્કું થઇ ગયું છે, પરંતુ મહાસત્તાઓની અનિચ્છા છતાં ભારત ચર્ચાના દરવાજા ખોલાવવામાં સફળ રહ્યું છે તે પણ કંઇ નાનીમોટી સિદ્ધિ તો નથી જ. એક તરફ સિક્યુરિટી કાઉન્સિલનું સ્થાયી સભ્ય ચીન ભારતને સમાન દરજ્જો આપવાનું મોટું વિરોધી છે તો રશિયા અને અમેરિકાનું વલણ પણ આંધળો ભરોસો મૂકી શકાય એવું તો નથી જ. ભારતને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં સ્થાયી સભ્યપદ મળવું જોઇએ તે મુદ્દે વર્ષો સુધી ભારતનું સમર્થન કર્યા પછી હવે રશિયાએ પણ પલટી મારી છે. અમેરિકા દ્વિપક્ષીય મંત્રણાઓ અને વક્તવ્યમાં તો ભારતને સ્થાયી સભ્ય બનાવવાનું સમર્થન કરે છે, પરંતુ યુએનના મંચ પર મગનું નામ મરી પાડવાનું ટાળે છે. ભારત-જાપાન-જર્મનીએ એકસંપ થઇને સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણ માટે ઝૂંબેશ ચલાવી હોવાથી આ બધા દેશના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે.
ઠરાવ અનુસાર આગામી એક વર્ષમાં યુનાઇટેડ નેશન્સની દેખરેખ તળે સંગઠનમાં સુધારાવધારા અંગે સભ્યો વચ્ચે ચર્ચા થશે. આ ચર્ચાનું પરિણામ - હકારાત્મક કે નકારાત્મક કંઇ પણ આવી શકે તેમ હોવાથી ભારત માટે અત્યારે આ મામલે ખુશ થવાનો નહીં, પણ સાવચેતીભર્યું વલણ અપનાવવાનો સમય છે, જેથી હોઠ નજીક આવી રહેલો પ્યાલો હાથમાંથી છીનવાય જાય નહીં. ઠરાવ મંજૂર થતાં હવે યુએન જનરલ એસેમ્બલીના પ્રેસિડેન્ટ સેમ કુટેસા સંગઠનમાં સુધારા સંદર્ભે મંત્રણા માટે એક પૂર્ણ સત્ર બોલાવશે. જેમાં યુએનમાં યથોચિત પ્રતિનિધિત્વ કે સિક્યુરિટી કાઉન્સિલના સભ્યોની સંખ્યા વધારવા સહિતના મુદ્દે ચર્ચાવિચારણા થશે. આ બેઠકમાં સધાયેલી સહમતીના આધારે ‘ફાઇનલ ડોક્યુમેન્ટ’ની રૂપરેખા તૈયાર થશે.
સૂચિત ‘ફાઇનલ ડોક્યુમેન્ટ’ ભારતની ઇચ્છાઓને અનુકૂળ જ હશે તેવું ધારી લેવાનું કવેળાનું ગણાશે, પરંતુ એટલું અવશ્ય નક્કી છે કે પ્રવર્તમાન વૈશ્વિક શક્તિ સંતુલન જ સૂચિત ચર્ચાનું પરિણામ નક્કી કરશે. આ ઉપરાંત, એક વરવી વાસ્તવિક્તા એ પણ છે કે પાંચ સ્થાયી સભ્યો (ચીન, અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ)માં સહમતિ વિના સિક્યુરિટી કાઉન્સિલનો કોઇ નવો ઢાંચો ઊભરી શકે તેમ નથી. આમાંનો કોઇ પણ દેશ કોઇ પણ ચર્ચા કે પ્રસ્તાવને પોતાના વીટો (વિશેષાધિકાર)ના ઉપયોગ થકી અટકાવી શકે છે, રદ કરી શકે છે.
તો શું ભારતને કાયમી સભ્ય પદ મળવાની શક્યતા ધૂંધળી છે? કે પછી તેનું સભ્યપદ પાંચ સ્થાયી દેશોની ‘દયા’ને આધીન જ રહેશે? બિલ્કુલ નહીં. આપણે એ ન ભૂલવું જોઇએ કે આંતરરાષ્ટ્રીય સંબંધો શક્તિ-સંતુલનના સિદ્ધાંતના આધારે સ્થપાતા હોય છે, વિસ્તરતા હોય છે. વર્તમાન વિશ્વમાં પગદંડો જમાવવા માટે આર્થિકશક્તિ સૌથી નિર્ણાયક પાસું ગણાય છે. ચીન આજે પોતાનું ધાર્યું કરી શકે છે, કરાવી શકે છે, કેમ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઘણા અંશે તેની આર્થિક સ્થિતિ અને નીતિઓ પર નિર્ભર છે. ભારતે આમાંથી બોધપાઠ લેવો રહ્યો. આજના યુગમાં આર્થિક સશક્તિકરણ સિવાય બીજો કોઇ આરો નથી. ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રગતિના પંથે ડગલાં તો માંડ્યા છે, પણ હવે વિકાસનો વેગ વધારવાની જરૂર છે. આર્થિક સજ્જતા હાંસલ હશે તો યુએન સિક્યુરિટી કાઉન્સિલ જેવા પ્રભાવશાળી જૂથમાં પણ કાયમી સભ્યપદનો માર્ગ આપોઆપ મોકળો થઇ જશે.


comments powered by Disqus