બાંગ્લાદેશની ધરતી પર ટીમ ઇંડિયાના કારમા પરાજય બાદ હતાશ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે, જો કેપ્ટનપદેથી રાજીનામું આપી દેવાથી ટીમનું પ્રદર્શન સુધરતું હોય તો હું પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. તેણે કહ્યું હતું કે કેપ્ટનશિપનો મુદ્દો મારા માટે એટલો મહત્ત્વનો નથી જેટલો મારા અને ટીમના પ્રદર્શનનો છે. હું હંમેશા ટીમના પ્રદર્શન અંગે ચિંતિત હોઉં છું.
વન-ડે સિરીઝમાં ૨-૦થી પરાજય બાદ ધોનીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દેશ માટે રમવું વધારે જરૂરી છે. દરેક ખેલાડીએ સારું પ્રદર્શન કરવું જોઇએ અને ડ્રેસિંગ રૂમનો માહોલ સારો રાખવો જોઇએ, જેથી નવો ખેલાડી સારું પ્રદર્શન કરી શકે. આ બાબત મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાશે.
કોચ માટે ઉતાવળ નથી
ટીમ ઇંડિયાના કોચની પસંદગી અંગે ધોનીએ પોતાનું મંતવ્ય આપતાં કહ્યું કે, ભારતીય ખેલાડીઓ પર ધ્યાન રાખનાર ઘણા સીનિયરો છે, જેથી થોડોક સમય માટે કોચનું સ્થાન ખાલી રહે તો ચિંતાનો વિષય નથી. ધોનીના મતે આ સ્થાન પર કોઇ પણ વ્યક્તિને બેસાડી દેવો ઉતાવળું પગલું ગણાશે. આથી સમય પ્રમાણે યોગ્ય વ્યક્તિને કોચ બનાવવો જોઇએ. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ બાદ ડંકન ફ્લેચરનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે ત્યારથી કોચની નિમણૂંક કરાઈ નથી.
ધોનીને દિગ્ગજોનું સમર્થન
બાંગ્લાદેશ સામે સિરીઝ ગુમાવ્યા બાદ ધોનીએ કેપ્ટન પદ છોડવાની તૈયારી દર્શાવી છે ત્યારે ભારતના પૂર્વ ખેલાડીઓ બિશન સિંહ બેદી, ચેતન ચૌહાણ, દિલીપ વેંગસરકર, ચંદુ બોર્ડે અને અજિત વાડેકરે ધોનીને સમર્થન આપીને તેને આમ ન કરવા જણાવ્યું છે. સૌરવ ગાંગુલીએ પણ ધોનીને સન્માન અને વધુ સમય આપવાનું જણાવ્યું હતું. બીજી તરફ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું માનવું છે કે, હવે સમય આવી ગયો છે કે, ધોનીએ જાતે રાજીનામું આપી દેવું જોઇએ. અઝહરના મતે ટીમમાં નવો કેપ્ટન આવશે તો તે ટીમમાં સ્ફુર્તિ આણશે.