શું ભગતસિંહ વડોદરામાં છૂપાયા હતા?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 23rd March 2015 07:20 EDT
 
 

૨૩ માર્ચના વાસંતી દિવસોમાં સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ તેને ૮૫ વર્ષ વીતી ગયાં. ગુજરાતનો તેની સાથેનો સંબંધ મને વડોદરાના માર્ગો પર લઈ ગયો. અર્વાચીન વિકસિત વડોદરામાં તે સ્થાનો હવે તો મોટી ઇમારતોની વચ્ચે ઢંકાઈ ગયાં હશે પણ -

કારેલી બાગ

બે મકાનો - આર્યકુમાર આશ્રમ. બીજું, આર્યસમાજનું મુદ્રાણાલયનું મકાન.

વાઘોડિયા.

પછી ઇટોલા વિદ્યાલય.

ત્યાંથી વલસાડ.

વલસાડથી નાસિક.

ભગતસિંહ અને તેમના ત્રણ ક્રાંતિવીરો ગુજરાતમાં આટલી જગ્યાએ ૧૯૨૮માં છૂપા વેશે રહ્યા હતા!

રોમાંચક કહાણી

આજે તો આનંદપ્રિય પંડિત રહ્યા નથી. ન પૂર્વ ધારાસભ્ય નાગજીભાઈ આર્ય હયાત છે, પણ આ એક પછી એક સ્થાનોએ - દેશઆખાની બ્રિટિશ પોલીસને અંધારામાં રાખીને - ભગતસિંહ રહ્યા એ કેવી રોમાંચક અને જોખમી કહાણી છે!

લાહોરમાં લાજપતરાય પર જૂલુસમાં લાઠી પડી અને લાલાજી થોડા દિવસમાં મૃત્યુ પામ્યા. લાહોરની કોલેજમાં ભણતા કેટલાક યુવાનો એકત્રિત થઈને ‘નૌજવાન ભારતસભા’ ગઠીત કરી. (ગુજરાતી વાચકોને એ જાણીને ગૌરવ થશે કે તેમાં ભગતસિંહની વૈચારિક ભૂમિકા બાંધનાર ગુજરાતી યુવક ભગવતીચરણ વોરા હતા. તેમના બાપદાદા વડનગરથી સ્થળાંતરિત થઈને લાહોરમાં વસી ગયેલા. પિતાજી સરકારમાં લોકપ્રિય અને સંપન્ન. પણ ભગવતીચરણ સ્વાધીનતા-પ્રેમી. તેમનું મકાન, રસોડું, નાણાં, પ્રકાશન... બધું દેશચરણે ધરી દીધું હતું. પત્ની પણ મળ્યાં એવાં જ સ્વદેશભક્ત, દુર્ગાદેવી વોરા. ક્રાંતિકારો માટે લાડકાં વત્સલ માતા સરખાં ‘દુર્ગાભાભી’ બની રહ્યાં. ભગવતીચરણ ક્રાંતિકારોની ‘થિન્ક ટેન્ક’ હતા, ગાંધીજીને તેમણે ‘બોમ્બની ફિલસૂફી’ લેખ મોકલ્યો હતો, વાઇસરોયની ટ્રેન પરના હુમલામાં ગાંધીજીએ ‘ધ કલ્ટ ઓફ બોંબ’ લેખ લખ્યો તેના જવાબમાં. ગાંધીજીએ તે ‘યંગ ઇન્ડિયા’માં છાપ્યો પણ ખરો. ભગવતી સ્વયમ્, લાહોર જેલમાંથી ભગતસિંહ અને સાથીદારોને છોડાવી જવા માટે સક્રિય હતા અને બોંબ બનાવવા ગયા ત્યાં વિસ્ફોટ થતાં રાવી નદીના કિનારે ૨૧ મે, ૧૯૩૦ના આહુતિ આપી. તેમનાં પત્ની દુર્ગાભાભીએ મુંબઈમાં લેમિંગ્ટન રોડ પર બ્રિટિશ સાર્જંટ પર ગોળી ચલાવી હતી. ૧૩ ઓક્ટોબર, ૧૯૯૯ના તેમણે વિદાય લીધી.) ઇન્કિલાબના જોશ સાથે સોંડર્સ-વધ થયા બાદ બ્રિટિશ પુલિસે વોરંટ કાઢ્યાં.

વડોદરામાં ભગતસિંહ

તે સમયે ભગતસિંહ ગુજરાતમાં આવ્યા. વડોદરામાં તેમને કારેલી બાગ, આર્યકુમાર મહાસભાના આર્યકુમાર આશ્રમમાં છૂપા વેશે રખાયા. કોઈ તેમને ઓળખતું નહીં. પૂછે તો કહેતા કે ગુરુકુળ કાંગડીના વિદ્યાર્થી છીએ, થોડા દિવસ માટે આવ્યા છીએ.

૧૯૨૭ના પૂરમાં આર્યકુમાર સભાની પાસેનાં આશ્રમ અને મુદ્રણાલયને ભારે નુકસાન થયું હતું. નવા બંધાઈ રહેલાં પ્રેસ બિલ્ડિંગની ઓસરીમાં ભગતસિંહ અને સાથીદારોને ઉતારો આપવામાં આવ્યો પછી આશ્રમના ઉપરના માળે બચી ગયેલા ઓરડામાં નિસરણીથી મોકલી દેવાયા.

આ દરમિયાન લાહોરની પોલીસ વડોદરામાં આવી પહોંચી. સગડ આર્યસમાજ રાજરત્ન આત્મારામ પંડિતના અજિતસિંહ કિસનસિંહ સાથેના સંબંધોમાંથી મેળવાયા. ભગતસિંહના પિતા અને કાકા આર્યસમાજ દીક્ષિત હતા. જાસૂસોને તેની ખબર પડી એટલે વડોદરામાં પૂછપરછ શરૂ થઈ. આશ્રમના કુમારોને એક વ્યાયમ શિક્ષક એ. કામેશ્વર રાવ શારીરિક તાલીમ આપતા. રાવપુરા પોલીસ સ્ટેશને તેની ધરપકડ કરી અને પૂછયું તમારે ત્યાં ભગતસિંહ વગેરે આવ્યા છે? ત્યાં સુધીમાં તો આર્યસમાજ આગેવાનો પોલીસ થાણે પહોંચ્યા અને તેને છોડાવી લાવ્યા.

પણ હવે અહીં ભગતસિંહને રાખવા એ જોખમ હતું. સુખદેવ તેની સાથે હતા. ત્રીજા ક્રાંતિકાર સુરેન્દ્ર પાંડે હતા. એટલે વડોદરાથી તેમને વાઘોડિયા મોકલી દેવાયા. વાઘોડિયાથી ઇટાલા વિદ્યાલય થઈને વલસાડ પહોંચ્યા. ત્યાં હિન્દુ સંમેલનમાં ભાગ લીધો અને ત્યાંથી નાસિક થઈને કોલકતા તરફ નીકળી ગયા. દસ્તાવેજી ઇતિહાસમાં વાંચવા ના મળતી આવી ઘટનાઓનું અધિક સંશોધન થવું જોઇએ કે નહીં?

સંસ્કારધનનું પૂણ્યસ્મરણ

સુંદરમ્, યશવંત શુકલ, કવિવર નાનાલાલની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમોથી એટલો અંદાજ આવે છે કે ગુજરાત તેનાં સંસ્કાર-ધનનું સ્મરણ કરતું રહે છે. સુરતમાં તો સંજીવ કુમાર (હરિ જરીવાલા) ફિલ્મ અભિનેતાનાં નામે મોટું, શાનદાર સભાગૃહ પણ બન્યું છે. અમદાવાદે સુરેશ જોશીને ય એક આખા દિવસના સાહિત્યિક કાર્યક્રમમાં યાદ કર્યાં. આચાર્ય યશવંત શુકલની જન્મશતાબ્દિ નિમિત્તે ચર્ચાનો કાર્યક્રમ સંપન્ન થયો. મે મહિનામાં રાજ્યસ્તરનો ‘ગુજરાત રાજ્ય સ્થાપના’ દિવસ વનવાસી વિસ્તાર વ્યારા (તાપી જિલ્લા)માં ઊજવાશે.

૨૩ માર્ચ એ જેમ ભગતસિંહનો બલિદાન-દિવસ છે, ડો. રામમનોહર લોહિયાનો જન્મદિવસ પણ ખરો. ડો. લોહિયાએ ભગતસિંહની ફાંસીના કારણે ક્યારેય તેની ઊજવણી કરી નહોતી. ૧૯૬૬માં, ગુજરાતની યાત્રાએ આવેલા ડો. લોહિયાને સુરેન્દ્રનગરમાં મળવાનું થયું ત્યારે આ લેખક કોલેજનો વિદ્યાર્થી હતો.

ડો. લોહિયા આવ્યા તો હતા પાકિસ્તાન યુદ્ધ પછી ગુજરાત-કચ્છનાં છાડબેટને પાકિસ્તાનને ન સોંપી દેવાય તે માટે જનજાગૃતિ ફેલાવવા. પણ એ અંગત મુલાકાતમાં તેમણે મને પૂછયુંઃ ‘મેડતાથી મીરા કયા પગરસ્તે દ્વારિકા પહોંચી હતી, તેનો તને અંદાજ છે?’ યાદ રહે કે સુરેન્દ્રનગરથી થોડેક દૂર શિયાણીમાં મીરાબાઈ રોકાયાં અને તેમની પ્રિય કૃષ્ણપ્રતિમા ત્યાં સ્થાપિત કરાઈ હતી! પછી ડો. લોહિયાએ કહ્યુંઃ ‘મારે એ રસ્તે મેડતાથી દ્વારિકાની યાત્રા કરીને તત્કાલીન મીરાનાં જીવનનો અહેસાસ કરવાની ઇચ્છા છે!’

લોહિયા એ યાત્રા તો ના કરી શક્યા કેમ કે ૧૯૬૭ના ઓક્ટોબરમાં તેમનું દેહાવસાન થયું, પણ આ રાજકારણી ફિલસૂફની એ ઇચ્છા આ લેખકના દિમાગમાં કાયમ માટે રહી ગઈ છે!


comments powered by Disqus